CMનો કોણીએ ગોળ : ૪૮ કલાકમાં ૨૫ ઇંચ વરસાદ પડે નહીં અને સહાય મળે નહીં

CMનો કોણીએ ગોળ : ૪૮ કલાકમાં ૨૫ ઇંચ વરસાદ પડે નહીં અને સહાય મળે નહીં

। ગાંધીનગર ।

ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી ભારે વરસાદને કારણે હજારો હેક્ટરમાં ઉભો પાક કહોવાયો, ધોવાયો હોવા છતાંયે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના વિકલ્પમાં ૧૦ ઓગસ્ટથી અમલમાં આવેલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ એક પણ ખેડૂતને ફદિયુંય મળી શકે તેમ નથી ! આની પાછળનું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતમાં ૪૮ કલાકમાં ૩૫ ઈંચ અને તે સિવાયના  ગુજરાતમાં ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ પડે તો જ આ વિસ્તારના ખેડૂતોને  રૂ.૮૦,૦૦૦થી એક લાખ સહાય મળે તેવા નિયમો બનાવાયા છે. તાજેતરમાં પડેલા વરસાદને અતિવૃષ્ટિ ગણાવાય છે છતાં યોજનાના નિયમ મુજબ ખેડૂતોને વળતર મળે તેમ નથી જે સાબીત કરે છે કે આ યોજના કોણીએ ગોળ લગાવવા સમાન છે.about:blank

તાજેતરની અતિવૃષ્ટીને કારણે મગફળીના ડોડવા, કપાસના જિંડવા, કઠોળ અને  શાકભાજીના પાકોમાં કહોવાટ થયો છે, ફુગ આવી છે અને ખેતરો પણ ધોવાયા છે. છતાંયે ૪૮ કલાકમાં ૩૫ ઈંચ અને ૨૫ ઈંચ વરસાદના નિયમથી હાલમાં એક પણ ખેડૂત CM કિસાન સહાય યોજનામાં હકદાર નથી ! માર્ગ અકસ્માતમાં વીમા કંપની પણ વાહન નુકસાનીના ક્લેઈમમાં ટક્કર મારનાર કોણ હતુ ? સ્પિડ કેટલી હતી ? તેના મુલ્યાંકનને બદલે વાસ્તવિક નુકસાન જોઈને જ વળતર મંજૂર કરે છે.

તદ્દન અવાસ્તવિક નિયમોથી લાખો  ખેડૂતોને કરોડોનું નુકશાન છતાંયે હજુ સુધી એક પણ ખેડૂત સહાય મેળવવાને હકદાર થયો નથી. કારણ કે,  હજી સુધી એક પણ તાલુકામાં ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ નથી ! ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૦ ઈંચ વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ૮૦ ઈંચ વરસાદ છે, પણ ૨૪ કલાકમાં ૨૫ ઈંચ નથી. એટલે આ યોજના હેઠળ ખેડૂતોને લાભ મળી શકે તેમ નથી. આ વર્ષે પાકવીમા યોજના રૂ.૫૭૦૦ કરોડનું જંગી પ્રિમિયમ ભરવાનું થતા તેના વિકલ્પમાં CM કિસાન સહાય યોજના અમલમાં મૂકી છે. જેના અવાસ્તવિક નિયમોને કારણે ખેડૂતોને ખાસ કોઈ સહાય મળે તેમ નથી.

ચાલુ સિઝનમાં બે દિવસમાં માત્ર આમરણ ગામમાં ૨૫ ઈંચ વરસાદ

રાજ્યમાં ૪૦ ઈંચ કરતા વધું વરસાદ વરસ્યો છે પરંતુ એકપણ તાલુકામાં ૨ દિવસમાં ૨૫ ઈંચ વરસાદ વરસ્યો ન હોવાનું સત્તાવાર કહે છે. બિન સત્તાવાર જામનગર જિલ્લાના આમરણ ગામમાં ગત ૨૪મી ઓગસ્ટ સુધીના ૨૪ કલાકમાં ૨૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકો કહે છે.

( Source – Sandesh )