CAA પર રજનીકાંતે મૌન તોડતાં જ હાહાકાર, ‘…તો મુસલમાન સાથે ઊભો રહેનાર હું પહેલો હોઈશ’

CAA પર રજનીકાંતે મૌન તોડતાં જ હાહાકાર, ‘…તો મુસલમાન સાથે ઊભો રહેનાર હું પહેલો હોઈશ’

સંસદથી શાહીન બાગ વચ્ચેનું અંતર ગૂગલમાં 14.5 કિલોમીટર બતાવી રહ્યું છે. સીએએ અને એનઆરસીના આટલા વિરોધ છતાં હજુ ત્યાં કોઈ ફરક્યું નથી. તો આ તરફ ત્યાં ચાલી રહેલો વિરોધ પણ એમનેમ અડગ છે. મહિલાઓથી માંડીને વૃદ્ધો પણ પીછેહટ કરવાનું નામ નથી લેતા. બોલિવૂડના ઘણા સિતારાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. હવે આ વિરોધ મામલે રજનીકાંતનુ નિવેદન સામે આવ્યું છે અને તેના કહેવા મુજબ આ કાયદાથી મુસલમાનને કોઈ જ ખતરો નથી.

….હું પહેલો ઉભો રહીશ

રજનીકાંતે કહ્યું કે, નાગરિકતા સંસોધન અધિનિયમ આપણા દેશના કોઈ પણ નાગરિકને પ્રભાવિત નથી કરતો. જો આ કાયદો મુસલમાનોને અસર કરે તો મુસલમાનો સાથે ઉભો રહેનાર હું પહેલો વ્યક્તિ હોઈશ. બહારના લોકોની ઓળખ કરવા માટે એનપીઆર જરૂરી છે. એનઆરસીના વિશે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, હજુ સુધી કોઈ યોજના તૈયાર કરવામાં આવી નથી.

વિદ્યાર્થીઓને પહેલા આ મુદ્દો સમજવો જોઈએ

રજનીકાંતે કહ્યું કે, કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે ભારતના લોકોને એનઆરસીથી કોઈ જ પરેશાની નહીં થાય. રજનીકાંતનું કહેવું છે કે, અમુક રાજનીતિના પક્ષો આ લોકોને ખોટા રવાડે ચઢાવી રહ્યા છે અને ભડકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પહેલા આ મુદ્દો સમજવો જોઈએ અને પછી પ્રદર્શનમાં કુદવું જોઈએ.

ધાર્મિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા

રજનીકાંતે આ કાયદા સામેના વિરોધને ટેકો આપવા માટે ધાર્મિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા અને તેને એકદમ ખોટું ગણાવ્યું છે. ભાગલા બાદ ભારતમાં રોકાવાનું નક્કી કરનારા મુસલમાનોને દેશની બહાર કેવી રીતે મોકલવામાં આવશે? નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરને ટેકો આપતા રજનીકાંતે કહ્યું કે, આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર તેને 2011માં લાવી હતી. શ્રીલંકાના શરણાર્થીઓ વિશે રજનીકાંતે કહ્યું કે, તેમને દ્વિ-નાગરિકત્વ આપવું જોઈએ.

રજનીકાંત કેન્દ્ર સરકારની સાથે ઉભા રહ્યાં

ઉલ્લેખનીય છે કે, રજનીકાંતને પીએમ મોદીના નજીકના માણસ માનવામાં આવે છે. બંને અનેક પ્રસંગોમાં સાથે જોવા મળ્યા છે. કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ રજનીકાંતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કૃષ્ણ-અર્જુનની જોડી ગણાવી હતી. નાગરિકતા સુધારા કાયદાને લઈને સરકાર જ્યારે વિપક્ષોથી ઘેરાયેલી છે ત્યારે ફરી એકવાર રજનીકાંત કેન્દ્ર સરકારની સાથે ઉભા જોવા મળે છે.