દુનિયા આખી જોશે ભારતની તાકાત, એકલુ સીરમ જ 100 દેશને કોરોનાની રસી પુરી પાડશે

દુનિયા આખી જોશે ભારતની તાકાત, એકલુ સીરમ જ 100 દેશને કોરોનાની રસી પુરી પાડશે

। નવી દિલ્હી ।

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા(એસઆઈઆઈ) અને યુનિસેફે કોરોનાની રસી કોવિશીલ્ડ અને નોવાવેક્સની લાંબા ગાંળાની સપ્લાઈ માટે એક કરાર કર્યો છે. આ કરાર અન્વયે સીરમ ઇન્સ્ટિટયૂટ વિશ્વના ૧૦૦ દેશમાં ૧.૧ અબજ રસીના ડોઝ સપ્લાઈ કરશે. નોંધનીય છે કે ભારત દુનિયાના સૌથી મોટા દવા ઉત્પાદકોમાંનું એક છે અને ઘણા દેશોએ કોરોનાની રસી ખરીદવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. સર્વવિદિત છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાની રસીનું ઉત્પાદન પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને નોવાવેક્સનું ઉત્પાદન અમેરિકા સ્થિત નોવાક્સ ઇન્ક દ્વારા કરવામાં આવે છે. યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેરરીટા ફોરે સીરમ સાતે કરાર થયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન(PAHO) સહિતના કેટલાક સંગઠનો સાથે મળીને ૧૦૦ દેશો માટે ૧.૧ અબજ રસીના ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ રસી ત્રણ અમેરિકન ડોલરમાં નીચલા વર્ગના અને નીચલા મધ્યમવર્ગના લોકોને આપવામાં આવશે. એક કોવેક્સ પહેલરૂપે ૧૪૫ દેશોના નબળા લોકોને સસ્તા દરે કોરોના રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતે વધુ એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

ભારત સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટિટયૂટને વધુ ૧ કરોડ ડોઝ ખરીદવા ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ સરકારે ૧૧મી જાન્યુઆરીએ રૂ. ૨૩૧ કરોડની કિંમતનાં ૧.૧ કરોડ ડોઝ ખરીદ્યા હતા. બુધવારે બીજો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ કુલરૂ. ૪૪૧ કરોડની કિંમતનાં ડોઝ ખરીદવામાં આવ્યા હતા.

( Source – Sandesh )