મોર્ગનની મેજિક ઇનિંગ્સમાં વિક્રમોની વણઝાર, છગ્ગાઓનો વરસાદ થયો

મોર્ગનની મેજિક ઇનિંગ્સમાં વિક્રમોની વણઝાર, છગ્ગાઓનો વરસાદ થયો


। માન્ચેસ્ટર ।

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ૨૪મા મુકાબલામાં મંગળવારે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના મુકાબલામાં છગ્ગાઓનો વરસાદ થયો હતો. ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગને ૧૪૮ રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે વર્તમાન વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે ૫૭મા બોલે સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપના ઇતિહાસની આ ચોથી ફાસ્ટેસ્ટ સદી હતી.

મોર્ગને પોતાની ઇનિંગ્સમાં કુલ ૧૭ સિક્સર ફટકારી હતી. એક જ વન-ડેમાં સર્વાધિક સિક્સર ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ક્રિસ ગેઇલ, ભારતના રોહિત શર્મા તથા સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સના ૧૬-૧૬ સિક્સરનો રેકોર્ડ તોડયો હતો. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ તેણે સર્વાધિક સિક્સરનો રેકોર્ડ તોડયો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચને (૧૪ સિક્સર) પાછળ રાખી દીધો છે.  ઇંગ્લેન્ડનો સુકાની મોર્ગન વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સ્કોર નોંધાવનાર ત્રીજો ઇંગ્લિશ બેટ્સમેન બન્યો છે. અગાઉ એન્ડ્રયુ સ્ટ્રાઉસે ૧૫૮ તથા જેસન રોયે ૧૫૩ રનની ઇનિંગ રમી હતી.

એક જ મેચમાં હાઇએસ્ટ સિક્સરનો રેકોર્ડ, વર્લ્ડ કપની ચોથી ફાસ્ટેસ્ટ સદી

૧૭ સિક્સર સાથે મોર્ગનના નવો વર્લ્ડ રેકોર્ડ

બેટ્સમેન               સિક્સર         વિરુદ્ધ

ઇયોન મોર્ગન           ૧૭             અફઘાનિસ્તાન

રોહિત શર્મા             ૧૬             ઓસ્ટ્રેલિયા

એબી ડીવિલિયર્સ       ૧૬             વેસ્ટ ઇન્ડિઝ

ક્રિસ ગેઇલ             ૧૬             ઝિમ્બાબ્વે

શેન વોટસન            ૧૫             બાંગ્લાદેશ