૬૦ વર્ષથી મોટા, ત્રણ ટર્મથી ચૂંટાતા, નેતાના સગાંને ટિકિટ નહીં મળેઃ પાટિલ

૬૦ વર્ષથી મોટા, ત્રણ ટર્મથી ચૂંટાતા, નેતાના સગાંને ટિકિટ નહીં મળેઃ પાટિલ

 ગાંધીનગર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયાના આરંભે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ”૬૦ વર્ષથી મોટી ઉંમર ધરાવતા, ત્રણ ટર્મથી વધુ ચૂંટાતા, નેતા- આગેવાનાના કોઈપણ સગાને ચૂંટણીમાં ટિકિટ નહી મળે” જાહેર કરી સૌને ચોંકાવ્યા હતા. સોમવારે સવારે પાર્લામેન્ટરી બોર્ડ અને તે પહેલા સંકલન સમિતિની બેઠકમાં ભાજપના મોવડી મંડળે આ સંયુક્ત માપદંડ રાખ્યાનું જણાવીને પાટીલે વર્ષોથી એકાધિકાર ભોગવતા નેતાઓને હવે યુવા નેતૃત્વને તક આપી નવી પેઢી તૈયાર કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

અત્યાર સુધી ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા વચ્ચે મહદ્અંશે ઉમેદવાર પસંદગી માટે ભાજપનું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અડાલજ સ્થિત શાંતિ નિકેતન અને કોબાના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમે મળતુ રહ્યુ છે. જો કે, સોમવારથી શરૂ થયેલી આ પ્રક્રિયા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો પ્રદેશ કાર્યાલયને બદલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શરૂ થઈ છે. હકિકતમાં પ્રદેશ કાર્યલાય ખાતે સોસિયલ ડિસ્ટન્સ જળવાય તેવા વિશાળ હોલ છે, તેમ છતાંયે પ્રમાણમાં મર્યાદિત જગ્યા ધરાવતા CM હાઉસના કોન્ફરન્સ હોલમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો શરૂ થઈ છે. આ બેઠકમા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સોમવારે મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં સુરત, વડોદરા અને ભાવનગર મ્યુ. કોર્પોરેશનના ઉમેદવારો માટે નિરીક્ષકો અને પ્રભારીઓને હાજર રાખીને ચર્ચા થઈ હતી. આ જ પ્રમાણે બુધવાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત છ મ્યુ. કોર્પોરેશન માટે બેઠકો ચાલશે. આથી, આગામી ૭૨ કલાક બાદ તબક્કાવાર ભાજપના ૫૭૬ ઉમેદવારો જાહેર થશે તેમ મનાય છે. ૬ મ્યુ. કોર્પોરેશનમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ૬ ફેૂબ્રુઆરીને શનિવાર સુધીનો સમય છે.

PMના ભત્રીજી, મંત્રી કુંવરજીના બહેન, હકુભાના પત્નીને હવે ટિકિટ મળશે નહીં

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્થાનિક ચૂંટણી લડવા ત્રણ માપદંડો જાહેર કરતા ભાજપમાં, સરકારમાં વગ ધરાવતા પતિ, પિતા, ભાઈ- બહેનના નામે કુદતા અનેકના દાવેદારોની હવા નિકળી ગઈ છે. કોઈપણ આગેવાનાના સગાને ટિકિટ નહિ મળે તેવી જાહેરાત બાદ અમદાવાદમાં ટિકિટ માંગનારા વડાપ્રધાન મોદીના ભત્રિજી સોનલ મોદી, વિછિંયા તાલુકા પંચાયત માટે દાવો કરનારા કોંગ્રેસમાંથી આવેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના બહેન નિરાંતબહેન ધોલિયા અને તેવી જ રીતે જામનગર મ્યુ. કોર્પોરેશન માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના પત્નીને ભાજપ ઉમેદવાર નહિ બનાવે તે સ્પષ્ટ થઈ ગયુ છે. એટલુ જ નહિ, વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટના બહેન, સરકારમાં મલાઈદાર કોર્પોરેશનના ચેરમેન અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્ની, પુત્ર અને પુત્ર, ડભોઈના શૈલેષ મહેતા અને દેદિયાપાડાના અભેસિંહ તડવીના પુત્રોની દાવેદારીને ભાજપનું પાર્લમેન્ટરી બોર્ડ ગણકારશે નહી. ભાજપના આ નેતા- આગેવાનો ઉપરાંત દરેક શહેરોમાં મેયર, કોર્પોરેટર, પંચાયત પ્રમુખોએ પોતાના ફરજંદો માટે પણ ટિકિટો માંગી છે તેના ઉપર પણ પુર્ણવિરામ મુકાઈ જશે એમ કહેવાય છે.

વિધાનસભાના અધ્યક્ષ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં જોવા મળ્યા !

CM હાઉસમાં સોમવારે સવારે મળેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના ધારાસભ્ય અને મંત્રી યોગેશ પટેલની બાજુમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જોવા મળ્યા હતા. વિધાનસભા અધ્યક્ષનું પદ એ રાજકિય પક્ષથી પર છે, આ બંધારણિય પદની જવાબદારી સ્વિકારતા પહેલા ધારાસભ્ય પોતાની રાજકિય પાર્ટીમાંથી રાજીનામું આપે છે. રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ભાજપમાંથી રાજીનામું હોવા છતાંય તેઓ ઉમેદવાર પસંદગી માટેની બેઠકમાં જોવા મળ્યા હતા. તેમની આ પ્રકારની વર્તણૂંક સામે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે.

( Source – Sandesh )