કાશ્મીરમાં બોલિવૂડ : પહેલીવાર કાશ્મીર ખીણમાં એકસાથે 15થી વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે, ફેબ્રુઆરી સુધી હોટેલોના બુકિંગ ફુલ

કાશ્મીરમાં બોલિવૂડ : પહેલીવાર કાશ્મીર ખીણમાં એકસાથે 15થી વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે, ફેબ્રુઆરી સુધી હોટેલોના બુકિંગ ફુલ

કાશ્મીરમાં બોલિવૂડે જોરદાર વાપસી કરી છે. તાજેતરનાં વર્ષોમાં આ પ્રથમ ઘટના છે જ્યારે એકસાથે ખીણમાં 15થી વધુ ફિલ્મો, વેબ સીરિઝ, વીડિયો આલબમ અને કોમર્શિયલ એડનાં શૂટિંગ ચાલી રહ્યાં છે. દાલ સરોવર, મુઘલ ગાર્ડન, ગુલમર્ગ, પહેલગામ જેવાં લોકેશન પર સીન શૂટ થઈ રહ્યાં છે. આટલું જ નહીં, હાલના સમયે બોલિવૂડ અને દક્ષિણની ડઝનેક ફિલ્મના પ્રોડ્યુસર્સ તેમની ફિલ્મો માટે લોકેશન શોધવા માટે ખીણમાં છે.

ફેબ્રુઆરીના અંત સુધી હોટલો પેક
બોલિવૂડની 24 સભ્યોની ટુકડી પણ કાશ્મીરના ચાર દિવસના પ્રવાસે છે. તેમાં અજય દેવગણ ફિલ્મ્સ, સંજય દત્ત પ્રોડક્શન, રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ, રોહિત શેટ્ટી ફિલ્મ્સ, ઝી સ્ટુડિયોઝ, અધિકારી બ્રધર્સ એન્ડ એસએબી(મરાઠી), એન્ડેમોલ, રાજકુમાર હિરાની, એક્સેલ એન્ટરટેઈન્મેન્ટ ઉપરાંત પ્રોડ્યુસર્સ ગિલ્ડ, મુંબઈના પ્રતિનિધિ પણ છે. ટીમ ટ્રાવેલ ટ્રેડ એસોસિયેશન અને વેલીના ફિલ્મ અને લાઈન પ્રોડ્યુસર્સ સાથે લોકેશનની મુલાકાત લઇ રહ્યા છે. આ કારણે ત્યાંની હોટલો હાલ પેક છે. ભીડ એટલી છે કે ગુલમર્ગ તો ફેબ્રુઆરીના અંત સુધી ફૂલ છે. હોટલમાલિકો આ સ્થિતિથી ખુશ છે અને આશા રાખે છે કે કાશ્મીરમાં આ સિલસિલો આગળ પણ ચાલતો રહેશે.

શૂટિંગ સ્થાનિકો માટે રોજગારીનો વિકલ્પ
ગુલમર્ગની એક હોટલના માલિક વસીમે કહ્યું કે અગાઉ તેમણે 2016માં કાશ્મીરના જુદા જુદા ભાગોમાં આ પ્રકારના શૂટિંગ જોયાં હતાં. પણ આ વખતે પિક્ચર મોટું દેખાઈ રહ્યું છે. તે કહે છે કે ફિલ્મના શૂટિંગની અહીંના પર્યટન ઉદ્યોગ પર સકારાત્મક અસર દેખાય છે. એક મોટી ફિલ્મ હજારો અને નાનાં નાનાં શૂટિંગ પણ સેંકડોને રોજગાર આપે છે. ઉદાહરણ તરીકે 2015માં સલમાન ખાને ‘બજરંગી ભાઈજાન’નું શૂટિંગ અહીં શરૂ કર્યું હતું તો તેનાથી હજારો રોજગારી પેદા થઈ હતી. ભલે પછી હોટલના કર્મચારી હોય કે વાહનચાલક કે પછી ઘોડાવાળા, દુકાનદાર, હસ્તશિલ્પ વેચનારા બધાને કામ મળ્યું. હજારો લોકોને ફિલ્મમાં નાનો-મોટો રોલ પણ મળ્યો. તેમણે અહીં આશરે 8-10 કરોડ રૂપિયા ખર્ચ્યા.

પર્યટન વિભાગે પોલિસી હળવી કરી
જ્યારે લોકોને જાણ થઇ કે સલમાન ખાન કાશ્મીરમાં આવી ગયો છે તો મોટી સંખ્યામાં પર્યટકો પણ પહોંચ્યા. તે દિવસે સંપૂર્ણ ગુલમર્ગ અને પહેલગામ ત્રણ મહિના માટે હાઉસફૂલ થઈ ગયાં હતાં. જમ્મુ-કાશ્મીરના પર્યટન વિભાગના નિર્દેશક ડૉ. જી એન. ઈતુ કહે છે કે આ પ્રોડ્યુસર્સ જુદાં જુદાં સ્થળે જશે. ભલે ગીતનાં દૃશ્યોનું શૂટિંગ હોય કે પછી એડનું શૂટિંગ, બોલિવૂડ અને અન્ય લોકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. વિભાગ તેના માટે શૂટિંગની મંજૂરી લેવાનું સરળ બનાવી રહ્યા છે.

( Source – Divyabhaskar )