લોકો વેક્સિન લેવા આવતા ન હોવાથી પાંચ રાજ્યોમાં 5000 ડોઝ નકામા થઈ ગયા

લોકો વેક્સિન લેવા આવતા ન હોવાથી પાંચ રાજ્યોમાં 5000 ડોઝ નકામા થઈ ગયા

કોરોના વેક્સિન લેવા અંગે હજી પબ્લિકમાં જાગૃતિનો અભાવ અને ડર વ્યાપી રહ્યો છે. જેને કારણે લોકો વેક્સિન લેવા આવતા ન હોવાથી પાંચ રાજ્યોમાં કોરોનાની વેક્સિનનાં ૫૦૦૦ ડોઝ નકામા થઈ ગયા છે. કોરોનાની વેક્સિન નકામી થઈ જવાના મામલે ૧૧ ટકા સાથે ત્રિપુરા મોખરે છે. વેક્સિનનાં વાયલ્સને ખોલ્યા પછી ૪ કલાકમાં તેનાં ડોઝ લોકોને આપી દેવાનાં હોય છે પણ વેક્સિન લેનારાઓ હાજર નહીં થતા કે વેક્સિન લેવા ઈનકાર કરતા કોરોનાની વેક્સિન બગડી જાય છે કે નકામી થઈ જાય છે. ૪ કલાક પછી તેની કોઈ અસરકારકતા રહેતી નથી. દર ૧૦૦માંથી ૫૫ વ્યક્તિ વેક્સિ લેવાનાં સમયે હાજર રહેતી નથી કે ઈનકાર કરે છે આથી જે તે સમયે અન્ય લોકોને બોલાવીને વેક્સિન આપી વધુ બગાડ થતો અટકાવવામાં આવી રહ્યો છે.

પંજાબ, બિહાર અને ઉત્તરાખંડમાં નુકસાન

પંજાબમાં નોડલ ઓફિસરનાં જણાવ્યા મુજબ આ રીતે ૧૨૦૦ વેક્સિન નકામી થઈ ગઈ છે. જ્યારે બિહારમાં અન્ય લોકોને વેક્સિન લેવા સમજાવીને બગાડને ૧૦ ટકા સુધી મર્યાદિત રખાયો છે. બિહારનાં હેલ્થ ઓફિસરનાં જણાવ્યા મુજબ ભારત બાયોટેકની કોવેક્સિનનો બગાડ વધારે થાય છે કારણ કે સીરમની કોવિશીલ્ડ કરતા તેનાં વાયલ્સની સાઈઝ મોટી છે પટનાની નાલંદા મેડિકલ કોલેજમાં વેક્સિનનાં બગાડનું પ્રમાણ ૨૫ ટકા છે. ઉત્તરાખંડમાં ૪.૧ ટકા એટલે કે ૧૪૫૦ ડોઝ નકામા થઈ ગયા હતા. જ્યારે ઓડિશામાં ૦.૫૮ ટકા એટલે કે ૧૧૨૫ ડોઝ બગડી ગયા હતા. જો કે ઝારખંડ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કેરળ અને છત્તીસગઢનાં હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે ત્યાં વેક્સિનનો બગાડ થયો નથી.

વેક્સિન નોવાવેક્સની લોકલ ટ્રાયલ માટે સીરમ દ્વારા મંજૂરી માંગવામાં આવી

કોરોનાની વેક્સિન નોવાવેક્સની લોકલ ટ્રાયલ માટે સીરમ દ્વારા મંજૂરી માગવામાં આવી છે. આ વેક્સિન યુકેની ટ્રાયલમાં ૮૯.૩ ટકા સફળ પૂરવાર થઈ છે. ભારતમાં તેની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવશે તેવી આશા સીરમ ઈન્સ્ટિટયૂટનાં વડા આદર પૂનાવાલાએ વ્યક્ત કરી હતી. યુકેમાં નોવાવેક્સની ટ્રાયલ માટે ૧૮થી ૮૪ વર્ષનાં ૧૫,૦૦૦ લોકોને પસંદ કરવામાં આવ્યા હતા.

( Source – Sandesh )