ગાઝીપુર બોર્ડર છાવણીમાં તબદીલ, મોટી સંખ્યામાં ખેડૂતોનું પલાયન

ગાઝીપુર બોર્ડર છાવણીમાં તબદીલ, મોટી સંખ્યામાં ખેડૂતોનું પલાયન

। નવી દિલ્હી ।

કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલને પ્રજાસત્તાક દિવસના રોજ હિંસક સ્વરૂપ ધારણ કર્યાના બે દિવસ બાદ સરકારે આંદોલનકારી ખેડૂતો સામે આકરું વલણ અખત્યાર કર્યું હતું. ગુરુવારે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ખેડૂત આંદોલન સમાપ્ત કરાવવાના તમામ જિલ્લા અધિકારી અને પોલીસ વડાઓને આદેશ જારી કર્યાં હતાં. યુપી સરકારે ગાઝીપુર બોર્ડર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને રાત સુધીમાં સ્થળ ખાલી કરી દેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. ખેડૂતોને હટાવવા માટે સરકાર દ્વારા બોર્ડર પર વીજળી અને પાણીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. જેના પગલે દિલ્હી અને ઉત્તરપ્રદેશને જોડતી ગાઝીપુર બોર્ડર પર યુપી પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા આંદોલન સ્થળ ખાલી કરાવવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં ધારા ૧૪૪ લાગુ કરાઈ હતી. બીજી તરફ દલિત પ્રેરણા સ્થળ અને ચિલ્લા બોર્ડર પર ધરણા કરી રહેલાં ભારતીય કિસાન યુનિયન લોક શક્તિ અને મ્દ્બેં એકતાએ કૃષિમંત્રી સાથેની મુલાકાત બાદ આંદોલન સમેટી લીધું હતું.

ગુરુવારે સાંજે ગાઝીપુર બોર્ડર ખાલી કરવાના અલ્ટિમેટમ બાદ મોટાભાગના ખેડૂતોએ ચાલતી પકડી હતી અને ડેરા-તંબૂ ખાલી થઇ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લેતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રડતાં-રડતાં જણાવ્યું હતું કે, સરકાર તેનો આદેશ પાછો નહીં ખેંચે તો હું આત્મહત્યા કરી લઈશ. અહીં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે પરંતુ અમારું આંદોલન જારી રહેશે. ટિકૈતે ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, અહીં તમામ લોકોને મારવાનું કાવતરું ઘડાયું છે. ભાજપના એક ધારાસભ્ય ૩૦૦ લોકો સાથે લાઠી અને ડંડા લઈને આવ્યા છે. અમે સરકાર સમક્ષ સરેન્ડર કરવાના નથી. જેમણે લાલ કિલ્લા પર તિરંગા સિવાયનો ધ્વજ ફરકાવ્યો તેની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ થવી જોઈએ. ટિકૈતે ગાઝીપુર બોર્ડર પરના ધરણા સ્થળે જ અનશન શરૂ કરી દીધાં હતાં. બીજી તરફ રાકેશ ટિકૈતના ભાઈ નરેશ ટિકૈત દ્વારા શુક્રવારે સવારે ૧૧ કલાકે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે. મોડી રાત્રે જિંદમાં ખેડૂતો દ્વારા રાકેશ ટિકૈતના સમર્થનમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

સિંઘુ અને ટિકરી બોર્ડર પર પોલીસનો જમાવડો, બન્ને વિસ્તાર સીલ કરાયાં

દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોના આંદોલન સ્થળની આસપાસ ગુરુવારે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઇ હતી. પોલીસે સિંઘુ બોર્ડર તરફ જતા સંખ્યાબંધ રસ્તાને અર્થ મૂવર્સ દ્વારા બ્લોક કરી દીધાં હતાં. આંદોલન સ્થળે ખેડૂતોના મંચને અલગ પાડી દેવાયો હતો. દિલ્હી પોલીસ તથા સીએપીએફે મોકડ્રીલ કરી હતી. જોકે દિલ્હી અને હરિયાણાના સત્તાવાળાઓએ સિંઘુ અને ટિકરી બોર્ડર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને અલ્ટિમેટમ આપ્યું નહોતું.

ખેડૂતોને બસોમાં ભરીને તેમના વતન પહોંચાડી દેવા યોગી સરકારનો આદેશ

ઉત્તરપ્રદેશના સંખ્યાબંધ શહેરોમાં ધરણાના સ્થળો ખાતેથી ખેડૂતોને બસોમાં ભરીને તેમના વતન પહોંચાડવાના આદેશ આપ્યાં છે. બાગપત બોર્ડર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને યુપી પોલીસે બુધવારે રાત્રે જ ખદેડી મૂક્યાં હતાં. નેશનલ હાઇવે પર બાગપત બોર્ડર ખાતે પોલીસે ખેડૂતોને હાંકી કાઢી હાઇવે ખુલ્લો કરી દીધો હતો. પોલીસે ખેડૂતો દ્વારા ઊભા કરાયેલા ટેન્ટ તોડી પડાયાં હતાં. મથુરામાં એક્સપ્રેસવે ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને પણ ખદેડી મુકાયાં હતાં.