પ્રમુખપદના પ્રથમ દિવસે જ બાઇડેન 17 એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કરશે

પ્રમુખપદના પ્રથમ દિવસે જ બાઇડેન 17 એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કરશે

અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ થોડા કલાકોમાં જ જો બાઇડેન સંખ્યાબંધ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કરીને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને ધરમૂળથી બદલી નાખશે. જો બાઇડેન ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન, ઔક્લાઇમેટ ચેન્જ, કોરોના મહામારી ડામવાનાં પગલાં સહિતની નીતિઓમાં ઊલટફેર કરશે. જો બાઇડેન મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા, કેટલાક મુસ્લિમ બહુલ દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ પર મુકાયેલા પ્રતિબંધ જેવા ટ્રમ્પના નિર્ણયો રદ કરી દેશે. તે ઉપરાંત બાઇડેન ફરી એકવાર અમેરિકાને પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટ અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સાંકળશે. જો બાઇડેન પ્રમુખપદના શપથ લેતાંની સાથે જ આ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કરી દેશે. જો બાઇડેન ૧૭ એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કરે તેવી સંભાવના છે. તાજેતરના ઇતિહાસમાં ફક્ત બે અમેરિકન પ્રમુખોએ આવા હસ્તાક્ષર કર્યાં છે. દરમિયાન માઇક પેન્સે ટ્રમ્પની વિદાયમાં હાજર રહેવાના બદલે જો ઔબાઇડેન અને કમલા હેરિસના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાનું પસંદ કર્યું હતું.

 ઇમિગ્રેશન

જો બાઇડેન સત્તા સંભાળતાં જ કોમ્પ્રિહેન્સિવ ઇમિગ્રેશન બિલ યુએસ સિટિઝન્સ એક્ટ અમેરિકી સંસદની મંજૂરી માટે મોકલી આપશે. જેમાં ગ્રીન કાર્ડ પરના કન્ટ્રી ક્વોટાને નાબૂદ કરવા સહિતની જોગવાઇઓ કરવામાં આવનાર છે. બાઇડેન ૧.૧૦ કરોડ ગેરકાયદેસર વિદેશીઓ માટે અમેરિકાની નાગરિકતાના માર્ગ મોકળા કરવાની જોગવાઇ કરશે.

।૨। મુસ્લિમ પ્રવાસીઓનો પ્રતિબંધ

જો બાઇડેન ટ્રમ્પે લાદેલા કેટલાક મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પરનો પ્રતિબંધ દૂર કરશે. ટ્રમ્પે સુદાન, લિબિયા સહિતના ૭ મુસ્લિમ દેશોના નાગરિકોના પ્ર ૨૦૧૭માં પ્રતિબંધ લાદી દીધો હતો. વેશ પર જાન્યુઆરી

 મેક્સિકો સરહદ પરની વોલ

બાઇડેન સત્તા સંભાળતા જ ફેબ્રુઆરી ૨૦૧૮માં ટ્રમ્પ દ્વારા જાહેર સરહદ પરની નેશનલ ઇમર્જન્સીને રદ કરી દીવાલ નિર્માણ અટકાવવાનો આદેશ આપશે.

 પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટ

બાઇડેન પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટમાં અમેરિકાને ફરી સામેલ કરવા ઓર્ડર જારી કરશે. બાઇડેને ચૂંટણી પ્રચારમાં ગ્લોબલ ક્લાઇમેટ એગ્રિમેન્ટમાં અમેરિકાને ફરી સામેલ કરવા વચન આપ્યું હતું.

 વિશ્વ આરોગ્ય સંસ્થા

૨૦૨૦ના પ્રારંભે કોરોના મહામારીના પ્રસાર બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીનના દબાણ સામે ઝૂકી જવાના આરોપ મૂકી ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે છેડો ફાડી ભંડોળ બંધ કરી દીધું હતું. બાઇડેન અમેરિકાને ફરી એકવાર વિશ્વ આરોગ્ય સંસ્થામાં સામેલ કરશે.

 કોરોના મહામારી

જો બાઇડેન અમેરિકી સરકારની તમામ ઇમારતો અને સંપત્તિમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત બનાવશે. બાઇડેન અમેરિકનોને તેમના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસ માસ્ક પહેરવાની ફરજ પાડશે.

 ચાઇલ્ડહૂડ એરાઇવલ પ્રોગ્રામ

ચાઇલ્ડહૂડ એરાઇવલ પ્રોગ્રામ માટે સ્થગિત કરી દેવાયેલાં પગલાંનો અમલ શરૂ કરાવશે. જેના પગલે બાળપણમાં અમેરિકા પહોંચેલા લાખો લોકોને અમેરિકાની નાગરિકતા મેળવવામાં લાભ મળશે.

  દેશનિકાલ

અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ૧.૧૦ કરોડ વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવાને પ્રાથમિકતા આપવાના ટ્રમ્પના આદેશને બાઇડેન રદ કરી દેશે. નેશનલ સિક્યુરિટી અને પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં રાખીને જ દેશનિકાલના નિર્ણય લેવાશે.

જો બાઇડેન સામેના ૧૦ સૌથી મોટા આર્થિક પડકાર

૧. કોરોના મહામારીના કારણે ડામાડોળ બનેલા અર્થતંત્રને બેઠું કરવાનો પડકાર

૨. મોટી ટેકનોલોજી કંપનીઓ સામે કાનૂની લડાઇના પડકાર ૩. કરમાળખામાં સુધારા, મોટી કંપનીઓ અને અમીરો પર ટેક્સ વધારવાનો પડકાર  ૪. અમેરિકાના વેપાર હિતો સામે પડકાર બની રહેલા ચીનને અટકાવવાનો પડકાર ૫. ચીનને અટકાવવા સાથી દેશો સાથેના વેપાર વિવાદો ઉકેલવાનો પડકાર ૬. હેજ ફંડો દ્વારા અનિયંત્રિત બનેલા શેડો બેન્કિંગને અટકાવવાનો પડકાર ૭. કોરોના મહામારીમાં બંધ થયેલા ૪,૦૦,૦૦૦ નાના બિઝનેસને બેઠા કરવાનો પડકાર ૮. કોરોના મહામારીના કારણે ગરીબીમાં ધકેલાઇ ગયેલા અમેરિકી પરિવારોનો બોજો ઓછો કરવાનો પડકાર  ૯. ૨૦૩૫ સુધીમાં દેશમાં કાર્બન ફ્રી વીજળી સિસ્ટમ લાગુ કરવાનો પડકાર  ૧૦. કોરોનાથી ખસ્તાહાલ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને બેઠું કરવાનો પડકાર

જો બાઇડેન : અમેરિકામાં સૌથી લાંબો સમય સેનેટર રહેલા ૧૮મા નેતા

  • ૨૦ નવેમ્બર ૧૯૪૨ના રોજ પેન્સિલ્વેનિયાના સ્ક્રેન્ટોન ખાતે જન્મ
  • શાળા જીવનમાં ક્લાસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાતા રહ્યા
  • ૧૯૬૫માં હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સ સાથે બી.એ. થયા
  • ૧૯૬૮માં સાયરાક્યૂઝ યુનિવર્સિટીમાંથી જ્યૂરિસ ડોક્ટરની ડિગ્રી લીધી, કાયદા કંપનીમાં ક્લાર્ક તરીકે જોબ કરી
  • ૧૯૬૯માં ડેલવારે બારમાં પ્રવેશ મેળવ્યો, કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી
  • ૧૯૭૦માં ન્યૂ કેસલ કાઉન્ટીમાં ચૂંટાઇ આવ્યા
  • ૧૯૭૨માં રિપબ્લિકન જે. કાલેબને પરાજિત કરી ડેલાવારેથી અમેરિકન સેનેટર તરીકે ચૂંટાયા
  • ૧૯૭૮, ૧૯૮૪, ૧૯૯૦, ૧૯૯૬, ૨૦૦૨, ૨૦૦૮માં સેનેટર તરીકે ચૂંટાતા રહ્યા
  • ૨૦૦૮માં અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર બનવાની જાહેરાત કરી પરંતુ પાછળથી ઉમેદવારી પાછી ખેંચી
  • ઓબામાએ જો બાઇડેનને વાઇસ પ્રેસિડેન્ટપદના ઉમેદવાર બનવા મનાવી લીધા
  • ૨૦૧૨માં જો બાઇડેન અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ચૂંટાઇ આવ્યા
  • ૨૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ બાઇડેને પ્રમુખપદ માટે ઉમેદવારીની જાહેરાત કરી

કમલા હેરિસ ફીમેલ ઓબામા તરીકે લોકપ્રિય

  • ૨૦ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં જન્મ
  • માતા શ્યામલા ગોપાલન કેન્સર રિસર્ચર તરીકે ફરજ બજાવતાં હતાં
  • ૧૯૮૬માં પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સ સાથે બી.એ. થયાં
  • ૧૯૮૯માં હેસ્ટિંગ્સ કોલેજમાંથી કાયદાની ડિગ્રી હાંસલ કરી
  • ૨૦૦૪માં ડિસ્ટ્રિક્ટ એટર્ની નિયુક્ત થયાં
  • ૨૦૧૦માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે ચૂંટાઇ આવ્યાં
  • ૨૦૧૪માં ડગ્લાસ એમ્હોફ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં
  • ૨૦૧૬માં અમેરિકાની સેનેટમાં સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યાં
  • ૨૦૧૯માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો
  • પાર્ટીની ચૂંટણીમાં ઔબાઇડેન સામે પરાજિત થતાં ઉમેદવારી પાછી ખેંચી

પ્રથમ…… પ્રથમ… પ્રથમ… કમલા હેરિસ

  • અમેરિકાના પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ
  • અમેરિકાના પ્રથમ ભારતીય અને આફ્રિકન મૂળના વાઇસ પ્રેસિડેન્ટ
  • ભારતીય મૂળના સૌપ્રથમ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની
  • ભારતીય-આફ્રિકન મૂળના સૌપ્રથમ ડિસ્ટ્રિક્ટ એટર્ની (સાન ફ્રાન્સિસ્કો)
  • ભારતીય મૂળનાં સૌપ્રથમ મહિલા સેનેટર

અમે જે કરવા આવ્યાં હતાં તે અને તેનાથી પણ વધુ કર્યું છે : ટ્રમ્પનું વિદાય સંબોધન

અમેરિકામાં સત્તા પરથી વિદાય લેતાં પહેલાં દેશજોગ કરેલા સંબોધનમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે અહીં જે કામ કરવા આવ્યાં હતાં તે અને તેનાથી વધુ કામ કર્યું છે. મેં આકરાં યુદ્ધ, અઘરી લડાઇઓ લડી છે અને અત્યંત મુશ્કેલ નિર્ણયો લીધા છે કારણ કે તમે મને પ્રમુખપદે ચૂંટી કાઢયો હતો. જોકે પ્રમુખ ટ્રમ્પમાં જો બાઇડેન પ્રત્યેની કડવાશ તેમના સંબોધનમાં સ્પષ્ટ દેખાઇ આવી હતી. ચૂંટણીમાં હજુ હાર માનવાનો ઇનકાર કરતાં ટ્રમ્પે બાઇડેનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં નવી સરકાર શપથ ગ્રહણ કરી રહી છે. અમેરિકાને સમૃદ્ધ અને સુરક્ષિત રાખવામાં નવી સરકારને સફળતા મળે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. નવી સરકારને અમારી શુભેચ્છા અને બેસ્ટ ઓફ લક.. આ અત્યંત મહત્ત્વનો શબ્દ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આપણે આપણી જાતમાં અને આપણા દેશની મહાનતામાં વિશ્વાસ ગુમાવી બેઠા છીએ તે અત્યંત ભયજનક પડકાર છે. ટ્વિટર મુદ્દે તેમણે કહ્યું કે, અમેરિકા નબળા આત્માઓ સાથેનો નબળો દેશ નથી જેને પોતાની સાથે અસહમત થતા લોકો સામે સંરક્ષણની જરૂર પડે છે. પોતાના ચાર વર્ષના શાસનની પ્રશંસા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે અમેરિકાના ગઠબંધનો મજબૂત બનાવીને વિશ્વના દેશોને ચીન સામે ઊભા કર્યાં. અગાઉ આવું ક્યારેય થયું નથી. મને ગૌરવ છે કે દાયકાઓમાં હું એક એવો પ્રમુખ છું જેના શાસનમાં એક પણ નવું યુદ્ધ શરૂ થયું નથી.

કાર્યકાળના અંતિમ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ૧૪૭ અપરાધીઓને માફી આપી

કાર્યકાળના અંતિમ દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના પૂર્વ મુખ્ય વ્યૂહરચનાકાર સ્ટીવ બેનોન સહિત ૧૪૭ અપરાધી અને આરોપીઓને માફી આપી છે. ટ્રમ્પે માફી મંજૂર કરી છે તેવા લોકોમાં રેપ પર્ફોર્મર, પૂર્વ સંસદસભ્યો, ટ્રમ્પના કેટલાક સહયોગીઓનો સમાવેશ થાય છે. આ એવા આરોપીઓ છે જેમની સામે ક્રિમિનલ જસ્ટિસ એક્ટિવિસ્ટોએ ઝુંબેશ ચલાવી હોય. જો કે ટ્રમ્પે પોતાને અથવા પોતાના પરિવારના સભ્યોને માફી આપી નથી. માફીની યાદીમાં ટ્રમ્પના ગાઢ સહયોગીઓના નામ પણ સામેલ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે ૧,૪૫,૦૦૦ વેનેઝુએલાના નાગરિકોનો દેશનિકાલ સ્થગિત કર્યો

પ્રમુખ ટ્રમ્પે મંગળવારે રાત્રે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વેનેઝુએલાના હજારો નાગરિકો પર તોળાતી દેશનિકાલની તલવાર દૂર કરી હતી. ટ્રમ્પે ૧,૪૫,૦૦૦ વેનેઝુએલાના નાગરિકોનો દેશનિકાલ ૧૮ મહિના માટે સ્થગિત કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશનિકાલનો સામનો કરી રહેલા વેનેઝુએલાના નાગરિકોને મોટી રાહત મળી છે.

વ્હાઇટ હાઉસમાં અંતિમ દિવસે ટ્રમ્પની સૌથી નાની દીકરીએ સગાઈ કરી

પિતાના કાર્યકાળ અને વ્હાઇટ હાઉસ ખાતેની અંતિમ રાત્રે ટ્રમ્પની સૌથી નાની દીકરી ટિફની ટ્રમ્પે બોયફ્રેન્ડ માઇકલ બૌલુસ સાથે સગાઇ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રસ્તાવિત જીવનસાથી સાથેની પોસ્ટ કરેલી તસવીરમાં ટિફનીએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસમાં મારા પરિવારની સાથે ઘણા યાદગાર પ્રસંગો રહ્યા છે. તેમાં પણ વિશેષ માઇકલ સાથેની મારી સગાઇ અદ્દભુત રહી. હું જીવનના આગામી અધ્યાય માટે ઘણી ઉત્તેજિત છું.

( Source – Sandesh )