બાઇડેનની સત્તા સંભાળવાની સાથે જ 1.10 કરોડ ગેરકાયદેસર વિદેશીઓને લીગલ સ્ટેટસ આપવાની યોજના

બાઇડેનની સત્તા સંભાળવાની સાથે જ 1.10 કરોડ ગેરકાયદેસર વિદેશીઓને લીગલ સ્ટેટસ આપવાની યોજના

અમેરિકાના પ્રેસિડેન્ટ (US President)ઇલેક્ટ જો બાઇડેને (Joe Biden) સત્તા સંભાળવાની સાથે જ દેશમાં ગેરકાયદેસર વસવાટ કરી રહેલા 1.10 કરોડ વિદેશીઓને લીગલ સ્ટેટસ આપવા કોંગ્રેસ (Congress)ને સૂચના આપવાનો નિર્ણય લીધો છે. 20મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરતાની સાથે પહેલા જ દિવસે જો બાઇડેન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 1.10 કરોડ વિદેશી નાગરિકોને નાગરિકતા આપવાનો માર્ગ ખુલ્લો કરવા કાયદાની જાહેરાત કરશે.

નેશનલ ઇમિગ્રેશન લૉ સેન્ટર (National Immigration Law Center) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેરિએલિના હિનકેપીએ જણાવ્યું હતું કે, જો બાઇડેનની યોજના ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ઇમિગ્રન્ટ (Immigrant) વિરોધી નીતિઓથી તદ્દન અલગ છે. તેઓ દેશમાં હાલ વસતા તમામ ગેરકાયદેસર વિદેશીઓને નાગરિકતા (Citizenship) આપવાનો માર્ગ મોકળો કરવા માગે છે. આ માટેનો ખરડો તૈયાર કરી લેવાયો છે. જો અમેરિકી સંસદ જો બાઇડેનના આ ખરડાને મંજૂરી આપશે તો 1986 પછી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા વિદેશીઓને મોટી સંખ્યામાં નાગરિકતા અપાશે. 1986માં પ્રમુખ રોનાલ્ડ રિગને 30 લાખ વિદેશીઓને રાજ્યાશ્રાય આપ્યો હતો.

બાઇડેનના ચીફ ઓફ સ્ટાફ બનવા જઇ રહેલા રોન ક્લેઇને જણાવ્યું હતું કે, હોદ્દો સંભાળ્યાના પહેલા જ દિવસે જો બાઇડેન ઇમિગ્રેશન બિલ સંસદને મોકલી આપશે. નેશનલ ઇમિગ્રેશન ફોરમના અલી નૂરાનીએ જણાવ્યું હતું કે, ઇમિગ્રન્ટોને નાગરિકતા માટે આઠ વર્ષની પ્રક્રિયા પસાર કરવી પડશે.

બાઇડેન પ્રથમ દિવસે પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટમાં ફરીવાર અમેરિકાને સામેલ કરશે

પ્રમુખ બાઇડેન હોદ્દો સંભાળ્યાના પ્રથમ દિવસે જ અમેરિકાને ફરીવાર પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટમાં સામેલ કરતા એક્ઝિયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. જૂન 2017માં પ્રમુખ ટ્રમ્પે પેરિસ એગ્રિમેન્ટ સાથે છેડો ફાડી નાખ્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ કરારથી ભારત અને ચીનને લાભ થાય છે જ્યારે અમેરિકાને નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્પે એવો પણ આરોપ મૂક્યો હતો કે ભારત વિકસિત દેશો પાસેથી અબજો ડોલરની સહાય મેળવવા માટે આ કરારને સમર્થન આપી રહ્યો છે. નવેમ્બર 2016થી પેરિસ કરાર અમલમાં આવ્યો હતો. કરાર પ્રમાણે સભ્ય દેશોએ પર્યાવરણના નિયમોનું પાલન કરવાનું રહે છે.

બાઇડેન 7 દેશના મુસ્લિમોના અમેરિકા પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવશે

જો બાઇડેન પ્રમુખ બનતાની સાથે જ સાત મુસ્લિમ બહુલ દેશો ઇરાન, ઇરાક, સોમાલિયા, સીરિયા, સુદાન, લિબિયા અને યમનના મુસ્લિમ નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા પ્રતિબંધને હટાવશે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યાના એક જ સપ્તાહ બાદ જાન્યુઆરી 2017માં આ દેશોના મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

( Source – Sandesh )