રસી કેન્દ્ર પર પહોંચ્યા પછી 15 મિનિટમાં જ વેક્સિન આપી દેવાશે, દરેકને અગાઉથી ટાઇમ સ્લોટ ફાળવાશે

રસી કેન્દ્ર પર પહોંચ્યા પછી 15 મિનિટમાં જ વેક્સિન આપી દેવાશે, દરેકને અગાઉથી ટાઇમ સ્લોટ ફાળવાશે

  • અભ્યાસ દરમિયાન સોફ્ટવેરમાં ખામીથી પિનકોડ જનરેટ ન થતાં સમગ્ર પ્રક્રિયા ઓફલાઇન કરવી પડી
  • દરેક કેન્દ્ર પર 25 લાભાર્થીને બોલાવાયા, રસીના દિવસે 6 કલાકમાં 90થી 100ને વેક્સિનનો ટાર્ગેટ
  • આડઅસર થાય તો કેન્દ્રની 3 કિમીની ત્રિજ્યામાં આવેલી હોસ્પિટલમાં લઈ જવાશે

મ્યુનિ.ના અને ખાનગી હોસ્પિટલોના મળી 25 રસી કેન્દ્ર ખાતે શુક્રવારે ડ્રાય રન યોજવામાં આવ્યો હતો જેમાં એક કેન્દ્ર પર 25 લાભાર્થીને રસીનો ડેમો અપાયો હતો. ડ્રાય રનનો મુખ્ય ઉદ્દેશ રિસ્પોન્સ ટાઇમ ચેક કરવાનો તેમજ તૈયારી માટે કયા સુધારા વધારા કરવા જરૂરી છે તે હતો.

25 પૈકીના એકપણ કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારની ભીડ એક સાથે ઉમટી ન હતી. આ ઉપરાંત પ્રત્યેક કેન્દ્ર પર જે લાભાર્થીઓને ડેમો માટે બોલાવવામાં આવ્યા હતા તેમના પ્રવેશથી માંડી મોબાઈલમાં મેસેજ જોવો, તેમનું આઇકાર્ડ તપાસવું, નિરીક્ષણ ખંડમાં બેસાડવા અને રસી આપવા સુધીમાં 15 મિનિટનો સમય લાગ્યાે હતો. ત્યારબાદ નિયમ મુજબ ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી બેસાડવામાં આવ્યા હતા. આમ પ્રત્યેક લાભાર્થી પાછળ અંદાજે 45 મિનિટનો સમય લાગ્યો હતો. નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે જ આ સમય હોવાથી હવે જ્યારે રસી આપવાની કામગીરી શરૂ થશે ત્યારે દૈનિક 100 લોકોને રસી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તે મ્યુનિ. શહેરના 300 કેન્દ્ર પરથી એચીવ કરી શકશે. અભ્યાસ દરમિયાન સોફ્ટવેરમાં ખામીથી પિનકોડ જનરેટ ન થતાં સમગ્ર પ્રક્રિયા ઓફલાઇન કરાઈ હતી. રસી મુકાવવા આવનારા દરેકને અગાઉથી ટાઇમ સ્લોટ આપી દેવાશે. રસી અપાય ત્યારે કોઈને રિએક્શન આવે તો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુધીની તૈયારી કરી લેવાઈ છે. 3 કિ.મી.ની ત્રિજ્યામાં આવેલી હોસ્પિટલ સાથે મ્યુનિ. એમઓયુ કરશે.

રસી પહેલાં સમજ અપાશે
વેક્સિનેશન રૂમમાં તમામ નાગરીકોને એવી જાણ કરવામાં આવશે કે કઇ કંંપનીની વેક્સિન તેમને આપવામાં આવી છે. જેથી બાદમાં ફરીથી જ્યારે તેમને વેક્સિન લેવાની થાય ત્યારે તેઓ તે કંપનીનો જ બીજો ડોઝ મેળવી શકે. તેમાં કોઇ ગફલત ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ હોસ્પિટલે રસી માટે તૈયારી દર્શાવી

  • એપોલો હોસ્પિટલ, ભાટ
  • રાબડિયા હોસ્પિટલ, પૂર્વ વિસ્તાર
  • કાનબા હોસ્પિટલ, નિકોલ
  • એચસીજી, મીઠાખળી
  • જીવરાજ મહેતા, જીવરાજ પાર્ક
  • એસએમએસ હોસ્પિટલ, ચાંદખેડા
  • સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી
  • જીસીએસ હોસ્પિટલ, આસારવા
  • રાજસ્થાન હોસ્પિટલ, શાહીબાગ
  • પોલિઓ ફાઉન્ડેશન, જીવરાજ
  • આમેના ખાતુન, સરખેજ

( Source – Divyabhaskar )