પોર્ટુગલમાં ફાઇઝરની કોરોના વેક્સિન મુકાવ્યાના બે દિવસ બાદ નર્સનું મોત

પોર્ટુગલમાં ફાઇઝરની કોરોના વેક્સિન મુકાવ્યાના બે દિવસ બાદ નર્સનું મોત

। નવી દિલ્હી ।

પોર્ટુગલમાં કોરોના વાઇરસ માટે અમેરિકાની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવેલી રસી લીધાના બે દિવસ બાદ ૪૧ વર્ષીય નર્સનું મોત થયું હતું. નર્સને ફાઇઝરની કોરોના રસી અપાઇ ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતી અને તેનામાં કોઇ આડઅસર જોવા મળી નહોતી. પોર્ટુગલના આરોગ્ય વિભાગે તપાસના આદેશ જારી કર્યાં છે. બે સંતાનોની માતા સોનિયા એજેવેડો પોર્ટુગલના પોર્તો શહેરમાં ઇન્સ્ટિટયૂટો પોર્ટુગિઝ ડી ઓંકોલોજિયામાં ર્સિજકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. ગયા બુધવારે આ હોસ્પિટલના ૫૩૮ આરોગ્ય કર્મચારીને ફાઇઝર દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસી મુકાઇ હતી જેમાં સોનિયાનો પણ સમાવેશ થતો હતો. ૩૧ ડિસેમ્બરની રાત્રે સોનિયાએ પરિવાર સાથે ડિનર કર્યું હતું અને નવા વર્ષના દિવસે વહેલી સવારે તે મૃત હાલતમાં મળી આવી હતી.

બીજી તરફ વિશ્વમાં કોરોનાનો કેર યથાવત્ સ્થિતિમાં છે. દુનિયામાં કોરોનાના સંક્રમણના કુલ કેસ ૮.૬ કરોડ પહોંચી ગયા છે. કોરોનાના કારણે વિશ્વમાં ૧૮.૬૦ લાખ લોકોનાં મોત થઈ ગયા છે. બ્રિટન અને અમેરિકા બાદ દુનિયાના અન્ય દેશો પણ ઝડપી રસીકરણ તરફ વળ્યા છે. જર્મની અને ડેનમાર્ક દ્વારા બ્રિટનનો રસીકરણ પ્લાન અપનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી મેળવનાર પ્રથમ કોરોના રસી

ફાઇઝરની કોરોના રસી વિશ્વની પહેલી વેક્સિન છે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે. તેનો અર્થ એ છે કે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને અન્ય દેશોના આરોગ્ય સંગઠન ફાઇઝરની કોરોના વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ કરી શકે છે.

( Source – Sandesh )