મહામારીનો માર : દર છઠ્ઠો અમેરિકન ભૂખનો સામનો કરી રહ્યો છે, 2008ની મંદીથી પણ ખરાબ હાલત

મહામારીનો માર : દર છઠ્ઠો અમેરિકન ભૂખનો સામનો કરી રહ્યો છે, 2008ની મંદીથી પણ ખરાબ હાલત

  • દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર સામે અન્ન સંકટ
  • અમેરિકામાં પાંચ કરોડથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે

કોરોના મહામારીના કારણે અનેક દેશો અને તેમના નાગરિકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. અર્થતંત્રના કદની રીતે દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ અમેરિકા પણ કોરોનાની આડઅસરોનો ભોગ બન્યો છે. આ મહામારીના કારણે અનેક અમેરિકનોએ નોકરી ગુમાવી છે અને તેની અસર એ થઈ છે કે, અમેરિકામાં ભૂખની સમસ્યા સર્જાઈ છે. અમેરિકાની સૌથી મોટી ભૂખ રાહત સંસ્થા ફિડિંગ અમેરિકાના અહેવાલ પ્રમાણે, ડિસેમ્બરના અંત સુધી અમેરિકામાં પાંચ કરોડથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરતા હતા. એટલે કે દર છઠ્ઠો અમેરિકન ભૂખનો સામનો કરી રહ્યો હતો. બાળકોના મામલામાં આ સ્થિતિ વધુ ખરાબ છે. અહીં દર ચોથું બાળક ભૂખથી પીડાય છે. આ રિપોર્ટ પ્રમાણે, જૂનથી અમેરિકામાં અન્નની જરૂરિયાત ખૂબ વધી ગઈ હતી. ઓવરઑલ આખા દેશમાં જરૂરિયાતમંદો મહામારી પહેલાની તુલનામાં બમણા થઈ ગયા. આવા પરિવારોમાં બાળકો પણ સામેલ છે, જેથી ભૂખથી પીડાતા બાળકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. ફિડિંગ અમેરિકા નેટવર્કે એક મહિનામાં 54.8 કરોડ ફૂડ પેકેટ વહેંચ્યા હતા. મહામારી શરૂ થયા પહેલાની તુલનામાં તે 52% વધુ છે. જ્યાં પણ ખાદ્યસામગ્રીનું વિતરણ થાય છે, ત્યાં લાંબી કતારો લાગે છે. આ સંસ્થા શહેરમાં ક્રિસમસ પહેલા દર વર્ષે સરેરાશ 500 લોકોને ભોજન કરાવે છે. આ વખતે આ આંકડો વધીને 8500 થઈ ગયો છે. આ રીતે સમગ્ર અમેરિકામાં ગરીબ અને ભૂખ્યા લોકોની સંખ્યા વધી છે.

અમીરોના શહેર ન્યૂયોર્કમાં પણ ભૂખથી પીડાતા લોકો, 7.7 કરોડ પેકેટ વહેંચાયા
ન્યૂયોર્કમાં 1.20 લાખ લોકો એવા છે, જેમની પાસે 50 લાખ ડૉલર એટલે કે આશરે રૂ. 36 કરોડની સંપત્તિ છે. આમ છતાં, આ શહેરમાં પણ ભૂખથી પીડાતા લોકો છે, જે રોજગારીની શોધમાં અહીં આવે છે. મહામારી વખતે ન્યૂયોર્ક ફૂડ બેંકે અહીં 7.7 કરોડ ફૂડ પેકેટ વહેંચ્યા હતા. કોઈ અન્ય વર્ષની તુલનામાં 70% વધુ. તેમાં પણ અશ્વેત સમાજની સ્થિતિ ઘણી ખરાબ છે.

કમ્યુનિટી ફ્રિજ થકી લોકોને મફતમાં ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે
ખાદ્ય સંકટમાંથી બહાર આવવા અમેરિકામાં લોકો હવે એકબીજાની મદદ કરી રહ્યા છે. સરકારી મદદમાં મોડું થવાથી લોકો માટે આ પગલાં લેવાઈ રહ્યા છે. અનેક સ્થળે લોકોએ કમ્યુનિટી ફ્રિજ મૂક્યા છે, જેમની પાસે ભોજન નથી તેઓ આ ફ્રિજમાંથી મફત ભોજન લઈ જઈ શકે છે. એક ફ્રિજની જવાબદારી બે લોકોને અપાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ગ્રૂપ થકી પણ ભૂખ્યાની મદદ કરાઈ રહી છે.

( Source – Divyabhaskar )