ટ્રિપલ તલાકના કાયદા અંતર્ગત આગોતરા જામીન પર કોઈ રોક નથી : સુપ્રીમ કોર્ટ

ટ્રિપલ તલાકના કાયદા અંતર્ગત આગોતરા જામીન પર કોઈ રોક નથી : સુપ્રીમ કોર્ટ

। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ ૨૦૧૯ એટલે કે ટ્રિપલ તલાકના કાયદા અંતર્ગત આચરાયેલા અપરાધ માટે આગોતરા જામીન આપવા પર કોઈ પ્રકારની રોક નથી. ભારતમાં હવે મુસ્લિમો માટે ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા સજાપાત્ર અપરાધ છે. જો કે આગોતરા જામીન આપતાં પહેલાં અદાલતે પીડિત મહિલાની રજૂઆત સાંભળવી પડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, કાયદાની જોગવાઈઓ અંતર્ગત પોતાની પત્નીને ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા આપનારા મુસ્લિમ પતિને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૨૦૧૯માં ઘડાયેલા કાયદામાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લદાયો છે અને તે ફક્ત મુસ્લિમ પુરુષને જ લાગુ પડે છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની બેન્ચે ધરપકડનો સામનો કરી રહેલી વ્યક્તિને જામીન માટે સીઆરપીસીમાં કરાયેલી જોગવાઈ અને ટ્રિપલ તલાક કાયદાની સંબંધિત જોગવાઈઓની સમીક્ષા કરી હતી. જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઇંદિરા બેનરજીનો સમાવેશ કરતી બેન્ચે જણાવ્યું હતું કે, અમે એવા તારણ પર પહોંચ્યાં છીએ કે, સીઆરપીસીની ધારા ૪૩૮ અને ટ્રિપલ તલાક કાયદાની ધારા ૭(સી)નો તાલમેલ કરાય તો ટ્રિપલ તલાક કાયદા અંતર્ગતના અપરાધ માટે આગોતરા જામીન આપવા પર કોઈ રોક નથી. અદાલત પરિણીત મુસ્લિમ મહિલાને નોટિસ જારી કરીને પોતાની નિર્ણયશક્તિના આધારે આગોતરા જામીનની અરજી કરનાર આરોપીને વચગાળાની રાહત આપી શકે છે.

અદાલતે ઓગસ્ટ ૨૦૧૯માં પુત્રવધૂની હેરાનગતિની ફરિયાદના આધારે એક મુસ્લિમ મહિલા સામે એફઆઇઆર નોંધાઈ હતી. પુત્રવધૂએ આરોપ મૂક્યો હતો કે તેના પતિએ ઘરમાં ત્રણ વાર તલાક શબ્દનું ઉચ્ચારણ કરીને છૂટાછેડા આપ્યા હતા. કેરળ હાઇકોર્ટે આરોપી સાસુને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટના આદેશને રદ કરી સાસુને આગોતરા જામીન આપવા આદેશ આપ્યો હતો.