કોરોનાની રસી કોઇ પણ ફ્રીઝમાં રાખી શકાશે, નવા સ્ટ્રેન ઉપર પણ અસરકારક

કોરોનાની રસી કોઇ પણ ફ્રીઝમાં રાખી શકાશે, નવા સ્ટ્રેન ઉપર પણ અસરકારક

સવાલ : કોરોનાની રસી તમામ લોકોને આપવામાં આવશે?

જવાબ : સરકાર દ્વારા સૌથી પહેલાં ૩૦ કરોડ લોકોની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ડોક્ટર્સ, મેડિકલ સેવા આપતા કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટિઝન તથા અન્ય બીમારી ધરાવતા લોકોને રસીની પ્રાથમિકતા અપાશે. ત્યારબાદ દેશના અન્ય લોકોને રસી અપાશે.

સવાલ : રસી લેવી ફરજિયાત છે?

જવાબ : કોરોનાની રસી ફરજિયાત નથી, જે વ્યક્તિ ઈચ્છે તો લઈ શકે છે અને તેને પૂરો ડોઝ આપવામાં આવશે.

સવાલ : હાલમાં બનેલી રસી સુરક્ષિત છે?

જવાબ : કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછા સમયમાં રસી તૈયાર થઈ છે તેમ છતાં દરેક દેશના સુરક્ષા માનકોને આધીન રહીને જ સુરક્ષિત રહીને મંજૂરી આપવામાં આવે છે.

સવાલ : કોરોના સંક્રમિતોનો રસી આપવામાં આવશે?

જવાબ : કોરોના સંક્રમિત વ્યક્તિને રસી આપવા દરમિયાન અન્ય લોકોને ચેપ લાગવાની શક્યતા છે તેથી આવા લોકોને હાલ બાકાત રખાશે.

સવાલ : કોરોનાથી સાજા થયેલા લોકોએ રસી લેવી જોઈએ?

જવાબ : કોરોનાના જૂના અનુભવોને ભૂલીને દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ. તેનાથી ઈમ્યૂનિટી વધે છે અને ફરી સંક્રમણ લાગવાની શક્યતાઓ નહીંવત થઈ જાય છે.

સવાલ : ભારત પાસે રસીકરણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે?

જવાબ : ભારત પાસે દુનિયાનું સૌથી મોટું રસીકરણનું નેટવર્ક છે. દુનિયામાં સૌથી વધુ રસીકરણ કરતા દેશોમાં ભારતનું સ્થાન છે. તેની પાસે ૨૬ મિલિયન નવજાત અને ૨૯ મિલિયન ગર્ભવતીઓને રસીકરણ કરવાનું નેટવર્ક છે. કોરોનાના રસીકરણ માટે આ નેટવર્કને વધારે મજબૂત કરાયું છે.

સવાલ : વ્યક્તિ રસીકરણ માટે યોગ્ય છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે?

જવાબ : સરકાર દ્વારા લોકોને વિવિધ તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. આ તબક્કા પ્રમાણે સરકાર દ્વારા કોવિન સિસ્ટમ થકી બધો ડેટા સિસ્ટમમાં નાખવામાં આવશે અને તેના થકી જ લોકોને જાણ થશે અને માહિતી પણ મળશે. રસીકરણની પણ તમામ વિગતો, સમય, સ્થળ બધું જ આ પદ્ધતિથી મળી જશે.

સવાલ : સીરમ ઈન્સ્ટિટયૂટથી દેશમાં રસી કેવી રીતે મોકલાવાશે?

જવાબ : એક વખત વેક્સિન તૈયાર થઈ ગઈ પણ તેના ડોઝ પેક કરીને બોક્સમાં બંધ કરી ડ્રાય આઈસ સાથે પેક કરાશે. તેને ફ્રીઝરવાળા ટ્રકમાં દેશના વિવિધ ભાગમાં મોકલાશે. આ વેક્સિનને સરકારી કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવશે.

સવાલ : એક બોટલમાંથી કેટલા લોકોને રસી અપાશે?

જવાબ : સીરમ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીની એક બોટલમાં ૧૦ ડોઝ સમાવવામાં આવ્યા છે. આ બોટલમાંથી ૧૦ લોકોને રસી આપી શકાય છે. આ બોટલ તોડયા બાદ તેને ૪થી ૫ કલાકમાં ઉપયોગ કરી લેવો પડે છે. આ દરમિયાન ૧૦ લોકોને રસી આપવામાં આવશે.

સવાલ : કેટલી સેફ છે સીરમની રસી?

જવાબ : રસી બનાવવામાં ૯ મહિનાનો સમય ગયો છે. તમામ શરતો અને માનકોને આધારે રસી બની છે. રસીમાં કેટલીક સાઈડ ઈફેક્ટ જોવા મળી છે જે સામાન્ય છે અને તમામ રસીઓમાં દેખાઈ છે. તેનાથી જીવનું જોખમ નહીં આવે. ટ્રાયલમાં તાવ, માથું દુઃખવું અને શરીર દુઃખવા જેવા સામાન્ય લક્ષણો જ જોવાયા છે.

સવાલ : કેટલા તાપમાનમાં રસી સાચવી શકાશે?

જવાબ : સીરમની રસી બે થી આઠ ડિગ્રી તાપમાને રાખી શકાય છે. તેને કોઈપણ ફ્રીઝમાં પણ રાખી શકાય છે. બહાર રાખી તો પણ ૧૦ દિવસ રહી શકે છે. તેનું પેકિંગ ખુલ્યું ન હોવું જોઈએ.

સવાલ : રસીને કેટલા ડોઝ તૈયાર કરાયા છે?

જવાબ : સીરમ દ્વારા ૫ કરોડ ડોઝ તૈયાર કરાયા છે જે અત્યારે ૨.૫ કરોડ લોકોને આપી શકાય તેમ છે.

સવાલ : બે ડોઝ વચ્ચે કેટલું અંતર રાખવું પડે?

જવાબ : સામાન્ય રીતે એક ડોઝ લીધા પછી બે મહિના બાદ બીજો ડોઝ લેવામાં આવે તે વધારે સલાહભરેલું છે. આ રીતે રસી અસરકારક સાબિત થાય છે. આ દરમિયાન સતર્કતા રાખવી વધારે જરૂરી છે.

સવાલ : એક જ ડોઝ લેવામાં આવે તો?

જવાબ : સીરમે જણાવ્યું હતું કે, એક જ ડોઝ વધારે અસરકારક સાબિત નહીં થાય. કોઈપણ રસીનો બીજો કે બુસ્ટર ડોઝ ન લેવામાં આવે ત્યાં સુધી તે અસરકારક રહેતી નથી. એક ડોઝમાં ખાસ ફાયદો થશે નહીં.

સવાલ : આ રસી નવા સ્ટ્રેન ઉપર કામ કરશે?

જવાબ : કોરોનાની રસી નવા સ્ટ્રેન ઉપર પણ કામ કરશે. નવા સ્ટ્રેનમાં મોટો ફેરફાર નથી. જે રસી હાલમાં છે તે કોરોના ઉપર અસરકારક જ છે. નવા સ્ટ્રેનને પણ તે કાબૂમાં જ રાખશે.

સવાલ : રસીની કિંમત શું હશે?

જવાબ : સીરમ દ્વારા સરકારને રસીનો એક ડોઝ ૨૦૦ રૂપિયામાં એટલે કે બે ડોઝ ૪૦૦માં આપવામાં આવશે. સૂત્રોના મતે સરકાર એક કરોડથી વધારે ડોઝ લેવાની છે એટલે આ ભાવ રખાયો છે. ખાનગી કંપનીઓને બે હજાર રૂપિયાના બે ડોઝ અપાશે.

સવાલ : મેડિકલ સ્ટોરમાં રસી મળશે?

જવાબ : માર્ચ અને એપ્રિલ સુધીમાં ખાનગી રીતે રસી વેચાણી હિલચાલ છે. ડોક્ટર પાસેથી જ આ રસી મળશે. મેડિકલ સ્ટોરમાં રસી મળે તેવી વ્યવસ્થા નથી. રસી વિતરણની વ્યવસ્થા સરકારની ગાઈડલાઈન પ્રમાણે થાય છે.

( Source – Sandesh )