અન્નાએ કહ્યું- જો જાન્યુઆરી સુધી ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો મારું અંતિમ આંદોલન શરૂ કરીશ

અન્નાએ કહ્યું- જો જાન્યુઆરી સુધી ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો મારું અંતિમ આંદોલન શરૂ કરીશ

સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ કેન્દ્ર સરકારને ફરી એક વખત આંદોલનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો ખેડૂતો સાથે સંકળાયેલી માંગ જાન્યુઆરી સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો તેઓ સરકાર સામે આંદોલન શરૂ કરશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ તેમનું અંતિમ આંદોલન હોઈ શકે છે.

મહારાષ્ટ્રના અહમદનગરમાં સિદ્ધી ગામમાં તેમણે કહ્યું કે હું ખેડૂતો માટે છેલ્લા 3 વર્ષથી અવાજ ઉઠાવી રહ્યો છું, પણ સરકારે અત્યાર સુધી તેના ઉકેલ માટે કંઈ જ કર્યું નથી.

મને સરકાર પર વિશ્વાસ નથીઃ અન્ના
તેમણે કહ્યું કે સરકાર ફક્ત ઠાલા વચનો આપે છે, માટે હવે મને સરકાર પર વિશ્વાસ નથી. જોઈએ છીએ સરકાર મારી માંગો અંગે શુ નિર્ણય લે છે. સરકારે મારી પાસે એક મહિનાનો સમય માંગ્યો હતો. માટે હું તેમને જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. જો મારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો હું ભૂખ હડતાળ શરૂ કરીશ. આ મારું અંતિમ આંદોલન હોઈ શકે છે.

અન્નાની માંગો
14 ડિસેમ્બરના રોજ અન્નાએ સરકારને એક પત્ર લખ્યો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને લખવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે જો એમએસ સ્વામીનાથન સમિતિની ભલામણો અને કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસિસને સ્વતંત્રતાને લગતી તેમની માંગ નહીં માનવામાં આવે તો તેઓ સરકાર સામે આંદોલન શરૂ કરશે.

બોર્ડર બેઠેલા ખેડૂતો માટે વ્રત રાખ્યુ હતુ
અન્નાએ 8 ડિસેમ્બરના રોજ દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદા સામે પ્રદર્શન કરતા ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં વ્રત રાખ્યુ હતું. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપુર્વ વિધાનસભા અધ્યક્ષ હરિભાઉ બાગડે તેમની પાસે પહોંચ્યા હતા અને તેમને ત્રણેય કૃષિ કાયદા અંગે માહિતી આપી હતી.