પથારીમાં પેશાબ કરી જતાં 3 વર્ષના દીકરાને પછાડીને મારી નાખ્યો, પછી લાશને બેગમાં મૂકીને પિતા ભાગી ગયો

પથારીમાં પેશાબ કરી જતાં 3 વર્ષના દીકરાને પછાડીને મારી નાખ્યો, પછી લાશને બેગમાં મૂકીને પિતા ભાગી ગયો

બાળકની માતાએ તેના ભાઈને ઘટના જણાવી, ત્યાર પછી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ક્રૂર પિતાએ તેના ત્રણ વર્ષના દીકરાને ખરાબ રીતે માર માર્યો અને પછી તેને જમીન પર પછાડીને તેની હત્યા કરી નાખી. બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તેને તેના પિતાની પથારી પર પેશાબ કર્યો હતો. ઘટના પછી આરોપીએ ઘરમાં હાજર પત્ની અને બે દીકરીને ધમકી આપી કે જો આ વાત ઘરની બહાર જશે તો આખાય પરિવારને મારી નાખશે.

આંખોની સામે જ દીકરાને મરતા જોઈને માતાથી રહેવાયું નહીં. તેણે તેના ભાઈ દ્વારા પોલીસને માહિતી આપી, પણ પોલીસે ઘટનાસ્થળે પહોંચતાં પહેલાં આરોપી પરિવાર સહિત હમીરપુર ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થયા પછી હમીરપુર પોલીસે બુધવારે રાતે આરોપીની ધરપકડ કરીને કાનપુર પોલીસને સોંપી દીધો હતો.

3 વર્ષના આ બાળકને પિતાએ જમીન પર પછાડીને મારી નાખ્યો.

પરિવાર હમીરપુરનો રહેવાસી છે
હમીરપુર જિલ્લાના છાની ખુર્દમાં રહેનાર સંતરામ પ્રજાપતિ મજૂરીકામ કરે છે. પરિવારમાં પત્ની અનીતા, બે દીકરી અંજના તથા ખુશી તથા એકમાત્ર પુત્ર રવીન્દ્ર(3 વર્ષ)હતાં. સંતરામ થોડાક દિવસ પહેલાં જ ઘાટમપુર ખાતે હથેરુઆ ગામની પાસે આવેલા એક ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. તે પરિવાર સાથે ભઠ્ઠા પર કાચા મકાનમાં રહેતો હતો.

ઘરમાં બધાને માર્યા, દીકરાને મારી નાખ્યો
અનીતાએ જણાવ્યું, મંગળવારની સવારે દીકરા રવિનેદ્રએ તેના પિતાની પથારીમાં પેશાબ કર્યો હતો, એને કારણે સંતરામની ઊંઘ ઊડી ગઈ. તે એટલો નારાજ થઈ ગયો કે દીકરાને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું. રડવાનો અવાજ સાંભળીને પાસે સૂતી દીકરીઓની ઊંઘ પણ ઊડી ગઈ અને તે તેના ભાઈને બચાવવા માટે પિતાને આજીજી કરવા લાગી. સંતરામે દીકરીઓને પણ ઢોર માર માર્યો. અનીતાએ પણ દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ ઢોર માર માર્યો. સંતરામના દીકરાને જમીન પર પછાડી દીધો અને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તેનું મોત ન થયું.

બેગમાં લાશ લઈને ગામમાં ગયો આરોપી
મોત પછી સંતરામે એક લોડરમાં આખા પરિવારને બેસાડ્યો અને બેગમાં લાશ લઈને ગામ છાની ખુર્દ ચાલ્યો ગયો. તેને ધમકી આપી હતી કે જો દીકરાની હત્યાની વાત ઘરની બહાર જશે તો પરિવારને મારી નાખશે. પત્ની અનીતાએ તક જોઈને બુધવારે સાંજે તેના ભાઈ અજયને ફોન પર આખી વાત જણાવી. ત્યાર પછી ભાઈ અજયે અન્ય પરિવારજનો સાથે ગામે પહોંચીને આરોપી સંતરામને પકડીને ઢોર માર માર્યો અને હમીરપુર પોલીસને ઘટનાની જાણ કરી. હમીરપુર પોલીસે લાશને કબજામાં લીધી અને સંતરામની ધરપકડ કરીને ઘાટમપુર પોલીસને સોંપી દીધો. સંતરામ પર હત્યાનો કેસ કરીને જેલભેગો કરી દેવાયો છે.

એસપી ગ્રામીણ બૃજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે હમીરપુર પોલીસે ઘટનાની માહિતી ઘાટમપુર પોલીસને આપી હતી, જેની પર એક ટીમે હમીરપુર જઈને સંતરામની ધરપકડ કરી બાળકની લાશને કબજામાં લીધી હતી. સંતરામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

( Source – Divyabhaskar )