હાઉઝ ધ જોશ? હાઈ સર…માન્ચેસ્ટર ગ્રાઉન્ડ પર ભારતની રનસ્ટ્રાઇક: પાકિસ્તાન ધ્વસ્ત

હાઉઝ ધ જોશ? હાઈ સર…માન્ચેસ્ટર ગ્રાઉન્ડ પર ભારતની રનસ્ટ્રાઇક: પાકિસ્તાન ધ્વસ્ત

વર્લ્ડ કપ ખાતે રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની સાથે પાકિસ્તાનને ૮૯ રને પરાજય આપ્યો હતો. માન્ચેસ્ટરમાં ભારતની રનસ્ટ્રાઈક સામે પાકિસ્તાનના કાંગરા ખરી પડયા હતા. ભારતે આપેલા ૩૩૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની અડધી ટીમ માત્ર ૧૨૯ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ભારતીય ઓપનિંગ જોડીએ કરેલી ભાગીદારી જેટલા રન પણ પાકિસ્તાનની અડધી ટીમ કરી શકી નહોતી. વારંવાર વરસાદના કારણે મેચ અટકી જતી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલર્સ ઉપર ત્રાટક્યા હતા.

પીએમ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની ઈમરાન ખાનની સલાહને અવગણીને વર્તમાન પાકિસ્તાની સુકાની સરફરાઝે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. તેનો આ નિર્ણય પાકિસ્તાન માટે મુસીબત સમાન સાબિત થયો હતો.

વરસાદી વિઘ્ન છતાં ભારતીય બેટ્સમેન રોહિત, રાહુલ અને કોહલી પાકિસ્તાની બોલરો ઉપર મનમૂકીને વરસ્યા હતા. રોહિતની સદી અને કોહલી તથા રાહુલની અડધી સદીના જોરે ભારતે પાકિસ્તાનને ૩૩૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કે.એલ. રાહુલે પોતાની વર્લ્ડ કપમાં પહેલી અડધી સદી નોંધાવી હતી. આમિરે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કુલદીપ, શંકર અને હાર્દિકે બે-બે વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, સતત સાતમા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો છે.

વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે અજેય સિદ્ધિ

વર્ષ            પરિણામ                        સ્થળ

૧૯૯૨         પાક.ને ૪૩ રને હરાવ્યું         સિડની

૧૯૯૬         પાક.ને ૩૯ રને હરાવ્યું         બેંગ્લુરૂ

૧૯૯૯         પાક.ને ૪૭ રને હરાવ્યું         માન્ચેસ્ટર

૨૦૦૩         પાક.ને ૬ વિકેટે હરાવ્યું         સેન્ચુરિયન

૨૦૧૧         પાક.ને ૨૯ રને હરાવ્યું         મોહાલી

૨૦૧૫         પાક.ને ૭૬ રને હરાવ્યું         એડિલેડ

૨૦૧૯         પાક.ને ૮૯ રને હરાવ્યું         માન્ચેસ્ટર

ભારતનો પાકિસ્તાન સામે ૮૯ રને થયેલો વિજય તેનો વર્લ્ડ કપમાં રનની બાબતે સૌથી મોટો વિજય છે. ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે ૩૫ ઓવર સુધી પહોંચેલી મેચ બાદમાં ૪૦ ઓવરની કરી દેવાઈ હતી. પાકિસ્તાનને બાકીની પાંચ ઓવરમાં ૧૩૬ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાને કુલ ૩૦૨ રન કરવાની હતા જેની સામે તે મેચના અંતિમ બોલે છ વિકેટના નુકસાને ૨૧૨ રન નોંધાવી શક્યું હતું.

પાક. ખેલાડીઓને રોહિત શર્મામાં દેખાયો અભિનંદન!

ભારતના ઓપનર રોહિત શર્માએ ૧૪ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૧૪૦ રન બનાવ્યા હતા. મેદાનમાં ક્રિકેટરસિકોને ભરપૂર મજા કરાવ્યા બાદ સોશિયલ મીડિયામાં પણ રોહિત શર્મા છવાયો હતો. લોકોએ જોરદાર કોમેન્ટ કરી અને પાકિસ્તાની ટીમની મજાક ઉડાવી. લોકોએ તેના ચહેરા પર ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જેવી ઔસ્ટાઇલની મૂછો લગાવીને લખ્યું કે પાકિસ્તાની પ્લેયરોને રોહિત શર્મા કંઈક આવો દેખાતો હતો.

આઉટ નહોતો છતાં કોહલીએ ક્રિઝ છોડી દીધી

૭૭ રન બનાવનારા સુકાની વિરાટ કોહલીનો કેસ મોહમ્મદ આમિરની બોલિંગમાં વિકેટકીપર સરફરાઝ અહમદે લીધો હતો. બોલર, વિકેટકીપર અને નજીકના ફિલ્ડરોએ અપીલ કરી હોવાથી અમ્પાયર આઉટ આપે એ પહેલાં કોહલીએ ક્રિઝ છોડી દીધી હતી. તેને લાગ્યું હતું કે બેટ સાથે બોલ ટકરાઈને ગયો છે અને કટ એવો અવાજ આવ્યો છે. જોકે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ વિરાટ કોહલીના બેટથી ઘણો દૂર હતો. કોહલીએ ડ્રેસિંગ રૂમમાં આવીને રિપ્લે જોયો ત્યારે તેને આની જાણ થઈ હતી.