બોગસ માર્કશીટ કૌભાંડ:કઇ માર્કશીટ જોઇએ છે, 1.50 લાખ લાવો ને લઇ જાવ..! આણંદમાં કૌભાંડ

બોગસ માર્કશીટ કૌભાંડ:કઇ માર્કશીટ જોઇએ છે, 1.50 લાખ લાવો ને લઇ જાવ..! આણંદમાં કૌભાંડ

  • કૌભાંડમાં મુખ્ય સુત્રધાર વડોદરાનો હિરેન સાઠમ, આદિત્ય પટેલ અને આણંદના કનુ રબારીની ધરપકડ
  • 22 લાખ રોકડા અને 106 બોગસ માર્કશીટ જપ્ત કરી
  • આણંદના મંગળપુરા વિસ્તારના એપાર્ટમેન્ટમાં 3 મહિનાથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ

આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં છેલ્લાં ત્રણ માસથી ચાલી રહેલા બનાવટી માર્કશીટ કૌભાંડને આણંદ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યું છે. આ બનાવમાં આણંદ પોલીસે વડોદરાના બે સહિત ત્રણ યુવકની ધરપકડ કરી રૂપિયા 23.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આણંદ એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે, આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102માં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી આણંદ એસઓજી પોલીસની ટીમે અતિથિ એપાર્ટમેન્ટમાં દરોડા પાડતાં એક શખ્સ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં પોતાનું નામ કનુભાઈ રજાભાઇ રબારી (રહે. ઓડ રબારીવાસ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ ફ્લેટની તલાસી લેતાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓના અસલ 16 સર્ટિફિકેટ, 106 બનાવટી સર્ટિફિકેટ, અલગ અલગ નામ સરનામા વાળા 30 ભારતીય પાસપોર્ટ, રોકડ રકમ રૂપિયા 22.50 લાખ, બે મોબાઇલ સહિત કુલ રૂપિયા 23.15 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઝડપાયેલા કનુભાઈ રજાભાઇ રબારીની સઘન પૂછપરછ કરતા વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતા આદિત્ય ચંદ્રવદન પટેલ દ્વારા તેની ઓળખાણ વડોદરાના ફતેપુરા ખાતે રહેતા હિરેન ઉર્ફે સોનુ ચંદ્રકાંત સાઠમ સાથે થઈ હતી.

હિરેન ઉર્ફે સોનુ આ બનાવટી માર્કશીટો બનાવીને કનુભાઈને આપતો હતો અને કનુભાઈ જરૂરીયાતવાળા લોકોનો સંપર્ક કરી તેમની પાસેથી એક માર્કશીટના રૂપિયા એક લાખથી દોઢ લાખ લઈને માર્કશીટ આપતો હતો. આમ, પોલીસે આ બનાવમાં સંડોવાયેલાં કનુભાઈ રજાભાઇ રબારી (રહે. ઓડ, આણંદ), આદિત્ય ચંદ્રવદન પટેલ અને હિરેન ઉર્ફે સોનુ ચંદ્રકાંત સાઠમ (બંને રહે. વડોદરા) વિરૂદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હિરેન સામે અગાઉ ગુનો નોંધાયો હતો
હિરેન સાઠમ સામે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ડમી માર્કશીટ બનાવી હોવાનો ગુનો જાન્યુઆરીમાં જ નોંધાયો હતો. દરમિયાન ફેબ્રુઆરીમાં તે જામીન પર મુક્ત થયા બાદ પુન: ડમી માર્કશીટ બનાવવાના કામમાં લાગ્યો હતો.

ત્રણ-ચાર યુનિ.ની માર્કશીટ મળી આવી
પોલીસના દરોડોમાં ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સહિત નર્સિંગ અને અન્ય પ્રોફેશ્નલ કોર્સની માર્કશીટ મળી આવી હતી.

40 જેટલી માર્કશીટ પેન્ડિંગ હતી
પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે 40 જેટલી વ્યક્તિઓની માર્કશીટ બનાવેલી પડી હતી. જોકે, આગામી ટૂંક સમયમાં તેને જે તે વ્યક્તિઓ સુધી પહોંચાડવાની હતી. જોકે, જરૂરીયાતમંદોને પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ગયા હતા. જોકે, અત્યાર સુધીમાં તેમણે કોને કોને માર્કશીટ આપી તે હાલ તપાસનો વિષય છે. બુધવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી તપાસ કરાશે. > ગોવિંદ એન. પરમાર, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી.

ખોડલ કન્સલટન્સી ધરાવતો કનુ રબારી મુખ્ય સુત્રધાર
ઉમરેઠના રબારીવાસમાં રહેતો કનુ રબારી મુખ્ય સુત્રધાર છે. તેમને ઝડપી પાડ્યા ત્યારે તેમની પાસેથી સિક્કા બનાવવાનું મશીન, કલર મશીન, લેમિનેશન કરી શકાય તેવું મશીન, કમ્પ્યુટર,પ્રિન્ટર મળી આવ્યું હતું. આ એ જ જગ્યા છે કે જ્યાં ખોડલ કન્સલટન્સી ચાલે છે. વડોદરાનો આદિત્ય પટેલ એ મીડિયેટર તરીકે કામ કરતો હતો. તે અને હિરેન બંને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શોધી લાવતા હતા અને તેમની પાસેથી પૈસા લઈને તેમની જરૂરીયાત મુજબ માર્કશીટ બનાવી આપતા હતા. હિરેન ભેજાબાજ છે અને તે માર્કશીટ બનાવવાનું કામ કરતો હતો. સૌથી વધુ માંગ નર્સિંગની માર્કશીટની હતી.

( Source – Divyabhaskar )