અમેરિકામાં આજે ઇલેક્ટોરલ કોલેજ ટ્રમ્પ અને બાઇડેનનું ભાવિ નક્કી કરશે

અમેરિકામાં આજે ઇલેક્ટોરલ કોલેજ ટ્રમ્પ અને બાઇડેનનું ભાવિ નક્કી કરશે

। વોશિંગ્ટન ।

૩ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન સામે પરાજિત થઇ ચૂકેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર નથી. અમેરિકી પ્રમુખપદની ચૂંટણીની પ્રક્રિયા હજુ પૂરી થઇ નથી. ચૂંટણી પરિણામની સત્તાવાર જાહેરાત ૬ જાન્યુઆરીના રોજ થશે. આ પહેલાં ૧૪ ડિસેમ્બરના સોમવારે અમેરિકામાં ઇલેક્ટોરલ કોલેજનું મતદાન યોજાશે. ઇલેક્ટોરલ કોલેજના મતદાનમાં વિજેતા ઉમેદવારને અમેરિકાના પ્રમુખ ઘોષિત કરવામાં આવતા હોય છે. ઇલેક્ટોરલ કોલેજ જનપ્રતિનિધિઓનો એક સમૂહ છે જે આગામી પ્રમુખ માટે મતદાન કરશે. આ ઇલેક્ટરોનો સમૂહ ૧૪મી ડિસેમ્બરે પ્રમુખપદના દાવેદારને ચૂંટી કાઢશે. અમેરિકાના પ્રમુખ બનવા માટે ૨૭૦ ઇલેક્ટોરલ વોટની જરૂર પડે છે. જો બાઇડેનની તરફેણમાં ૩૦૬ ઇલેક્ટોરલ વોટ પડે તેવી સંભાવના છે.

ટ્રમ્પનાં સમર્થનમાં વોશિંગ્ટનની મેગા રેલીમાં હજારો ઉમટયાં, છૂરાબાજીમાં ચારને ઈજા

જો બાઇડેનને અમેરિકાના પ્રમુખપદે બિરાજતા અટકાવવા માટે ધમપછાડા કરી રહેલા ટ્રમ્પને સાથ આપવા માટે હજારોની સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો વોશિંગ્ટનમાં ઊમટી પડયાં હતાં. વોશિંગ્ટનની સડકો પર ઉતરેલા ટ્રમ્પ સમર્થકો અને ટ્રમ્પના વિરોધીઓ વચ્ચે ઠેકઠેકાણે અથડામણો સર્જાઇ હતી. છૂરાબાજીમાં ઇજા પામેલા ૪ને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. પોલીસે ૨૩ તોફાનીઓની ધરપકડ કરી હતી.