રસ્તો સીધો કરવાની શું જરૂર છે? વૃક્ષો હોય ત્યાંથી ટર્ન લઈ લો, તેનાથી વાહનોની ગતિની સાથે અકસ્માતો પણ ઘટશે: સુપ્રીમકોર્ટ

રસ્તો સીધો કરવાની શું જરૂર છે? વૃક્ષો હોય ત્યાંથી ટર્ન લઈ લો, તેનાથી વાહનોની ગતિની સાથે અકસ્માતો પણ ઘટશે: સુપ્રીમકોર્ટ

ઉત્તરપ્રદેશના મથુરા શહેરમાં કૃષ્ણ-ગોવર્ધન રોડ પ્રોજેક્ટને લઈને ત્રણ હજાર વૃક્ષો કાપવાની મંજૂરી માંગવા મુદ્દે સુપ્રીમકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી પીઠે આશ્ચર્ય વ્યક્ત કરતા ઉત્તરપ્રદેશ સરકારને પૂછ્યું કે રસ્તો સીધો કરવાની શું જરૂર છે? વૃક્ષોને બચાવવા રસ્તાને વળાંક પણ આપી શકાય છે.

જ્યાં વૃક્ષો સામે આવે, ત્યાં ગોળાકાર રસ્તો પણ બનાવી શકાય છે. તેનાથી વાહનોની ગતિ પણ ધીમી થશે અને અકસ્માતો પણ ઘટશે. ચીફ જસ્ટિસે દેશમાં વધી રહેલા અકસ્માતોની વાત કરતા કહ્યું કે રસ્તા પર લોકો ખૂબ જ સ્પીડમાં વાહનો ચલાવે છે, જેના કારણે દુર્ઘટનાઓ થાય છે.

વાત એમ છે કે મથુરામાં કૃષ્ણ-ગોવર્ધન રોડની આસપાસના છ રસ્તાને પહોળા કરાઈ રહ્યા છે. આ યોજનામાં વચ્ચે આવતાં આશરે ત્રણ હજાર વૃક્ષો કાપવાની ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમકોર્ટ પાસે મંજૂરી માંગી છે. આ અરજીની બુધવારે યોજાયેલી સુનાવણીમાં સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને સવાલ કર્યો હતો કે તમે જે વૃક્ષો કાપવાની મંજૂરી માંગો છો, તેની ઉંમર શું છે? તેને કાપવાથી કેટલો ઓક્સિજન ઘટશે? આ મુદ્દે ચાર અઠવાડિયામાં જવાબ આપો.

આ સુનાવણી વખતે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે રાજ્ય સરકાર એ પણ જણાવે કે, જે વૃક્ષો કાપવાની મંજૂરી મંગાઈ રહી છે, તે ઝાડીઓ છે, નાના વૃક્ષો છે પછી મોટાં? વૃક્ષો તો પોતાની જગ્યાએ ઊગતાં જ રહેશે. વૃક્ષો નહીં કાપવાની એકમાત્ર અસર એ રહેશે કે રસ્તો સીધો નહીં બને અને ત્યાં હાઈ સ્પીડ ટ્રાફિક શક્ય નહીં બને. આ અસર હાનિકારક ના ગણાય.

વૃક્ષોને ફક્ત લાકડું કાપીને ના કપાય. તેના બદલે તેનું મૂલ્યાંકન એ રીતે કરવું જોઈએ કે તે હજુ કેટલો ઓક્સિજન આપવા સક્ષમ છે. આ દરમિયાન ન્યાયમિત્ર એડવોકેટ એડીએન રાવે વૃક્ષોના મૂલ્યાંકનને લગતા નેટ પ્રેઝન્ટ વેલ્યૂ રિપોર્ટ આપવાની રજૂઆત કરી. આ મુદ્દે કોર્ટે પણ સરકારને આ રીતે મૂલ્યાંકન કરવાનો નિર્દેશ કર્યો.