નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

રવિવારે મોડી રાત્રે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે ેવી જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અન્ય 3 શહેરમાં કર્ફ્યૂ વધારવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

હવે અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધી ગયા, પણ સુરત અને વડોદરા, રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સોમવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા અ્ને રાજકોટમાં લદાયેલા કર્ફ્યૂનું મૂલ્યાંકન થશે. અત્યારની સ્થિતિ પ્રમાણે કોરોનાના કેસ હજુ વધી રહ્યા છે, અપેક્ષા પ્રમાણે હજુ કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા નથી. આવા સંજોગોમાં સરકારે અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધારવાનું સરકારે મન બનાવી લીધું છે, પણ સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. જોકે ટોચનાં સૂત્રોના કહ્યા પ્રમાણે રાજ્યભરમાં કોરોનાના કેસ ઘડ્યા ન હોવાથી બાકીનાં 3 શહેરમાં પણ કર્ફ્યૂના દિવસો વધારાય તેવી શક્યતા છે.

આગામી 25 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર પણ આવી રહ્યો છે. જો આ જ સ્થિતિ રહી તો પરિસ્થિતિ વણસવાની પૂરી શક્યતા છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગનાં આંતરિક સૂત્રોએ DivyaBhaskar સાથેની વાતચીત મુજબ આ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.

આવતીકાલે ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
કોરોનાના વધી રહેલા કેસો મામલે 7મી ડિસેમ્બરે ગૃહ વિભાગની એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું, કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ
23 નવેમ્બરે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી હતી. જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોરોના બેકાબૂ બનતાં 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.