હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં TRS ટોચનાં સ્થાને પણ ભાજપનો જય જયકાર

હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં TRS ટોચનાં સ્થાને પણ ભાજપનો જય જયકાર

। હૈદરાબાદ ।

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(જીએચએમસી)ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયાં છે. મુખ્ય ત્રણ હરીફ પક્ષ, ટીઆરએસ, ભાજપ અને AIMIM વચ્ચે ગળાકાપ વધઘટ બાદ ત્રિશંકુ પરિણામ આવ્યું છે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે ઓવૈસી ટીઆરએસને પ્રત્યક્ષ અથવા પરોક્ષ ટેકો આપીને ભાજપને સત્તાથી વંચિત રાખવાનો પ્રયાસ કરશે તેમ નિષ્ણાતો કહે છે. જીએચએમસીની ચૂંટણીમાં શુક્રવારે યોજાયેલ મતગણતરીમાં દિવસ દરમિયાન શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ટીઆરએસએ ૧૫૦માંથી ૫૬ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપે ૪૯ બેઠકો સાથે બીજો ક્રમ હાંસલ કર્યો હતો અને ઓવૈસીના AIMIMએ ૪૩ બેઠકો સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. સાવ કંગાળ દેખાવ સાથે કોંગ્રેસને ફાળે બે બેઠક  જ આવી હતી. જોકે, માત્ર ૫૧ બેઠકો ઉપર જ ચૂંટણી લડીને ૪૩ બેઠકો પર વિજય મેળવીને AIMIMએ સૌથી વધારે સ્ટ્રાઇક રેટ જાળવ્યો હતો.

નોંધનીય છે કે શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી દરિમયાન ભાજપના ઉમેદવારો લીડ સાથે લગભગ બહુમત સુધી પહોંચી ગયા હતા. રાજકીય નિષ્ણાતો અનુસાર ટીઆરએસએ આ ચૂંટણીમાં આખરે ટોચનું સ્થાન તો મેળવી લીધું છે પરંતુ ભાજપે ચમત્કારિક રીતે બીજો ક્રમ મેળવી પોતાની પહોંચ વધી હોવાનો સીધો સંકેત આપી દીધો છે. આ શાનદાર વિજય સાથે હવે ભાજપ માટે દક્ષિણનો દરવાજો પણ ખૂલી ગયો હોવાના સંકેત મળ્યા છે. આ ચૂંટણી કોર્પોરેશનની હતી પરંતુ તેનો રોમાંચ લોકસભાની ચૂંટણીથી જરા પણ ઓછો ન હતો. ભાજપે દિગ્ગજ નેતાઓને રણમેદાનમાં ઉતારીને પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી અને પરિણામ દર્શાવે છે કે ભાજપની વ્યૂહરચના કામ કરી રહી છે.

બેલેટ પેપર મારફત મતદાન : ઇવીએમ વિવાદની બાદબાકી 

GHMCની ચૂંટણીમાં બેલેટ પેપર મારફત મતદાન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પરિણામે ઈવીએમ મશીનને લગતાં વિવાદો દર વખતે ઊભા થાય છે તે થઇ શક્યું નથી. આ ચૂંટણીમાં ૪૬.૫૫ ટકા મતદાન થયું હતું. ૨૦૦૯ની ચૂંટણીમાં ૪૨.૦૨ ટકા અને ૨૦૧૬ની ચૂંટણીમાં ૪૫.૨૯ ટકા મતદાન નોંધાયું હતું. આમ અગાઉની બે ચૂંટણીઓની સરખામણીએ આ વર્ષે વધારે મતદાન નોંધાયું હતું. ૨૦૧૬માં ટીઆરએસએ ૧૫૦ બેઠકમાંથી ૯૯ વોર્ડમાં વિજય મેળવ્યો હતો. જ્યારે ઓવૈસીના પક્ષને ૪૪ વોર્ડમાં વિજય મળ્યો હતો. ત્યારે પણ કોંગ્રેસને બે વોર્ડમાં અને ભાજપને ત્રણમાં વિજય મળ્યો હતો.