કેન્દ્રની પરવાનગી વિના રાજ્યો લોકડાઉન લાદી શકશે નહીં : ગૃહમંત્રાલય

કેન્દ્રની પરવાનગી વિના રાજ્યો લોકડાઉન લાદી શકશે નહીં : ગૃહમંત્રાલય

નવી દિલ્હી :

કોરોના સંક્રમણના વધી રહેલા કેસના કારણે લોકડાઉન લાદવામાં આવે તેવી ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે નવી ગાઇડલાઇન જારી કરતાં જણાવ્યું હતું કે, કોઇપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કેન્દ્ર સરકારની પરવાનગી વિના કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લાદી શકશે નહીં. નવી ગાઇડલાઇન મુજબ, કોઇપણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર સરકારની પરવાનગી વિના કન્ટેનમેન્ટ ઝોનની બહાર રાજ્ય, જિલ્લા, તાલુકા કે શહેર સ્તરે લોકલ લોકડાઉન લાદી શકશે નહીં. જો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્થિતિના આધારે નાઇટ કરફ્યૂ જેવા સ્થાનિક નિયંત્રણો લાગુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જે વિસ્તારોમાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકા કરતાં વધુ હોય ત્યાં રાજ્યો પોતાની રીતે લોકડાઉન સિવાયનાં નિયંત્રણો લાદી શકશે. નવી ગાઇડલાઇન ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. નવી ગાઇડલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના મહામારીને અટકાવવામાં અત્યાર સુધી મળેલી સફળતાને જાળવી રાખવાનો છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાંક રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતાં કન્ટેનમેન્ટની વ્યૂહરચનાનું ચુસ્તતાથી પાલન જરૂરી છે. સ્થાનિક જિલ્લા, પોલીસ અને મ્યુનિસિપલ સત્તાવાળાએ કન્ટેનમેન્ટનાં પગલાંનું ચુસ્તતાથી પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે. ગૃહમંત્રાલયે કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરતાં લોકો સામે વહીવટી પગલાં સેવાની સ્વતંત્રતા પણ રાજ્ય સરકારોને આપી છે. બજારો, ગુજરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતના ભીડવાળા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ટૂંકસમયમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એસઓપી જારી કરવામાં આવશે.

શું છે ગાઇડલાઇન

૧. સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ ઝોન 

  • જિલ્લા સત્તાવાળા સાથે મળીને માઇક્રો લેવલે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવા, કન્ટેનમેન્ટ ઝોનની માહિતી જિલ્લા કલેક્ટર અને રાજ્યે વેબસાઇટ પર જાહેર કરવી
  • કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવી
  • કન્ટેનમેન્ટ ઝોનમાં મેડિકલ ઇમર્જન્સી અને આવશ્યક વસ્તુઓના સપ્લાય સિવાયની તમામ અવરજવર પર પ્રતિબંધ મૂકવો
  • કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરાવવા
  • પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ, પોઝિટિવ કેસના કોન્ટેક્ટની યાદી તૈયાર કરવી
  • કોરોનાના દર્દીઓને જેમ બને તેમ ઝડપથી હોસ્પિટલ અથવા ઘરમાં આઇસોલેટ કરવા

૨. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર

  • ફેસમાસ્ક, હેન્ડ સેનિટાઇઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવું
  • રાજ્યો ફેસમાસ્ક, હેન્ડ સેનિટાઇઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ માટે દંડની જોગવાઇ કરી શકે છે

૩. કન્ટેનમેન્ટ ઝોનની બહાર પરવાનગી

  • પ્રવાસીઓના આંતરરાષ્ટ્રીય હવાઇ પ્રવાસ
  • ૫૦ ટકા ક્ષમતા સુધી સિનેમા અને થિયેટરને પરવાનગી
  • રમતવીરોને તાલીમ માટે સ્વિમિંગ પૂલને પરવાનગી
  • બિઝનેસ ટુ બિઝનેસ હેતુઓ માટે જ એક્ઝિબિશન હોલને મંજૂરી
  • સામાજિક, ધાર્મિક, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ કાર્યક્રમોમાં હોલ ક્ષમતાના ૫૦ ટકાને જ મંજૂરી
  • રાજ્યો મહત્તમ ૧૦૦ વ્યક્તની મર્યાદા લાદી શકશે

૪. સ્થાનિક નિયંત્રણો

  • સ્થિતિની સમીક્ષાના આધારે નાઇટ કરફ્યૂ લાદી શકાશે
  • ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકાશે
  • આંતરરાજ્ય કે રાજ્યની અંદર પ્રવાસ પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં