બિહારમાં 20-22 દિવસમાં 57 બાળકોનાં મોત, લીચીને કારણે થયા મૃત્યુ?

બિહારમાં 20-22 દિવસમાં 57 બાળકોનાં મોત, લીચીને કારણે થયા મૃત્યુ?

બિહારના મુઝફ્ફરનગરમાં શંકાસ્પદ એક્યુટ ઈંસેફલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે તાવને કારણે બાળકોનાં મોતની સંખ્યા 57 થઈ ગઈ છે. મુઝફ્ફરનગર જિલ્લાના શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જ અત્યાર સુધી 46 બાળકોનાં મોત નિપજ્યા છે. તો કેજરીવાલ માતૃ સદનમાં 8 બાળકોનાં મોત થયા છે. ગુરુવારે કુલ મળીને મોતનો આંકડો 57 થઈ ગયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કુલ 179 શંકાસ્પદ એઈએસ મામલાઓ સામે આવ્યા છે. તો આ વચ્ચે એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે, શું બાળકોનાં મોત માટે લીચી તો કારણ નથી ને?

બાળકોનાં મોતની તપાસ માટે કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય એક્સપર્ટની સાત સભ્યોની ટીમ મુઝફ્ફરપુર પહોંચી છે. બિહારના સ્વાસ્થ્ય્ વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે, મોટા ભાગનાં મોત હાઈપોગ્લાઈસીમિયા (શરીરમાં અચાનક સુગરની ઊણપ)ને કારણે થયા છે. આનું કારણ આ વિસ્તારમાં ભીષણ ગરમી અને વરસાદનું ન આવવું જણાવવામાં આવી રહ્યું છે. પહેલાંનાં રિપોર્ટોમાં સ્વાસ્થ્ય એક્સપર્ટે એઈએસને કારણે થતી આ મોત પાછળ લીચીને કારણ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, મુઝફ્ફરપુરની આસપાસ થતી લિચીની ખેતીમાં ઝેરીલાં તત્વો છે, જે આ બીમારી અને મોતનું કારણ છે.

બાળકો સવારે નાસ્તામાં ખાતા હતા લીચી

ગરમીનાં દિવસોમાં આ વિસ્તારનાં ગરીબ પરિવારના બાળકો સામાન્ય રીતે નાસ્તા માટે સવારે લીચી ખાતા હતા. એવું મનાઈ રહ્યું છે કે, આ ફળ બાળકોમાં ઘાતક મેટાબોલિક બીમારી ઉભી કરે છે. જેને હાઈપોગ્લાઈસીમિયા ઈંસેફેલોપૈથી કહેવામાં આવે છે. લીચીમાં મિથાઈલ સાઈક્લોપ્રોપાઈલ-ગ્લાઈસિન (MCPG), નામનું એક કેમિકલ પણ હોય છે.

જ્યારે શરીરમાં મોડાં સુધી ભૂખ્યા રહેતાં અને પોષણની કમીને કારણે શરીરમાં સુગર લેવલ ઓછું થઈ જાય છે તો, તે મસ્તિકને પ્રભાવિત કરે છે. બિહારના સ્વાસ્થ્ય અધિકારીઓએ માતા-પિતાને સલાહ આપી છે કે, પોતાના બાળકોને ખાલી પેટ લીચી ન ખવડાવે અને અડધી પાકેલી હોય અથવા લીચી વગરનું ભોજન જ આપે.