બધાં પ્રકારનાં અપમાન SC-ST એક્ટ અંતર્ગત અપરાધ ગણાય નહીં : સુપ્રીમ

બધાં પ્રકારનાં અપમાન SC-ST એક્ટ અંતર્ગત અપરાધ ગણાય નહીં : સુપ્રીમ

। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના કાયદેસરના અધિકારોથી વંચિત કરી શકાય નહીં. એસસી-એસટી સમુદાયોને જાતિવાદ સામે સંરક્ષણ આપતા કાયદાનું અર્થઘટન કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એસસી-એસટી સમુદાયના વ્યક્તિએ ફરિયાદ કરી છે ફક્ત તેના આધારે કોઈની પણ સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત ખટલો ચલાવી શકાય નહીં.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો ફરિયાદીની તેના સમુદાયના કારણે હેરાનગતિ કરાઈ હોય તો જ આ કાયદા અંતર્ગત અપરાધ બને છે. બેન્ચ વતી ચુકાદો લખતાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફક્ત બોલાચાલી થઈ હોય તેવા કિસ્સામાં આ કાયદા અંતર્ગત અપરાધ સિદ્ધ થતો નથી. વ્યક્તિના સમુદાયના કારણે તેને હેરાન કરવાનો ઇરાદો હોવાના પુરાવા હોય તો જ ગુનો નોંધાય.

જાહેરમાં જાતિવિષયક અપમાન કરાયું હોય તો જ ગુનો

સુપ્રીમે જણાવ્યું કે, સામેની વ્યક્તિની જાતિની જાણ હોવી એ કોઈ અપરાધ નથી. કોઈપણ વ્યક્તિને કાયદા અંતર્ગત સ્થાપિત પ્રક્રિયા દ્વારા પોતાના અધિકારોની સુરક્ષાનો અધિકાર છે. અગાઉના ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જાહેરમાં થયેલું જાતિવિષયક અપમાન જ એસસી-એસટી એક્ટ અંતર્ગત અપરાધ ગણી શકાય, ચાર દીવાલની અંદર આ પ્રકારનું પગલું અપરાધ નથી.