ભારતમાં બનતી દર 3માંથી એક પેસેન્જર કાર છે ‘મેઇડ ઇન ગુજરાત’, દેશની 22 લાખમાંથી 7 લાખ ગાડી અહીં બને છે

ભારતમાં બનતી દર 3માંથી એક પેસેન્જર કાર છે ‘મેઇડ ઇન ગુજરાત’, દેશની 22 લાખમાંથી 7 લાખ ગાડી અહીં બને છે

  • ગુજરાતમાં 10 વર્ષમાં કાર કંપનીઓએ રૂ. 13,000 કરોડનું રોકાણ કર્યું છે
  • ચાર મોટી કંપની- મારુતિ સુઝુકી, ટાટા, ફોર્ડ અને MG મોટર્સ ગુજરાતમાં સક્રિય
  • હોન્ડા પણ ગુજરાતમાં પેસેન્જર વેહિકલનો પ્લાન્ટ સ્થાપવા માગે છે

પેસેન્જર કારમાં ગુજરાત હવે ધીમી, પણ મક્કમ ગતિએ દેશનું સૌથી મહત્ત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા મુજબ, વર્ષ 2019-20માં ભારતમાં 21.75 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 7.10 લાખ ગાડીનું ઉત્પાદન ગુજરાતમાં થયું હતું. આ રીતે જોઈએ તો દેશમાં બનતી દરેક ત્રીજી કાર ‘મેઇડ ઇન ગુજરાત’ છે. ટકાવારીની રીતે જોઈએ તો દેશમાં બનતી પેસેન્જર કારમાંથી લગભગ 33% કારનું પ્રોડ્ક્શન ગુજરાત કરે છે. રાજ્યમાં હાલ 4 કંપની- મારુતિ સુઝુકી, ટાટા, ફોર્ડ અને MG મોટર્સના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે. ગુજરાત સરકારના એક વરિષ્ઠ IAS અધિકારીએ જણાવ્યું હતું કે હોન્ડા પણ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા ઈચ્છુક છે અને આવતા વર્ષમાં સંભવતઃ એ અંગે કામગીરી પણ શરૂ થઈ જશે.

ગુજરાતમાં ક્યારથી થઈ શરૂઆત?

2010માં સાણંદમાં ટાટા મોટર્સે પહેલી નેનો કાર બનાવી એ સમયે ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા અને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. (ફાઈલ ફોટો)
  • 1996- અમેરિકાની એક ઓટોમોબાઇલ કંપનીએ જનરલ મોટર્સે ગુજરાતના વડોદરા નજીક હાલોલ ખાતે પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.
  • 2010- તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના સમયમાં ટાટા મોટર્સે સાણંદ ખાતે એની ડ્રીમ કાર- નેનો માટે પ્લાન્ટ સ્થાપેલો. હાલમાં ટાટાના પ્લાન્ટમાં ટિઆગો અને ટિગોર કારનું ઉત્પાદન થાય છે.
  • 2015- ફોર્ડ મોટર ઇન્ડિયાએ સાણંદમાં પોતાની કારનું ઉત્પાદન શરૂ કર્યું છે.
  • 2017- સુઝુકી મોટર કોર્પોરેશને ફેબ્રુઆરીમાં બલેનો કારનું ઉત્પાદન શરૂ કર્યું અને ત્યાર બાદ 2018માં સ્વિફ્ટ ગાડીનું પ્રોડક્શન પણ અહીં થયું છે.
  • 2017- વેચાણ ઘટતાં અને વૈશ્વિક સ્તરે આર્થિક સંકડામણ આવી પડતાં જનરલ મોટર્સે ગુજરાતમાં ઉત્પાદન બંધ કર્યું.
  • 2017-18- ચીનની MG (મોરિસ ગેરેજ) મોટરે જનરલ મોટર્સનો હાલોલ પ્લાન્ટ ટેકઓવર કર્યો અને એની વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન શરૂ કર્યું.

કઈ કંપનીના કયાં મોડેલ બને છે

  • ટાટા મોટર્સ- નેનો, ટિઆગો અને ટિગોર
  • ફોર્ડ મોટર ઇન્ડિયા- ફીગો અને એસ્પાયર
  • મારુતિ સુઝુકી- સ્વિફ્ટ અને બલેનો
  • MG મોટર- હેક્ટર, હેક્ટર પ્લસ

બે વર્ષમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 15 લાખ સુધી પહોંચી શકે છે
રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં કુલ મળીને 10.90 લાખથી વધુ પેસેન્જર કાર બનાવવાની ઉત્પાદનક્ષમતા છે. મારુતિ આગામી ટૂંક સમયમાં એક બીજી પ્રોડક્શન લાઈન ઇન્સ્ટોલ કરીને એની ઉત્પાદનક્ષમતામાં 2.50 લાખનો વધારો કરવા જઈ રહી છે. આ ઉપરાંત ફોર્ડ સાથે મળીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ગુજરાતમાં કાર બનાવવા પર કામ કરી રહી છે. અમારી ધારણા મુજબ, આવનારાં બે વર્ષમાં રાજ્યમાં કાર મેન્યુફેક્ચરિંગની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 15 લાખ સુધી પહોંચી શકે છે.

મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહેલી સ્વિફ્ટ કાર. (ફાઈલ ફોટો)

ગુજરાતમાં હાલ કંપનીઓની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી

  • મારુતિ સુઝુકી- 5 લાખ
  • ફોર્ડ મોટર કંપની- 2.40 લાખ
  • ટાટા મોટર્સ- 2.50 લાખ
  • MG મોટર- 1 લાખ

ગુજરાતમાં ઓટોમોબાઇલ્સ માટે ઇકોસિસ્ટમ બની છે
રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત પહેલેથી જ ઔદ્યોગિક શહેર રહ્યું છે. અહીં ઓટોપાર્ટ્સનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેમજ સ્કિલ્ડ મેનપાવર ઉપલબ્ધ હોઈ ટાટા, મારુતિ સુઝુકી, ફોર્ડ જેવી કાર બનાવતી કંપનીઓએ અહીં પ્લાન્ટ સ્થાપ્યા છે. ગુજરાતમાં ઓટોમોબાઇલ્સ માટે ઈકોસિસ્ટમ બની છે અને એને કારણે ઓટો સેક્ટર્સની કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાય છે.

ચીનની MG મોટરની કાર વડોદરા નજીક હાલોલના પ્લાન્ટમાં બને છે. (ફાઈલ ફોટો)

2010થી અત્યારસુધીમાં કેટલું રોકાણ આવ્યું?
ગુજરાતમાં કાર મેન્યુફેક્ચરિંગને 2009થી વેગ મળ્યો છે જ્યારે ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળમાં જમીનના વિવાદ બાદ તેની ડ્રીમ કાર નેનો પ્લાન્ટ માટે ગુજરાતમાં આવવાનું નક્કી કર્યું હતું. તે સમયે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ટાટાનો ભારે વિરોધ કર્યો હતો અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો લાભ લઈ ટાટાને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં 2010થી અત્યાર સુધીમાં ચાર કાર ઉત્પાદકો દ્વારા અંદાજે રૂ. 13,000 કરોડનું રોકાણ થયું છે.

કંપનીરોકાણ
ફોર્ડરૂ. 5,000 કરોડ
ટાટા મોટર્સરૂ. 4,500 કરોડ
MG મોટરરૂ. 2,250 કરોડ
મારુતિ સુઝુકીરૂ. 1,250 કરોડ

સોર્સ: કંપની રિપોર્ટ

હોન્ડા રૂ. 1200 કરોડનું રોકાણ કરશે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હોન્ડાનો 2-વ્હીલર પ્લાન્ટ ગુજરાતમાં આવેલો છે. હવે કંપની રાજ્યમાં એનો 4-વ્હીલર પ્લાન્ટ પણ સ્થાપવા ધારે છે. આ માટે સરકાર સાથે વાત પણ થઈ છે. હોન્ડા ગુજરાતમાં અંદાજે રૂ. 1200 કરોડનું રોકાણ કરશે અને આ નવો પ્લાન્ટ એના વિઠ્ઠલાપુર ખાતે આવેલા ઉત્પાદન એકમની બાજુમાં જ બનશે.

વધતી માગને ધ્યાનમાં રાખી વધુ કેપેસિટીના પ્લાન્ટ સ્થાપ્યા
ફોર્ડ મોટર ઇન્ડિયાના સ્પોક્સપર્સને કહ્યું હતું કે ભારતમાં અમારી કુલ 4.40 લાખ વાહનોની ઉત્પાદનક્ષમતા છે, જેમાંથી 2.40 લાખ કાર ગુજરાતમાં સાણંદ ખાતે બની શકે છે. આવનારા સમયમાં ઊભી થનારી માગને ધ્યાનમાં રાખીને અમે વધુ ઉત્પાદનક્ષમતા સાથેનો પ્લાન્ટ સ્થાપ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં 2.70 લાખ એન્જિન પણ બનાવીએ છીએ. છેલ્લાં બે વર્ષથી ઓટો સેક્ટરની સ્થિતિ ખરાબ રહી છે, એની સીધી અસર પ્રોડક્શન પર થઈ છે. કોવિડ બાદ વેચાણને પણ ઘણો ફટકો પડ્યો હતો, ખાસ કરીને એપ્રિલથી જૂન દરમિયાન સ્થિતિ ખરાબ રહી હતી, પરંતુ હવે સ્થિતિ ઘણી સુધરી છે અને અમને આશા છે કે આવતા નાણાકીય વર્ષમાં સ્થિતિમાં વધુ સુધારો થશે.

સાણંદમાં આવેલી ફોર્ડ મોટર ઇન્ડિયાના પ્લાન્ટમાં બની રહેલી કાર. (ફાઈલ ફોટો)

ઇલેક્ટ્રિક કારનું પણ ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યું છે
અન્ય દેશોની જેમ ભારત સરકાર પણ ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં હાલ ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરે છે. આમાં ટાટાની ઈ-કાર ટિગોર એના સાણંદ ખાતેના પ્લાન્ટમાં બને છે. ટાટા મોટર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલના બાબતે ટાટાની કાર સૌથી વધુ વેચાતી ગાડીઓ છે. હાલમાં ટિગોર અને નેક્સોનનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાંથી ટિગોર અમારા સાણંદ પ્લાન્ટમાં બને છે.

અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ?
ગુજરાતમાં હાલ ચાર કંપનીની કાર બને છે. કંપનીઓની સંખ્યાની બાબતમાં મહારાષ્ટ્ર ગુજરાત કરતાં આગળ છે. મહારાષ્ટ્રમાં મહિન્દ્રા, ટાટા, ફિયાટ, સ્કોડા, મર્સિડીઝ બેન્ઝ, વોક્સવેગન અને જેગુઆર જેવી કંપનીઓના પ્લાન્ટ આવેલા છે. આ સિવાય કર્ણાટકમાં ટોયોટો, મહિન્દ્રા રેવા ઈ-કાર બને છે. તામિલનાડુમાં BMW, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, ફોર્ડ મોટર્સ ઇન્ડિયા દ્વારા કારનું ઉત્પાદન થાય છે.

ભારતમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદીનો ઓછાયો
દેશમાં વીતેલાં સાત વર્ષ દરમિયાન પેસેન્જર કારનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ એમાંથી છેલ્લાં બે વર્ષમાં મંદી આવતાં પ્રોડક્શનમાં થોડો ઘટાડો થયો છે. SIAMના આંકડા જોઈએ તો વર્ષ 2013-14માં 23.22 લાખ કાર્સનું ઉત્પાદન થયું હતું, જે 2016-17માં 27 લાખ પર પહોંચ્યું હતું. જોકે વૈશ્વિક મંદીને પગલે વેચાણમાં ઘટાડો થવાથી કાર-ઉત્પાદકોએ ઉત્પાદનમાં ઘટાડો કરતાં 2019-20માં 21.75 લાખ ગાડીનું ઉત્પાદન થયું હતું. કોરોનાને કારણે આ વર્ષે વેચાણને ઘણી અસર થઇ છે, એ જોતાં 2020-21માં કારનું ઉત્પાદન 20 લાખથી પણ ઓછું થવાની ધારણા છે.

વૈશ્વિક સ્તરે કાર ઉત્પાદનમાં ભારત ચોથા ક્રમે
કારના ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે આવે છે. ગ્લોબલ ડેટા એજન્સી સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ મુજબ, ચીન, જાપાન અને જર્મની બાદ ભારતમાં સૌથી વધુ કારનું ઉત્પાદન થાય છે. વર્ષ 2016થી 2019 વચ્ચે દેશમાં કારનું ઉત્પાદન 16.8% જેટલું વધ્યું છે.

( Source – Divyabhaskar )