બાઇડેનના વિજયની શક્યતા વચ્ચે સેન્સેક્સ ૭૨૪ પોઇન્ટ્સ ઊછળ્યો

બાઇડેનના વિજયની શક્યતા વચ્ચે સેન્સેક્સ ૭૨૪ પોઇન્ટ્સ ઊછળ્યો

। અમદાવાદ ।

યુએસ પ્રમુખ પદના દાવેદાર તરીકે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન ૨૬૪ ઇલેક્ટોરલ વોટ્સ સાથે જીતની નજીક પહોંચ્યા છે ત્યારે વૈશ્વિક શેરબજારોમાં ગુરુવારે સેન્ટિમેન્ટમાં પલટો આવ્યો હતો અને ટ્રમ્પની હારને આસાનીથી પચાવતા હોય તેમ અગ્રણી બેન્ચમાર્ક્સ ૩ ટકાથી વધુનો સુધારો દર્શાવતા હતા. સ્થાનિક બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ પણ ૧.૭૮ ટકા અથવા ૭૨૪ પોઇન્ટ્સ ઊછળી ૪૧,૩૪૦ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮૭.૫૦ પોઇન્ટ્સ અથવા ૧.૫૭ ટકા ઊછળી ૧૨,૦૯૬ પર બંધ રહ્યો હતો. અગાઉ ૧૯ ફેબ્રુઆરીએ નિફ્ટીએ ૧૨,૧૦૦ પર બંધ દર્શાવ્યું હતું. જ્યાંથી કોવિડ મહામારી પાછળ માર્ચની આખરમાં તે ૭૫૧૦ના સ્તર સુધી પટકાયો હતો.

ભારત ઉપરાંત ગુરુવારે હોંગકોંગ, જાપાન, કોરિયન બજારોએ પણ ૨-૩ ટકાનો ઊંચો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે યુરોપિયન બજારોમાં એક ટકા આસપાસનો સુધારો જોવા મળતો હતો. ડાઉ ફ્યૂચર્સ ૩૦૦ પોઇન્ટ્સની મજબૂતી દર્શાવતો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે બ્લ્યૂ વેવની ગેરહાજરીમાં પણ માર્કેટ તેજીમય બન્યું હોવાનું કારણ સેનેટમાં બહુમતી મેળવવામાં ડેમોક્રેટ્સની નિષ્ફ્ળતા છે. સેનેટમાં રિપબ્લિક પાર્ટીનો અંકુશ જળવાશે અને તેથી ડેમોક્રેટ પ્રમુખ આસાનીથી ટેક્સમાં વૃદ્ધિ કરવાના તથા નવા ઈન્ડસ્ટ્રી નિયમો લાવવાના તેમના એજન્ડાને શક્ય નહીં બનાવી શકે. બ્લ્યૂ વેવની અપેક્ષા રાખવામાં આવતી હતી. સેનેટમાં અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક જ પાર્ટીની બહુમતી જોવા મળશે. જોકે હવે સ્પ્લીટ ગવર્નમેન્ટની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં જંગી ફ્સ્કિલ સ્ટીમ્યુલસની આશા પ્રબળ બની છે.