પાક.ના સાંસદનો દાવો : બાજવાના પગ ધ્રૂજતા હતા, ચહેરા પર પરસેવો હતો, ભારત હુમલો કરશે એ ડરથી પાકિસ્તાને અભિનંદનને છોડ્યા,

પાક.ના સાંસદનો દાવો : બાજવાના પગ ધ્રૂજતા હતા, ચહેરા પર પરસેવો હતો, ભારત હુમલો કરશે એ ડરથી પાકિસ્તાને અભિનંદનને છોડ્યા,

  • ભારતીય વાયુસેનાના પૂર્વ વડાએ કહ્યું- અમે પાક.ની ફોરવર્ડ બ્રિગેડ સમાપ્ત કરવાની તૈયારી કરી હતી
  • ધનોઆએ કહ્યું, પાકિસ્તાનના સાંસદ અયાઝ સાદિકની વાત સાચી છે. એ ‌વખતે અમારું વલણ ઘણું આક્રમક હતું અને અમે હુમલાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા હતા

પાકિસ્તાનના એક સાંસદે બુધવારે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો હતો કે ભારતના હુમલાના ડરથી ઈમરાન ખાન સરકારે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની એરફોર્સ વચ્ચે થયેલા હવાઈ હુમલા પછી વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધા હતા.

નેશનલ એસેમ્બ્લીમાં બુધવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-એન) નેતા અયાજ સાદિકે કહ્યું હતું કે વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ એક અગત્યની મીટિંગમાં કહ્યું હતું કે જો આપણે વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડીએ તો ભારત રાત્રે 9 વાગ્યા સુધીમાં આપણા પર હુમલો કરશે. પાકિસ્તાનના દુનિયા ન્યૂઝે સાંસદ સાદિકના હવાલાથી આ જાણકારી આપી છે.

‘મીટિંગ દરમિયાન આર્મી ચીફ ધ્રૂજી રહ્યા હતા’
પીએમએલ-એન નેતાએ વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે આ મુદ્દે કુરેશીએ પીપીપી, પીએમએલ-એન અને સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સહિત અન્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી. સાદિકે કહ્યું હતું, ‘મને યાદ છે કે મીટિંગ દરમિયાન આર્મી ચીફ બાજવા રૂમમાં આવ્યા. એ સમયે તેમના પગ ધ્રૂજી રહ્યા હતા અને તેઓ પરસેવે રેબઝેબ હતા.’

સાદિકે કહ્યું હતું- આ મીટિંગમાં સામેલ થવાનો ઈમરાન ખાને ઈનકાર કર્યો હતો. વિદેશમંત્રીએ મીટિંગમાં આર્મી ચીફને કહ્યું હતું- અલ્લાહના વાસ્તે અભિનંદનને જવા દો, નહીં તો ભારત રાતે 9 વાગ્યા સુધીમાં હુમલો કરી દેશે. દુનિયા ન્યૂઝે સાંસદ સાદિકના હવાલાથી કહ્યું હતું કે વિપક્ષે અભિનંદન સહિત તમામ મુદ્દે સરકારને સમર્થન આપ્યું છે, પણ આગળ સમર્થન નહીં આપી શકે.

https://twitter.com/vaibhavUP65/status/1321492991454769153?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1321492991454769153%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fnational%2F

ભારતીય વાયુસેનાના પૂર્વ વડાએ કહ્યું- અમે પાક.ની ફોરવર્ડ બ્રિગેડ સમાપ્ત કરવાની તૈયારી કરી હતી
પાકિસ્તાનના નેતાઓના નિવેદન પછી ભારતીય વાયુસેનાના પૂર્વ વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યું કે, પાકિસ્તાનના સાંસદ અયાઝ સાદિકની વાત સાચી છે. એ ‌વખતે અમારું વલણ ઘણું આક્રમક હતું અને અમે હુમલાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા હતા. અમે પાકિસ્તાનની ફોરવર્ડ બ્રિગેડ તબાહ કરવાની તૈયારીમાં જ હતા. અમે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવામાં સફળ રહ્યા હતા. તેથી પાકિસ્તાનને અંદાજ આવી ગયો હતો કે, ભારતીય સેના ખૂબ જ આક્રમક થઈ ગઈ છે. અભિનંદન વર્તમાનના પિતા અને મેં એકસાથે સેનામાં ફરજ બજાવી હતી. એટલે અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થઈ ગયું, ત્યારે મેં તેમને કહ્યું હતું કે અમે અભિનંદનને જરૂર ભારત પાછા લાવીશું. બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન પર દુનિયાભરમાંથી વ્યૂહાત્મક દબાણ ઊભું કરવામાં પણ ભારત સફળ રહ્યું હતું.

વિંગ કમાન્ડર અભિનંદન 1 માર્ચે વાઘા બોર્ડરથી ભારત પરત આવ્યા હતા
ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનનાં યુદ્ધ વિમાનોએ ભારતીય વાયુ સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન મિગ-21 સાથે કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 એરક્રાફ્ટને તોડી પાડ્યું હતું. આ ટક્કરમાં તેમનું વિમાન પાકિસ્તાનની તરફ જઈને તૂટી પડ્યું હતું. એ પછી વિંગ કમાન્ડર અભિનંદન 1 માર્ચે અટારી-વાઘા બોર્ડરથી ભારત પરત આવ્યા હતા.

આ તસવીર ત્યારની છે જ્યારે પાકિસ્તાની અધિકારીઓ અભિનંદનને વાઘા બોર્ડર પર પરત મૂકવા આવ્યા હતા

સંબીત પાત્રાએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
આ મુદ્દે બીજેપી પ્રવક્તા સંબીત પાત્રાએ ટ્વિટ કરતા લખ્યું છે કે, રાહુલજી તમે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક વિશે સવાલ ઉભા કરતાં હતાને? હવે જરા જુઓ કે મોદીજીનો પાકિસ્તાનમાં શું ડર છે. સરદાર અયાઝ સાદિક બોલી રહ્યા છે કે, પાકિસ્તાન નેશનલ એમ્બેસીમાં પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફના પગ ધ્રૂજી રહ્યા હતા અને તેમના ચહેરા પર પરસેવો હતો. તેમને ડર હતો કે- ક્યાંક ભારત હુમલો ન કરી દે.

સાઈબર એટેક: પાક.માં ઝૂમ પર કાશ્મીરની ચર્ચા વચ્ચે વાગ્યું…એક હી નારા, એક હી નામ, જય શ્રીરામ
પાકિસ્તાન સરકાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવે ત્યારે ફજેતીનો સામનો કરવો પડે છે. આ વખતે પાકિસ્તાનના એક અધિકારીએ ઓનલાઈન ચાલતી ઝૂમ મીટિંગમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ‘એક હી નારા, એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ’નો નારો વાગવા લાગ્યો હતો. કેટલાકને લાગ્યું કે, આ નારા અધિકારીના ઘરમાં લાગી રહ્યા છે, પરંતુ બાદમાં તેમને સમજાયું કે, આ નારા હેકરોએ વગાડ્યા હતા.