ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યો છું : અનિલ અંબાણી

ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યો છું : અનિલ અંબાણી

। મુંબઇ ।

ચીનની ૩ બેન્કો દ્વારા લંડનની હાઇકોર્ટમાં દાખલ કરાયેલા કેસની સુનાવણીમાં મુંબઇથી વીડિયોલિંક દ્વારા હાજર રહેલા અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, હું ભવ્ય અને જાજરમાન જિંદગી જીવી રહ્યો છું તેવી અટકળો ખોટી છે. હું ઘણું શિસ્તબદ્ધ જીવન જીવું છું. મારી પાસે અત્યારે નાણાં જ નથી. મારા ખર્ચાનું વહન અત્યારે મારી પત્ની અને પરિવાર કરી રહ્યાં છે. મેં વકીલોની ફી ચૂકવવા માટે મારા રૂ. ૧૦ કરોડના ઘરેણાં વેચી દીધાં છે. હું અત્યંત મોંઘી કારોમાં ફરું છું તેવી વાતો ખોટી છે. મેં માતા પાસેથી રૂ. ૫૦૦ કરોડ અને પુત્ર પાસેથી રૂ. ૩૧૦ કરોડ ઉધાર લીધાં છે. લંડનની હાઇકોર્ટમાં અનિલ અંબાણીની ૩ કલાકની પૂછપરછ દરમિયાન તેમની સંપત્તિઓ, ખર્ચ અને તેમના પરના કુલ દેવા અને જવાબદારીઓ અંગે સવાલો કરાયાં હતાં. અનિલ અંબાણીએ આ સુનાવણી બંધ બારણે ચલાવવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેમની વિનંતી નકારી કાઢી હતી. અનિલ અંબાણી પર પર્સનલ ગેરંટીના કથિત ઉલ્લંઘનનો આરોપ મુકાયો છે. પરંતુ અનિલ અંબાણીએ કોર્ટને જણાવ્યું હતું કે, મેં આ પ્રકારની કોઈ પર્સનલ ગેરંટી આપી નથી. મે મહિનામાં હાઇકોર્ટ ઓફ ઇંગ્લેન્ડના કોમર્શિયલ ડિવિઝને ચુકાદો આપ્યો હતો કે અનિલ અંબાણી પર્સનલ ગેરંટી સાથે બંધાયેલા છે અને તેમણે ત્રણે ચીની બેન્કોને૨૧ દિવસમાં ૭૧૭ મિલિયન ડોલર ચૂકવી દેવા જોઈએ. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સે વર્ષ ૨૦૧૨માં તેમની પર્સનલ ગેરંટી સાથે ચીનની બેન્કો પાસેથી રૂપિયા ૯૨૫ મિલિયન ડોલરની લોન લીધી હતી.

૩ ચીની બેન્કો દ્વારા ૯૨૫ મિલિયન ડોલરની લોનની વસૂલાત માટે કેસ

અનિલ અંબાણી સામે ચીનની ૩ બેન્કો ઇન્ડસ્ટ્રિયલ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના લિમિટેડ (મુંબઇ બ્રાન્ચ), ચાઇના ડેવલપમેન્ટ બેન્ક અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઇના દ્વારા ૯૦૦ મિલિયન ડોલરની વસૂલાત માટે લંડનની હાઇકોર્ટમાં કેસ દાખલ કરાયો છે.

હું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો નથી : અનિલ

ચીની બેન્કો વતી વકીલ બંકિમ થાનકીએ જણાવ્યું હતું કે, અનિલ અંબાણી ક્રેડિટ કાર્ડ દ્વારા હેરોદ્સ, ડોલ્સિ, ગબાના જેવા લક્ઝુરિયસ સ્ટોર્સમાંથી ખરીદી કરી રહ્યાં છે. અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, હું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો નથી.

અનિલ અંબાણીએ શું કહ્યું કોર્ટને?

  • હું શિસ્તબદ્ધ જીવન જીવું છું, હું શરાબસેવન કે ધૂમ્રપાન કરતો નથી
  • હું મારા ભાઇ મુકેશની માલિકીના મકાનમાં ભાડું ચૂકવ્યાં વિના વસવાટ કરી રહ્યો છું
  • મારી પાસે લક્ઝરી કારોના નથી, હું ફક્ત એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું
  • હું મારા પરિવાર અને કંપની પ્રત્યે પ્રતિબદ્ધ છું અને મેરેથોન રનર પણ રહી ચૂક્યો છું
  • હું આજીવન શાકાહારી રહ્યો છું અને બહાર જઈ આનંદ કરવાના બદલે ઘરમાં જ બાળકો સાથે મૂવી જોઉં છું