UN75: ઇમરાનના ‘કાશ્મીર રાગ’ પર ભારતનો સણસણતો જવાબ, PoK ખાલી કરો

UN75: ઇમરાનના ‘કાશ્મીર રાગ’ પર ભારતનો સણસણતો જવાબ, PoK ખાલી કરો

યુએનની 75 મી વર્ષગાંઠ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વાર પોતાના ભાષણમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. શનિવારે ભારતે જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. એટલું જ નહીં ભારતે પાકિસ્તાનને પીઓકેના ગેરકાયદેસર પચાવી પાડેલી જગ્યા ખાલી કરવા પણ કહ્યું છે. શનિવારે, યુએનને જવાબ આપવા માટે ભારતના અધિકારનો ઉપયોગ કરતા ભારત મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ કહ્યું કે હવે કાશ્મીર પર માત્ર પીઓકેની વાત જ બચી છે.

આ સિવાય મિજિતોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારત વિરુદ્ધ ‘જુઠ્ઠાણા’ ફેલાવવાનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે આતંકવાદ પર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. ઇમરાન ખાનને નિશાન બનાવતા મિજિતોએ કહ્યું કે યુએન પ્લેટફોર્મ પર આજે એક નેતાએ ઝેર ઓકયું છે, જેમણે પોતે સ્વીકાર્યું છે કે આતંકવાદીઓ તેમના દેશમાં તાલીમ મેળવે છે.

ભારતની તરફથી પાકિસ્તાનને જવાબ આપતા મિજિતોએ કહ્યું કે પાકિસ્તાનના નેતાએ આજે ​​કહ્યું હતું કે આવા લોકો જે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરે છે તેમને ગેરકાયદેસર જાહેર કરી દેવા જોઈએ. જ્યારે તેમણે એવું કહ્યું ત્યારે અમને ખૂબ આશ્ચર્ય થયું. શું તેઓ પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા? મિઝિતોએ વધુમાં કહ્યું કે આ સભા એ સતત એક એવી વ્યક્તિ (પાકિસ્તાનના વડા પ્રધાન)ની વાત સાંભળી છે જેની પાસે આજે પોતાને દેખાડવા માટે કંઈ જ નથી. એવી કોઈ સિદ્ધિ નહોતી જેના પર તે બોલી શકે. દુનિયા માટે તેમની પાસે કોઈ સૂચનો નહોતા.

પાકિસ્તાને માની હતી આતંકવાદીઓને તાલીમ આપવાની વાત

અમે જોયું કે આ એસેમ્બલીના માધ્યમથી જુઠ્ઠાંણા, ખોટી માહિતી, યુદ્ધની ધમકીઓ અને દ્વેષ ફેલાવાનું કામ કર્યું. આ એ જ દેશ છે જે ખૂંખાર અને લિસ્ટેડ આતંકવાદીઓને સ્ટેટ ફંડમાંથી પેન્શન આપે છે. આજે આપણે જે નેતાને સાંભળ્યા તે જ વ્યક્તિ છે જેમણે જુલાઈમાં સંસદમાં થયેલી ચર્ચામાં આતંકી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યા હતા. તેમણે આજે ફરીથી ઝેર ઓકયું છે, તે જ નેતા છે જેમણે વર્ષ 2019 માં યુ.એસ.માં જાહેરમાં માન્યું હતું કે તેમના દેશમાં હજી પણ 30-40 હજાર આતંકવાદીઓ છે. તેમને પાકિસ્તાન દ્વારા તાલીમ આપવામાં આવે છે અને અફઘાનિસ્તાન તથા ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ‘યુદ્ધ’ લડી રહ્યા છે.

કાશ્મીર પર જવાબ

ઇમરાન ખાને કાશ્મીરને લઈને ઉભા કરેલા પ્રશ્નના જવાબમાં સેક્રેટરીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેમણે કહ્યું કે કાશ્મીરને લઈને જે પણ વિવાદ બાકી છે તે પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જાને લઇ છે. અમે પાકિસ્તાને ચેતવણી આપી છે કે તેમણે ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારોને ખાલી કરી દો.

ઇમરાને લગાવ્યા હતા ખોટા આક્ષેપો

આપને જણાવી દઈએ કે શુક્રવારે યુએનમાં બોલતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય સૈન્ય પર પણ ઘણા ખોટા આરોપો લગાવ્યા છે. તે સમયે યુએનજીએના કોન્ફરન્સ હોલમાં હાજર ભારતીય રાજદ્વારીએ ઇમરાન સામે વિરોધ નોંધાવતા વોકઆઉટ કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાંધતા ખાને કહ્યું કે આરએસએસ ગાંધી અને નહેરુના બિનસાંપ્રદાયિક મૂલ્યોને પાછળ રાખી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. તેમણે કાશ્મીરનો રાગ આલાપતા કહ્યું કે ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો છે અને ત્યાંના લોકોના માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના ઠરાવ હેઠળ સમાધાન શોધવું જ જોઇએ. કલમ 37૦ નાબૂદ કરવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેનાથી કાશ્મીરી લોકોના અધિકારોને નાબૂદ કરાયા છે.