વિશ્વમાં 400 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થશે : ચીનના નિષ્ણાતનો દાવો

વિશ્વમાં 400 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થશે : ચીનના નિષ્ણાતનો દાવો

। જિનિવા / વોશિંગ્ટન ।

ચીનનાં શ્વાસને લગતા રોગોનાં નિષ્ણાત ઝોંગ નાનશાને જણાવ્યું હતું કે જો કોરોના વાઈરસને ફેલાતો રોકવામાં નહીં આવે તો વિશ્વની ૬૦થી ૭૦ ટકા વસ્તી એટલે કે આશરે ૪ અબજ લોકો તેનાં સંક્રમણમાં આવશે અને ૬.૯૫ ટકા લોકોનાં મોત થશે. કોરોના મહામારીને રોકવા આખા વિશ્વમાં મોટાપાયે વેક્સિન લગાવવાનો કાર્યક્રમ ચલાવવો પડશે જે ૧થી ૨ વર્ષ ચાલશે. કોરોનાનું સંક્રમણ વધતા યુરોપનાં દેશોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે તેમ યુરોપનાં ઉઁર્ંનાં રિજનલ ડિરેકટર હેન્સ ક્લુગે જણાવ્યું હતું. યુરોપમાં બીજા તબક્કાનું લોકડાઉન લાદવા તૈયારી શરૂ કરાઈ છે.

વિશ્વમાં કોરોનાનાં સંક્રમિતોની કુલ સંખ્યા ૩ કરોડને પાર

આખા વિશ્વમાં કોરોનાનાં સંક્રમિતોની કુલ સંખ્યા ૩ કરોડને પાર થઈને  ૩.૦૪,૧૨,૨૬૮ થઈ છે જ્યારે ૯,૫૧,૫૭૬ લોકોનો કોરોનાએ ભોગ  લીધો છે. સારવાર પછી ૨,૨૦,૯૫,૦૦૧ લોકો સાજા થયા છે. ૭૩,૬૫,૬૯૧  કેસ એક્ટિવ છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩,૧૪,૯૫૬ કેસ નોંધાયા છે  જ્યારે ૫૫૬૮નાં મોત થયા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા  ૬૮,૭૯,૬૭૫ થઈ છે.

બ્રિટનમાં શુક્રવારથી નવા પ્રતિબંધો અમલી બન્યા

બ્રિટનમાં વડા પ્રધાન બોરિસ જ્હોનસને લોકોને કોરોનાનાં નિયમોનું પાલન કરવા ચેતવણી આપી હતી. કોરોનાનાં કેસ વધતા ત્યાં શુક્રવારથી નવા પ્રતિબંધો અમલી બનાવવામાં આવ્યા હતા. ન્યૂ કેસલ અને સુંદરલેન્ડ તેમજ ઉત્તર પૂર્વ ઈંગ્લેન્ડનાં ૨૦ લાખ લોકો પર ઘરની બહાર નીકળવા પ્રતિબંધ મુકાયો હતો. બારમાં ફક્ત ટેબલ સર્વિસને જ મંજૂરી અપાઈ હતી.