H-1બી વિઝા પ્રતિબંધ પર સ્ટે આપવા અમેરિકી કોર્ટનો ઇનકાર

H-1બી વિઝા પ્રતિબંધ પર સ્ટે આપવા અમેરિકી કોર્ટનો ઇનકાર

। ન્યૂયોર્ક ।

અમેરિકી ન્યાયમૂર્તિએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા એચ-૧બી, એલ-૧ અને અન્ય હંગામી નન-ઇમિગ્રન્ટ વર્ક પરમિટ પર આપવાની પ્રક્રિયાને હંગામી ધોરણે મોકૂફ રાખવા થયેલા આદેશના અમલ સામે વચગાળાનો મનાઈહુકમ આપવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે પ્રમુખના આદેશને કારણે કોઈ ખોટ પૂરી ના શકાય તેવું નુકસાન નથી થતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૨ જૂનના રોજ નવા એચ-૧બી, એચ-૪, એલ-૧ વિઝા સહિતના વિઝાઇશ્યૂ કરવા સામે હંગામી મનાઈ ફરમાવતા વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ અનિલ મહેતાએ વોશિંગ્ટનમાં આ હંગામી પ્રતિબંધ સામે વચગાળાનો મનાઈહુકમ આપવા ઇનકાર કર્યો છે. અરજદારોને અમેરિકી પ્રમુખ દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ અંગેના કેસમાં કોર્ટના ચુકાદાની પ્રતીક્ષા છે.

૫૦ અમેરિકી કંપની દ્વારા અરજીને સમર્થન 

માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબૂક સહિતની ૫૦ જેટલી અમેરિકી કંપની વિઝા પ્રતિબંધને પડકારતાં કોર્ટમાં દાખલ થયેલા આ કેસ સાથે બ્રીફ રજૂ કરી ચૂકી છે. આ કંપનીઓ કોર્ટને જણાવી ચૂકી છે કે વિઝા નિયંત્રણો અમેરિકી રોજગારીની તકોને બચાવવાને બદલે અમેરિકી બિઝનેસને નુકસાન પહોંચાડશે.