સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું – બાળક માતા-પિતા સાથે રહે એ જરૂરી, નહીં કે નાના-નાની સાથે

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું – બાળક માતા-પિતા સાથે રહે એ જરૂરી, નહીં કે નાના-નાની સાથે

એક બાળક માટે તેનાં નાના-નાની સાથે રહેવાથી અનેકગણું વધારે મહત્ત્વપૂર્ણ હોય છે તેનાં માતા-પિતા સાથે રહેવાનું. માતા-પિતા સાથે રહેવાથી બાળક ઘણું બધું શીખે છે. આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે મંગળવારે 7 વર્ષના બાળકની કસ્ટડી મામલે સુનાવણી કરતી વખતે કરી હતી. તેમણે બાળકને વિડિયો- કોન્ફરન્સિંગમાં બોલાવી તેની સાથે વાતચીત પણ કરી હતી.

બાળકની કસ્ટડીને લઈને અલગ-અલગ રહેતાં પતિ-પત્ની વચ્ચેનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલના સમયે બાળક તેની માતા તથા નાના-નાની સાથે રહે છે. જસ્ટિસ ચંદ્રચૂડે મંગળવારે આ મામલે સુનાવણી શરૂ થતાં જ કહ્યું હતું કે તેમને એ જરાય પસંદ નથી કે બાળકને એક રીતે નાના-નાની પર થોપી દેવામાં આવે. નાના-નાની સાથે બાળક ત્યારે રહેવું જોઈએ જ્યારે તે બાળક સાથે જાતે રહેવા માગતું હોય. તેમને એટલા માટે બાળક સાથે ન રહેવું જોઇએ કે તેમને બાળકની દેખરેખ કરવાની જરૂર છે. બાળકનું માતા-પિતા સાથે રહેવું વધારે જરૂરી હોય છે, નહીં કે નાના-નાની સાથે. બાળકના પિતાએ દલીલ કરી હતી કે તે હંમેશાં ઈચ્છતા હતા કે પત્નીને પાછી ઘરે લઈ આવે, જેનાથી બાળકને માતા-પિતા બંનેનો પ્રેમ મળે. તેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે તેના માટે એ પણ જરૂરી હોવું જોઈએ કે તમારી પત્ની પણ તમારી સાથે જવા રાજી હોય.