1994માં ખોટી રીતે વટાવેલા રૂ. 2242ના ચેક બદલ રૂપિયા 55 લાખ ચૂકવવા તૈયાર!

1994માં ખોટી રીતે વટાવેલા રૂ. 2242ના ચેક બદલ રૂપિયા 55 લાખ ચૂકવવા તૈયાર!

। નવી દિલ્હી ।

વર્ષ ૧૯૯૪માં રૂપિયા ૨,૨૪૨નો ચેક ખોટી રીતે વટાવી લેનારા આરોપીએ પતાવટ માટે કુલ રૂપિયા ૫૫ લાખ ભરવા કરેલી કોર્ટની ઓફરનો સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ આરોપી મહેન્દ્રકુમાર શારદા બે દાયકા સુધી ન્યાય પ્રક્રિયાનો ઉપયોગ કર્યા બદલ રૂપિયા પાંચ લાખનો દંડ અને ફરિયાદની પતાવટ પેટે રૂપિયા ૫૦ લાખ ભરે તો આરોપો પડતા મૂકવા સહમત થઈ છે. આરોપી સામે મૂકવામાં આવેલા આક્ષેપ મુજબ તે મે ૧૯૯૨ સુધી દિલ્હી શેર બજારના સભ્ય અને ફરિયાદી હરિ ઓમ મહેશ્વરીને ત્યાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તે પછી ૧૯૯૭માં મહેશ્વરીએ દિલ્હીના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કમિશન અને બ્રોકરેજ પેટે મળેલો રૂપિયા ૨૨૪૨.૫૦નો ચેક શારદાના હાથમાં પહોંચી ગયો હતો. તેમણે મહેશ્વરી કંપનીના નામે ખોટી રીતે ખાતું ખોલાવીને તે ચેક વટાવી લીધો હતો.

શારદાએ આરંભે તો છેતરપિંડીના આક્ષેપો ફગાવી દીધા હતા, પરંતુ આખરે કેસની પતાવટ માટે સહમતી જાહેર કરી હતી. પરંતુ દિલ્હી હાઇકોર્ટે જુલાઇમાં આદેશ કરતાં આરોપો પડતાં મૂકવા ઇનકાર કરી દીધો હતો.