ઓનલાઈન ફ્રોડથી બચવું છે તો અપનાવો આ ટિપ્સ, સાઈબર એક્સપર્ટની સલાહ જીવનભર કામ લાગશે

ઓનલાઈન ફ્રોડથી બચવું છે તો અપનાવો આ ટિપ્સ, સાઈબર એક્સપર્ટની સલાહ જીવનભર કામ લાગશે

કોરોના કાળ બાદ હાલના સમયમાં લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. તો સાથે સાથે સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઓનલાઇન ફ્રોડ કરતા ગઠિયાઓ હવે ગુગલ પરથી જો તમે કોઇ કસ્ટમર કેરનો નંબર મેળવીને ફોન કરી છેતરપિંડી કરી રહ્યાં છે. ઓનલાઈન ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ સાઈબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા તમને જણાવશે કે, સાઈબર ક્રાઈમનો ભોગ બનતાં કેવી રીતે અટકાવી શકાય છે.

ઓનલાઈન ક્રેડિટ-ડેબિટ કાર્ડ ફ્રોડ

સાઈબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયાએ જણાવ્યું કે, ઠગબાજો ફોન પર બેંક અધિકારીઓની ખોટી ઓળખ આપીને મોબાઈલમાં આવેલાં ઓટીપી નંબરના આધારે તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરી શકે છે. જેથી તમારે તમારો ઓટીપી નંબર ક્યારેય પણ કોઈ વ્યક્તિને આપવો જોઈએ નહીં.

નોકરી આપવાની લાલચે ફ્રોડ

તો બેરોજગાર લોકો નોકરી માટે અલગ અલગ વેબસાઈટ પર એપ્લાય કરતાં હોય છે. ઠગબાજો આવાં યુવકોને નોકરી અપાવવાની લાલચ આપી પ્રોસેસિંગ ફીના નામે પૈસા પડાવે છે. ક્યારેય નોકરી-ધંધાની લાલચમાં કોઈપણ પ્રકારની ફી કે રકમ ટ્રાન્સફર ન કરવી જોઈએ.

લોન અપાવવાના નામે ફ્રોડ

લોન મેળવવા માટે પણ આપણે ઘણી મથામણ કરતાં હોઈએ છીએ. સાઈબર અપરાધીઓ તમને જુદી-જુદી બેંકમાં લોન અપાવવાના બહાને રજીસ્ટ્રેશન, પ્રોસેસ ફી, ટેક્સ, જીએસટી વગેરે માટે ચાર્જના નામે પૈસા પડાવે છે. ધ્યાન રાખો કે બેંક ક્યારેય પણ લોન આપતાં પહેલાં ચાર્જના નામે કોઈપણ જાતની ફી વસૂલતી નથી.

લોટરી/ઈનામના બહાને ફ્રોડ

ઓનલાઈન ઠગબાજો તમને મોટી લોટરી કે ઈનામ લાગ્યું છે તેવી ઓફર આપીને ઠગાઈ કરે છે. અને ઈનામ કે લોટરી લેવા માટે જુદા-જુદા ચાર્જ પેટે તમારી પાસેથી પૈસા પડાવી લે છે. કેટલીય વાર વિદેશથી ઈનામ પાર્સલ કરાવવાના બહાને પણ પૈસા પડાવવામાં આવે છે. જેથી આ પ્રકારની કોઈ સ્કીમથી તમારે બચવું જોઈએ.

સોશિયલ મીડિયા ફ્રોડ

તો સોશિયલ મીડિયામાં કોઈપણ પોસ્ટ કે સ્ટેટસ મુકતાં પહેલાં પણ તમારે સાવધાન થવાની જરૂર છે. સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયાએ જણાવ્યું હતું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારીપૂર્વક થાય તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

ઈન્ટરેનેટ પર ગુગલ સર્ચ, ઓનલાઈન બેકિંગ સ્કેમ

સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયાનું કહેવું છે કે, અત્યારે મોટાભાગના લોકો માટે ઇન્ટરનેટ એટલે ગુગલ સર્ચ કરવું અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો તેવું નથી રહ્યું તેના કરતાં ઘણું બધું વધી ગયું છે અને આજના સમયની અંદર લોકો દ્વારા ઇન્ટરનેટ પણ પર ઘણી બધી સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે કે ઓનલાઈન ટિકિટ બુક કરવી, બેન્કિંગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરવી વગેરે. આ બધી વસ્તુઓને કારણે યુઝર્સને ગ્રાહકોનું જીવન ખૂબ જ સરળ બને છે પરંતુ તેની સાથે અમુક વસ્તુ એવી છે કે જેનું ધ્યાન રાખવું પડતું હોય છે ઓનલાઇન ફ્રોડ બેકિંગ સ્કેમ વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારની સાયબર ક્રાઈમની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકાય છે

સાયબર એક્સપર્ટે વધુમાં જણાવ્યું કે, ટેક્નોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. આવા લોકો સામાન્ય પ્રજાની કોઇ પણ પ્રકારે છેતરપીંડી ના કરે તે હેતુથી ગુજરાત સરકારે gujaratcybercrime.org (https://gujaratcybercrime.org/) નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનિટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે છે.

સાયબર ક્રાઈમ સામે કેન્દ્ર સરકારની વેબસાઈટ પર પણ ફરિયાદ નોધાવી શકાય છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. તમે કેન્દ્ર સરકારની cybercrime.gov.in (https://cybercrime.gov.in/) આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઊભાં થય છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેક્નોલોજીનો મહતમ ઉપયોગ જરૂરી છે. સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે.

છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ નોઁધાવી શકો છો

ઉલ્લેખનીય છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા હોય ઈન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડયા હોય કે, ઓ.એલ.એક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે. આ પ્રકારની ફરિયાદ નોંધવા માટે ભારત સરકાર દ્વારા એક નવી વેબસાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે કે જેની અંદર નાગરિકો પોતાના સાયબર ક્રાઇમની ફરિયાદોને ઓનલાઇન તેમના પોર્ટલ પર રજિસ્ટર કરાવી શકે છે અને તે કમ્પ્લેઇનની અંદર કેટલો પ્રોગ્રેસ થયો છે તે પણ જાણી શકે છે. કે જે તમારી સાથે ક્યારેય પણ આ પ્રકારનો કોઈપણ ઓનલાઇન ફ્રોડ અથવા સ્કેમ થયો હોય તમારી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકો છો.