ઠગ્સ ઓફ ઓનલાઈન: પોતાને લાચાર બતાવી મહિલાએ લોકોથી પડાવી લીધા રૂ.35 લાખ

ઠગ્સ ઓફ ઓનલાઈન: પોતાને લાચાર બતાવી મહિલાએ લોકોથી પડાવી લીધા રૂ.35 લાખ

સંયુક્ત અરબ અમીરાત(UAE)માં લોકો સાથે છેતરપિંડી કરવાના મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પર આરોપ છે કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને એક અસફળ વૈવાહિક જીવનની શિકાર બતાવી તેના બાળકોના ઉછેર માટે લોકોથી મદદની અપીલ કરી અને 50 હજાર ડોલર(આશરે 35 લાખ) પડાવી લીધા.

મીડિયા રિપોર્ટ મુજબ દુબઈ પોલીસના એક અધિકારીએ રવિવારે કહ્યું કે મહિલાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર તેની પોસ્ટના માધ્યમથી કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે અને માત્ર 17 દિવસોમાં આ મૂડી એકત્ર કરી છે. ઉપરાંત અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે મહિલાએ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવ્યા અને પછી બાળકોની તસવીરો પોસ્ટ કરી તેમના ઉછેર માટે આર્થિક મદદની માગ કરી. તે લોકોને કહેતી હતી કે તેના છૂટાછેડા થયા છે અને પોતે બાળકોનો ઉછેર કરી રહી છે.

પરંતુ જ્યારે તેના કેટલાક સંબંધીઓ અને મિત્રો દ્વારા તેના પતિને આ વિશે જાણ કરવામાં આવી તો પતિએ ક્રાઇમ ફોરમના માધ્યમથી આ છેતરપિંડી વિશે સૂચના આપી અને સાબિત કર્યું કે બાળકો તેની સાથે રહી રહ્યા છે. આ સંબંધમાં હવે સ્થાનિક પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને સાથે લોકોને અપીલ પણ કરી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ આ રીતે પૈસાની માગ કરે તો ભાવુક થઈ મદદ ન કરે. અધિકારીએ કહ્યું કે ઓનલાઇન આ રીતે ભીખ માંગવી એક અપરાધ છે. કેટલાક ઢોંગી માણસો લોકોની લાગણીઓનો ફાયદો ઉઠાવી તેમની સાથે છેતરપિંડી કરે છે.