લોકસભા ચૂંટણીમાં અધધ….60000 કરોડ ખર્ચાયા, જાણો તમારા એક મતની કિંમત

લોકસભા ચૂંટણીમાં અધધ….60000 કરોડ ખર્ચાયા, જાણો તમારા એક મતની કિંમત

લોકસભા ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ભવ્ય વિજય મેળવનાર મોદી સરકારે કાર્યભાર સંભાળી લીધો છે.

જોકે આ ચૂંટણીમાં રાજકીયપક્ષોએ પાણીની જેમ વહાવેલા પૈસાના કારણે ખર્ચના તમામ રેકોર્ડ તુટી ગયા છે.સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ નામની સંસ્થાએ પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે આ ચૂંટણીમાં 60000 કરોડ રુપિયા વપરાયા છે.તેની સામે જેટલા ભારતીયોએ મતદાન કર્યુ છે તેને ગણતરીમાં લેવામાં આવે તો દરેક ભારતીયના વોટ પાછળ 700 રુપિયા ખર્ચ થયો છે.

આ સંસ્થાના સ્ટડી પ્રમાણે દરેક લોકસભા બેઠક પર સરેરાશ 100 કરોડ રુપિયાથી વધારે પૈસા વપરાયા છે.ભારતના ઈતિહાસની આ સૌથી મોંઘી ચૂંટણી રહી છે.2014માં લોકસભા ચૂંટણીમાં 30000 કરોડ રુપિયા વપરાયા હોવાનો અંદાજ હતો પણ 2019માં આ ખર્ચ બમણો થઈ ગયો છે.

કદાચ આ ચૂંટણી ભારતની જ નહી પણ દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી રહી છે.સ્ટડીમાં દાવો કરાયો છે કે, 60000 કરોડ પૈકી 12000 થી 15000 કરોડનો ખર્ચ તો લોકોને રોકડ રકમ વહેંચવામાં અને ખાણીપીણી પાછળ કરાય છે.જ્યારે ઉમેદવારોએ 20000 થી 25000 કરોડ રુપિયા પોતાનો પ્રચાર કરવા માટે ખર્ચયા હતા.ચૂંટણી પંચના હિસાબ પ્રમાણે 10000 થી 12000 કરોડ રુપિયા ખર્ચાયા છે.બધુ મળીને રકમ 55000 થી 60000 કરોડ રુપિયા થવા જાય છે.

ચૂંટણી પંચ એક  ઉમેદવારને 70 લાખ રુપિયા ખર્ચવા માટે મંજૂરી આપે છે.આ હિસાબે તમામ ઉમેદવારોએ આ મર્યાદામાં ખર્ચ કર્યો હોય તો પણ તેનો સરવાળો લગભગ 12000 કરોડ રુપિયા થવા જાય છે.