હવે મોટર એક્સિડેન્ટના ખોટાં ક્લેઈમ કરતાં સાવધાન, સરકારે કરી SITની સ્થાપના

હવે મોટર એક્સિડેન્ટના ખોટાં ક્લેઈમ કરતાં સાવધાન, સરકારે કરી SITની સ્થાપના

। અમદાવાદ ।

રાજ્યમાં વધી રહેલા ખોટા મોટર એક્સિડેન્ટ ક્લેઇમના કેસ અને બારોબાર વીમા કંપનીના નાણાં ઓળવી જવાના કિસ્સાનું પ્રમાણ વધી જવા છતાં તેની તપાસ માટે સરકાર તરફથી કોઈ જ ગંભીર પ્રયાસો ન થયા અને માત્ર સ્પેશિયલ સ્ક્રૂટિની ટીમની રચના કરી દાંત વગરનો વાઘ ઊભો કર્યો તેને હાઈકોર્ટે ફગાવી દીધો અને ડીઆઈજી કક્ષાના પોલીસ અધિકારીના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવાનો આદેશ કર્યો. જેના પગલે આખરે સરકારે સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશકના અધ્યક્ષપદે સમગ્ર રાજ્યમાં મોટર એક્સિડેન્ટ કલેઇમ  ટ્રિબ્યૂનલ સમક્ષ મોટર વ્હિકલ એક્ટ અવન્યે થતા ખોટા અને SITની રચના કરી છે.

મોટર એક્સિડેન્ટ ટ્રિબ્યૂનલ (MACT)માં મોટર વ્હિકલ એક્ટ હેઠળ દાખલ થતાં ખોટો કેસોને રોકવા અને આવા કેસોની ચકાસણી માટે SITની રચના કરવામાં આવે છે. SITમાં એક પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક બે, સીટના અધ્યક્ષની પસંદગીના ચાર પોલીસ ઇન્સ્પેકટર, ચાર પીએસઆઈ, સાત હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ અને એક નિષ્ણાત તબીબનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસઆઈટીની કામગીરી શું રહેશે  

SITની કામગીરીમાં જિલ્લા સરકારી વકીલ અને જિલ્લાના ન્યાયાધીશોએ શકય હોય તે તમામ સહાય કરવાની રહેશે. SITના તમામ રેકર્ડ જોવા માટે ડિસ્ટ્રિક્ટ જજો, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, હોસ્પિટલના સીએમઓ, સીએમએસ મંજૂરી આપી પૂર્ણ સહકાર આપવાનો રહેશે.

રાજ્યભરમાં તપાસની સત્તા 

SITના કાર્યક્ષેત્રને જિલ્લા અને કમિશનર વિસ્તારમાં વિભાજિત કરી શકાશે નહીં. પરંતુ તેનું કાર્યક્ષેત્ર સમગ્ર રાજ્યમાં રહેશે. બોગસ અને ખોટા દાવાઓમાં યોગ્ય તપાસ માટે જરૂરી પુરાવા અને રેકર્ડ સાથે વીમા કંપની પોતે જ SITનો સપર્ક કરી શકશે.

SITને ચાર માસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે  

સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ દેખીતા બોગસ કે ખોટા દાવાઓ અંગે ફરિયાદ નોંધવામાં આવી હોય ત્યારે તાત્કાલિક તપાસ શરૂ કરશે. આ માટે વીમા કંપનીએ કોઈપણ પોલીસ મથકમાં જાણ કરવાની જરૂરિયાત નથી. એસઆઈટીએ ઉત્તમ પ્રયત્ન કરી ચાર માસની અંદર તપાસ પૂર્ણ કરવાની રહેશે.

કેમ SIT ની રચના કરવી પડી  

મોટર વ્હિકલ એકટ સહિત અન્ય મુદ્દે બોગસ કલેઇમો પાસ કરવા અંગે ICICI લોમ્બાર્ડ ઇન્સ્યોરન્સ કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરી હતી.જેમાં હાઈકોર્ટે બોગસ ક્લેઇમો કેવી રીતે પાસ કરાવવામાં આવી રહ્યા સહિતના મુદ્દે છણાવટ કરવામાં આવી હતી એટલું જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં બોગસ ક્લેઇમો કરોડો રૂપિયાના પાસ કરવાનું રેકેટ ચાલી રહ્યું છે.આ માટે SITની રચના કરીને એક જ એજન્સી દ્વારા તપાસ થાય તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. યુપીમાં MACTના બોગસ ૨૬ કરોડના કેસોમાં SITની તપાસમાં ખુલ્યા હતા.જેની સુપ્રીમ કોર્ટે પ્રસન્ના કરી હતી. આ રીતે ગુજરાતમાં MACTના બોગસ કેસોની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવી જોઈએ.

મરણતોલ હાલતમાં જીવતા દારૂડિયાના નામે વીમો પકવવાનું કૌભાંડ

દારૂડિયાના વીમા, અકાળે મૃત્યુ થતાં કરોડોના વીમાનું કૌભાંડ દારૂની લતે લાગેલાનો વીમો ઉતારીને તેમને અકાળે મોત આપ્યા પછી તેમની લાખો રૂપિયાની પોલિસીની રકમ ચાંઉ કરીને આપસમાં વહેંચી લેવાની એક સાજિસ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહી છે. મૃત્યુ પામેલા માણસોના બીજી જગ્યાના મરણ સર્ટિફિકેટ વીમા કંપનીમાં રજૂ કરીને અને જે માણસનો જન્મ જ ના થયો તેના જન્મના દાખલા સહિતના રેકર્ડ કઢાવીને ભૂતિયા વીમા ઉતારીને વીમા મેળવી લેવામાં આવ્યાના ચાંકાવનારા કિસ્સાઓ બહાર આવવા પામ્યા છે. જો કે, વીમા કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરો સાથે સાઠગાંઠ રચીને ગુજરાતભરમાંથી એક હજાર કરોડથી વધુ રૂપિયાના વીમા પકાવવામાં આવ્યા છે.