ભારતની સ્વાતંત્રતા માટે 15મી ઓગષ્ટ જ કેમ નક્કી કરાઈ ?

ભારતની સ્વાતંત્રતા માટે 15મી ઓગષ્ટ જ કેમ નક્કી કરાઈ ?

૧૫મી ઓગષ્ટ આવે એટલે દેશની આઝાદીને લગતા સંખ્યાબંધ સવાલો મનમાં ઘૂમરાતા હોય છે. ભારતની આઝાદીનો દિવસ ૧૫મી ઓગષ્ટ જ કેમ નક્કી થયો ? આઝાદીનુ વર્ષ ૧૯૪૭નું જ કેમ નક્કી થયું ? દેશના પ્રથમ વડાપ્રધાન બનેલા જવાહરલાલ નહેરુએ આઝાદ ભારતને સંબંધોતું તેમનું વડાપ્રધાન તરીકેનું પ્રથમ પ્રવચન રાત્રે ૧૨ વાગ્યે જ કેમ આપ્યુ ? આ બધા પ્રશ્નો એવા છે કે તેના જવાબો ભારતની આઝાદીનો ઈતિહાસના પાના ફેરવતા પણ કદાચ ના મળે. અને આજના યુવાનોને આવા પ્રશ્નો સ્વાભાવિક રીતે થતા હોય છે જેના જવાબ વડીલો પાસે પણ હોતા નથી.

ભારતની આઝાદીની ૭૪મી વર્ષગાંઠ નિમિત્તે ભારતની આઝાદીની તારીખો કેવી રીતે નક્કી થઈ તેના ઈતિહાસમાં એક ડોકિયું કરવાની તક સાંપડી છે. એવું ન હતું કે ભારતની આઝાદીની તારીખ ૧૫મી ઓગષ્ટ પહેલેથી જ નક્કી હતી. ભારતને આઝાદી અપાવવા અને બ્રિટનની સત્તાઓ આઝાદ ભારતના નેતાઓને સોંપવા માટે જવાબદાર ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન ૩૦ જૂન ૧૯૪૮ના દિવસે ભારતને આઝાદી આપવા માગતા હતાં. જ્યારે જવાહરલાલ નહેરુના મનમાં દેશની આઝાદી માટે ૨૬મી જાન્યુઆરી ફીક્સ હતી. પરંતુ આ બંને જવાબદારોમાંથી એકનીય તારીખ ફિક્સ ના થઈ અને ૧૫મી ઓગષ્ટ દેશના આઝાદી માટે નક્કી થઈ.

કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા પછી જવાહરલાલ નહેરુએ પહેલીવાર ૧૯૨૯ માં બ્રિટિશ સરકાર સામે પૂર્ણ સ્વરાજ્યની માંગ કરી હતી અને ૨૬મી જાન્યુઆરીએ સ્વતંત્ર દિવસ મનાવવાની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારબાદ ૧૯૩૦થી કોંગ્રેસ ૨૬ મી જાન્યુઆરીએ સ્વાતંત્રતા દિવસ મનાવતી હતી. નહેરુના મનમાં પણ દેશના સ્વાતંત્રતા દિવસ ૨૬મી જાન્યુઆરીએ ઉજવાય તેવી ઈચ્છા હતી પરંતુ તે ના થઈ શકી. પછી જ્યારે દેશનું બંધારણ ૧૯૫૦માં અસ્તિત્વમાં આવ્યુ ત્યારે ગણતંત્ર દિવસ તરીકે ૨૬મી જાન્યુઆરી ઉજવવાનું શરૂ કરાયું.

દેશને સ્વાતંત્રતા  આપવા જ્યારે ઈંગ્લેન્ડથી વાઈસરોય તરીકે માઉન્ટબેટનને મોકલવામાં આવ્યા ત્યારે ફેબ્રુઆરી-૧૯૪૭ નો દિવસ હતો. માઉન્ટબેટને દેશને સ્વતંત્ર્યતા આપવા માટે પ્લાન બનાવ્યો હતો. જેને જૂન-૩ માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રસ્તાવ કરાયો હતો કે ભારતને બ્રિટિશ સરકાર તરફથી ૩૦ જૂન-૧૯૪૮ ના દિવસે તમામ પાવર્સ સોંપી દેવામાં આવશે. પરંતુ ભારતના નેતાઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અને કહ્યુ હતું કે આટલા લાંબા સમય સુધી ભારત હવે આઝાદી માટે રાહ જોઈ શકે તેમ નથી. જ્યારે માઉન્ટબેટને ૩૦-જૂન ૧૯૪૮ ના દિવસે આઝાદી મળશે તેવું કહ્યુ ત્યારે કોંગ્રેસના નેતા ચક્રવર્તી રાજગોપાલાચાર્યએ કહ્યું હતું કે બ્રિટિશ સરકાર ૧૯૪૮માં ભારતને પાવર આપવાની વાત કરે છે પરંતુ ત્યાં સુધી બ્રિટિશ સરકાર પાસે પાવર બચશે જ નહી તો તમે કયો પાવર અમને આપવાની વાત કરો છો ? ૧૯૪૬ થી ૧૯૪૭ દરમિયાન દેશમાં જે માહોલ ઊભો થયો હતો. તે બ્રિટિશ સરકાર સામે જે વિરોધી વાતાવરણ બની ગયું હતું તેના કારણે વાઈસરોય માઉન્ટબેટને પોતાનો પ્લાન બદલવો પડયો. અને દેશની આઝાદી માટે ફરી પાછો એક પ્લાન બનાવ્યો. જે ૪ જુલાઈ-૧૯૪૭ બ્રિટનના હાઉસ ઓફ કોમન્સની ચર્ચામાં મૂકાયો. જેને બ્રિટિશ સાંસદે ચર્ચા કરીને ૧૫ દિવસમાં પાસ કર્યો. આ પ્રસ્તાવમાં ભારતને આઝાદી આપવાની તારીખ ૧૫ ઓગષ્ટ – ૧૯૪૭ નક્કી કરવામાં આવી હતી. માઉન્ટબેટને ૧૫ ઓગષ્ટની તારીખ નક્કી કરીને બધાને દિલાસો આપ્યો હતો કે  આ તારીખે સત્તાનું હસ્તાંતરણ કરવાથી તોફાનો અને ખૂનામરકી નહીં થાય. પરંતુ થયું તેનાથી ઊલટું સત્તાના હસ્તાંતરણના દુનિયાએ ભારતીય ઉપખંડમાં ખુબ જ હિંસક તોફાનો જોયા.

સવાલ એ છે કે માઉન્ટબેટને પણ ૧૫ મી ઓગષ્ટ તારીખ પર મહોર કેમ મારી ? આની પાછળ માઉન્ટબેટનનો પોતાનો ૧૫મી ઓગષ્ટ તારીખ પ્રત્યેનો લગાવ કારણભૂત માનાય છે. એક ઈન્ટરવ્યૂમાં માઉન્ટબેટને કહ્યું હતું કે ભારતની આઝાદી માટે ૧૫મી ઓગષ્ટ તારીખ નક્કી કરાઈ તેની પાછળ કારણ એ છે કે હું ઈચ્છતો હતો કે સૌને ખ્યાલ રહે કે બ્રિટિશ સરકારમાંથી ભારતના નેતાઓને સત્તા આપવાના પુરા ઘટનાક્રમ પાછળ સૂત્રધાર તરીકે હું જ હતો. અને એટલા માટે મેં ૧૫ ઓગષ્ટની તારીખ નક્કી કરી હતી. કારણ એ હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૫ની ૧૫મી ઓગષ્ટે જાપાને એલાઈડ ફોર્સીસ સામે આત્મસમર્પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ એલાઈડ ફોર્સના કમાન્ડર માઉન્ટબેટન હતાં અને તેમની સામે જાપાની સેનાએ પોતાના હથિયારો મૂકીને આત્મસમર્પણ કર્યુ હતું. આમ ૧૫મી ઓગષ્ટનો દિવસ ભારતના છેલ્લા વાઈસરોય માઉન્ટબેટનની જિંદગીમાં મહત્વનો હતો એટલે જ તેમણે ભારતની આઝાદી માટે પણ ૧૫મી ઓગષ્ટનો દિવસ પસંદ કર્યો હતો.

હવે સવાલ એ થાય છે કે જો ૧૫ મી ઓગષ્ટે ભારતનો આઝાદી દિન નક્કી થયો હોય તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંએ દેશને ૧૪ ઓગષ્ટની મધરાત્રે ૧૨ વાગ્યે દેશને સંબોધન કેમ કર્યુ ? એનો જવાબ એ મળે છે કે જ્યારે દેશની આઝાદી માટે માઉન્ટ બેટને ૧૫ મી ઓગષ્ટની તારીખ જાહેર કરી ત્યારે દેશના પ્રખ્યાત જ્યોતિષીઓએ કહ્યું કે ૧૫ મી ઓગષ્ટ-૧૯૪૭ નો દિવસ ભારતના માટે શુભ નથી. જ્યોતિષીઓએ આ દિવસ બદલવાની વાત કરી તો માઉન્ટબેટને ૧૫મી ઓગષ્ટ માટે જીદ કરી.

પરિણામે એવું નક્કી થયુ કે જ્યોતિષીઓએ એક એવું શુભ ચોંઘડીયું શોધ્યુ જે સમયમાં ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે તેની જાહેરાત થઈ શકે. જ્યોતિષીઓએ અભિજીત મુહૂર્તનો હવાલો આપીને પંડિત નહેરુને સલાહ આપી કે ૧૪ ઓગષ્ટની રાત્રે ૧૧.૫૧ કલાકથી ૧૨.૩૯ કલાકની વચ્ચેનો સમય ભારતની સ્વતંત્રતાની જાહેરાત કરવા માટે એકદમ યોગ્ય છે અને બરાબર મધ્યરાત્રિએ ૧૨ કલાકે ભારતની સ્વતંત્રતાની જાહેરાત કરતો શંખનાદ થવો જોઈએ. પરિણામે પંડિત નહેરુએ મધરાત્રે ૧૨ વાગ્યે રેડિયો પર ભારતની સ્વતંત્રતાની જાહેરાત કરતું તેમનું પ્રખ્યાત પ્રવર્ચન કર્યુ પરિણામે જ્યોતિષીઓનું મુહૂર્ત પણ સચવાયુ અને માઉન્ટબેટનની ૧૫મી ઓગષ્ટ માટેની જીદ પણ સચવાઈ ગઈ. ( Source – Sandesh )