રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

  • કોરોનાની સારવાર માટે રાજ્યમાંથી 127 પ્રાઇવેટ હોસ્પિટલની પસંદગી કરાઈ હતી, તેમાંથી 55 પાસે ફાયર એનઓસી નથી
  • સુરતની 92 ટકા હોસ્પિટલ NOC ધરાવતી નથી

અમદાવાદ. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સફાળો જાગેલો ફાયર વિભાગ હવે એક પછી એક હોસ્પિટલોની તપાસ કરી રહ્યો છે અને એનઓસી માટે નોટિસ ફટકારી રહ્યો છે, પરંતુ સ્થિતિ એટલી ખરાબ છે કે, રાજ્યભરમાં 11,554થી વધુ હોસ્પિટલોમાંથી માત્ર 3.02 ટકા પાસે જ ફાયર એનઓસી છે. એટલે કે રાજ્યમાં માત્ર 349 હોસ્પિટલ જ એવી છે કે, જેમાં આગ લાગે તો મોટી દુર્ઘટના ટાળી શકાય. બાકીની હોસ્પિટલોમાં દર્દીઓ ભગવાન ભરોસે છે.

અમદાવાદની 31 હોસ્પિટલો પાસે એનઓસી નથી
​​​​​​સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે. અહીં 31 હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ છે, પરંતુ એક પણ પાસે ફાયર સેફ્ટીની વ્યવસ્થા જ નથી. એ જ રીતે સુરતમાં 12 કોવિડ હોસ્પિટલ ફાયર એનઓસી વિના ચાલે છે, જેમને નોટિસ પણ ફટકારાઈ છે. સરકારી આંકડા પ્રમાણે, સમગ્ર રાજ્યમાં કોરોનાની સારવાર માટે સરકાર તરફથી 127 પ્રાઇવેટ હોસ્પિટલની પસંદગી કરાઈ હતી, જેમાંથી 55 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના પછી રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં હજી સરવે થયો જ નથી
વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, કેટલી હોસ્પિટલો પાસે ફાયર એનઓસી છે તેનો ડેટા નથી. હવે સરવે શરૂ કર્યો છે, જ્યાં પણ એનઓસી નહિ હોય ત્યાં નોટિસ મોકલવામાં આવશે. સુરતના સીએફઓ વસંત પારેખે કહ્યું કે, અમે અગાઉ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને એનઓસી લેવાનું કહ્યું હતું, તેમ છતાં મોટા ભાગની સંસ્થા, હોસ્પિટલોએ એનઓસી લીધી નથી. રાજકોટના સીએફઓ બી. જે. ઠેબાએ કહ્યું કે, ત્રણ હોસ્પિટલોને ટૂંક સમયમાં જ વ્યવસ્થા કરવા જણાવાયું છે.

નાની હોસ્પિટલો, ક્લિનિકોની સ્થિતિ સૌથી વધુ ખરાબ
ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના અધ્યક્ષ વિપુલસિંહ ચાવડાએ જણાવ્યું કે, રાજ્યની 11,554 હોસ્પિટલોમાં મોટી 1079 મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. લગભગ 475 સરકારી હોસ્પિટલ છે. 5500 હોસ્પિટલ 50 બેડ કે તેનાથી થોડા ઓછા બેડ ધરાવે છે. આ ઉપરાંત 4500 નાની હોસ્પિટલ અને પ્રાઇવેટ ક્લિનિકો છે. ફાયર એનઓસી મામલે નાની અને મધ્યમ આકારની હોસ્પિટલોની સ્થિતિ વધુ ખરાબ છે. આ હોસ્પિટલો સામાન્ય રીતે એનઓસી લેતી નથી અથવા તો એનઓસી લીધા બાદ રિન્યુ કરાવતી નથી. અમદાવાદમાં જ લગભગ 2 હજારથી વધુ નાની-મોટી હોસ્પિટલો છે. તેમાંથી માત્ર 91એ જ ફાયર એનઓસી લીધી છે. સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય નાનાં શહેરોની સ્થિતિ પણ ખરાબ છે. અહીં પણ નાની હોસ્પિટલો ફાયર એનઓસી અંગે ઉપેક્ષા સેવે છે. ( Source – Sandesh )