અમેરિકામાં નોકરી મેળવવી હવે બનશે અઘરી, એચ-વનબી વિઝામાં થયો મોટો ફેરફાર

અમેરિકામાં નોકરી મેળવવી હવે બનશે અઘરી, એચ-વનબી વિઝામાં થયો મોટો ફેરફાર

ભારતીય આઈટી પ્રોફેશનલોમાં અત્યંત લોકપ્રિય એવા અમેરિકાના એચ-વનબી વિઝાની મંજૂરીમાં વર્ષ 2018માં 10 ટકાનો ઘટાડો થયો હોવાની માહિતી અમેરિકી સત્તાવાળાઓએ આપી છે. 2018ના નાણાકીય વર્ષમાં યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન ર્સિવસ (યુએસસીઆઈએસ)એ કુલ 3,35,000 એચ-વનબી વિઝાને મંજૂરી આપી હતી. જેમાં નવા અને રિન્યુએબલ એમ બંને પ્રકારના વિઝાનો સમાવેશ થાય છે. 2017નાં નાણાકીય વર્ષમાં 3,73,400 વિઝાને મંજૂરી અપાઈ હતી જે 10 ટકાનો ઘટાડો સૂચવે છે. 2017માં 93 ટકા અરજીઓને મંજૂરી મળી હતી જ્યારે 2018માં 85 ટકા અરજીઓ જ મંજૂર થઈ છે.

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયૂટના એનાસ્ટિ સારા પિયર્સે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકાર આક્રમકતાથી એચ-વનબી પ્રોગ્રામનો ઉપયોગ ઘટાડવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. હવે ટ્રમ્પ સરકારના આ આક્રમક પ્રયાસોની અસર આંકડામાં દેખાઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં નવા અને રિન્યુએબલ વિઝાની મંજૂરી 2018ના 85 ટકાથી ઘટીને 79 ટકા પર આવી જવાની સંભાવના છે.

તાજેતરમાં જારી કરાયેલા રિપોર્ટ અનુસાર 2018માં યુએસસીઆઈએસએ 3,96,300 અરજીઓની ચકાસણી કરી હતી. 2017માં 4,03,300 અરજીઓની ચકાસણી કરાઈ હતી. 2018માં 8,50,000 નેચરલાઇઝેશન એપ્લિકેશનો પર કાર્યવાહી કરીને 11 લાખ ગ્રીનકાર્ડને મંજૂરી અપાઈ હતી.

ટ્રમ્પ સરકાર એચ-વનબી વિઝા પ્રોગ્રામને ધીમે ધીમે બંધ કરી દેવા માગે છે ત્વું પ્રતીત થઈ રહ્યું છે. ટ્ર્મ્પ સરકારે એચ-વનબી વિઝાની અરજી ફી વધારી દીધી છે. આ વિઝા માટે સૌથી વધુ ભારતીયો અરજી કરે છે. 2007થી 2017 વચ્ચે 22 લાખ ભારતીયોએ એચ-વનબી વિઝા માટે અરજી કરી હતી.

20 લાખ ડ્રીમર્સને નાગરિકતા આપતો ખરડો અમેરિકી સંસદમાં પસાર

અમેરિકી સંસદે બાળકો તરીકે અમેરિકામાં લવાયેલા ડ્રીમર્સ સહિત પૂરતા દસ્તાવેજો ન ધરાવતા 20 લાખ વિદેશીઓને નાગરિકતા આપવાનો માર્ગ ખુલ્લો કરતો ખરડો પસાર કરી દીધો છે. અમેરિકી સંસદમાં 237 વિરુદ્ધ 187 મતથી પસાર થયેલો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ, 2019 ચોક્કસ જરૂરિયાતો પૂરી કરનાર ડ્રીમર્સને અમેરિકામાં 10 વર્ષ સુધી કાયદેસર રહેવાની પરવાનગી આપશે. ડ્રીમર્સ બે વર્ષ હાયર એજ્યુકેશન અને મિલિટરી ર્સિવસમાં રહેશે તો તેમને કાયમી વસવાટ માટે ગ્રીનકાર્ડ આપવામાં આવશે.