દુનિયા ચીનને નહીં બદલે તો ચીન દુનિયાને બદલી નાખશે : અમેરિકા

દુનિયા ચીનને નહીં બદલે તો ચીન દુનિયાને બદલી નાખશે : અમેરિકા

। વોશિંગ્ટન ।

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધની સ્થિતિ અત્યંત આકરી થતી જાય છે. તાજેતરમાં અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ આ ભારેલા અગ્નિમાં ઘી હોમવાનું શરૂ કર્યું છે. તેમણે અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, ચીન સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે. જો દુનિયા ચીનને નહીં બદલે તો ચીન આખી દુનિયા બદલી કાઢશે. આઝાદી અને લોકશાહી પસંદ કરનારા દેશઓ માટે અને વિશ્વ માટે ચીન ભયજનક છે. લોકશાહી અને આઝાદીને પસંદ કરનારા દેશો ચીનને બદલાવા માટે મજબૂર કરશે તો જ સ્થિતિ થાળે પડશે.

નિક્સન ગ્રંથાલયમાં ભાષણ આપતાં પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ‘સહયોગી દેશો સાથે મળીને ચીનનો મુકાબલો કરવાના ઉપાયો પર વિચારણા ચાલી રહી છે. સમાન વિચારધારાવાળા દેશોએ એક સાથે ચીનને કચડવા માટે પ્રવૃત્ત થવું જોઈએ. અમેરિકા પણ પોતાના સહયોગી દેશોની સાથે જોડાઈને ચીનનો મુકાબલો કરવા માટે સજ્જ અને પ્રતિબદ્ધ છે. ચીનનો મુકાબલો તે અમેરિકા સામેનો સૌથી મોટો પડકાર અને મિશન છે. આપણા લોકોની ખુશાલી અને આઝાદી સામે ચીન ખતરો બની રહ્યો છે. ૧૯૭૦ના દાયકામાં જ અમેરિકી નેતૃત્વને સમજણ પડી ગઇ હતી કે સામ્યવાદી શાસન કઇ દિશામાં જઇ રહ્યું છે? તત્કાલિન અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સને પણ જણાવ્યું હતું કે, ચીન સામે દુનિયાના બજારો ખોલીને તેમણે ભુલ કરી છે. આ રાક્ષસ દુનિયાને ભરખી જશે.’

પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ‘સમાન વિચારધારા ધરાવતા અને લોકશાહીને સમર્થન આપી રહેલા દેશોએ હાથ મિલાવવાની જરૂર છે. કેમ કે સામ્યવાદી શાસન પ્રણાલી ધરાવતા ચીનને આપણે હજી પણ નહીં બદલીએ તો તે આપણને બદલી નાખશે. જે દેશોએ ચીનના અર્થતંત્રને ધબકતું કરવામાં મદદ કરી તે જ દેશોને ચીન હવે ભરખી રહ્યો છે. ચીનને બદલવો તે આજના સમયની સૌથી મોટી માગ છે.’

ચીન સૈન્ય તાકાત વધારી રહ્યો છે

પોમ્પિયોએ જણાવ્યું હતું કે ચીનમાં માનવ અધિકારને કોઇ સ્થાન નથી. બિઝનેસ વધારીને નફો રળવા ચીન કોઇપણ હદે જઇ શકે છે. પરંતુ ચીનને અમારી તાકાતનો કદાચ અંદાજ નથી. ચીને પોતાની સૈન્ય તાકાત વધારી છે અને આગળ પર પણ તે સૈન્ય તાકાત વધારશે.

કીડી ઝાડને ધ્રુજાવવાની વાત કરી રહી છે : ચીન

માઈક પોમ્પિયો દ્વારા અપાયેલા નિવેદન પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આજના વિશ્વમાં અમેરિકાના નેતાઓ ચીનને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કીડી એક વૃક્ષને ધ્રુજાવવાની વાત કરે તેમ પોમ્પિયો ચીનને ડરાવવાની વાતો કરીને જાતે જ હાસ્યાસ્પદ બની રહ્યા છે.

ચીનનો વળતો વાર : અમેરિકાને ચેંગદૂ વાણિજ્ય દૂતાવાસ બંધ કરવા ફરમાન

ચીન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે. બંને દેશો પ્રત્યક્ષરૂપે નહીં પણ રાજદ્વારી રૂપે એકબીજા પર વાર કરી રહ્યા છે. અમેરિકાએ ચીનને શુક્રવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં હ્યુસ્ટન અને ટેક્સાસમાં આવેલા ચીની વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના આદેશ કર્યા હતા. હવે ચીને પણ અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે ચેંગ્દૂ શહેરમાં અમેરિકી દૂતાવાસને આપવામાં આવેલું લાઇસન્સ પાછું ખેંચવામાં આવ્યું છે. ચીની પ્રવકતાએ એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાએ બિનજરૂરી પગલાં લીધાં હતાં. અમેરિકાએ જેવું કર્યું તેવો જ જવાબ આપવો જરૂરી છે અને યોગ્ય પણ છે.

અમેરિકાએ ચીનના બે વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યા પછી ચીને પણ અમેરિકાને વળતો જવાબ આપવાની ધમકી આપી હતી. ચીની વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકાએ રાજકીય કારણોસર આ પગલું લીધું છે. ચીન તેની નિંદા કરે છે.

ત્રણ દિવસમાં ચીનનાં બે દૂતાવાસ બંધ 

અમેરિકાએ ત્રણ જ દિવસમાં ચીનના બે વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના આદેશ કર્યા હતા. અમેરિકી વિદેશ વિભાગે આ આદેશ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને તેની નકલ ચીનને પણ મોકલી હતી. અમેરિકી વિદેશ વિભાગે નિવેદનમાં જણાવ્યું હતું કે વીતેલાં કેટલાંક વર્ષોથી ચીની રાજદ્વારીઓ અમેરિકામાં જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ પણ થતી રહે છે.

( Source – Sandesh )