ભરૂચનો વિકાસ / દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં આવતું અટકશે, દેશનો સૌથી મોટો 21 કિમી લાંબો રિવરફ્રંટ તૈયાર થશે

ભરૂચનો વિકાસ / દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં આવતું અટકશે, દેશનો સૌથી મોટો 21 કિમી લાંબો રિવરફ્રંટ તૈયાર થશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના ભાડભૂત રિવર કમ બેરેજનું રૂા. 4167.70 કરોડનું દિલીપ બિલ્ડકોન અને હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીનું ટેન્ડર મંજૂર
  • 3 વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત થયું હતું, 12 ફેબ્રુઆરીએ માત્ર એક ટેન્ડર આવતાં રીટેન્ડરિંગ કરાયું હતું
  • યોજનાનું કામ નવેમ્બર મહિનાથી શરૂ થશે,4 વર્ષમાં પૂર્ણ કરવાની શરત
  • સચિવ કક્ષાની બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન કરતાં ઔપચારિક મંજૂરી બાદ સત્તાવાર મહોર મારી
  • દહેજ અને હજીરાના ઉદ્યોગો માટે ભાડભૂત વિયર કમ બેરેજ લાઇફ લાઇન સમાન બની રહેશે
  • વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થવા અંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ભારતસિંહની અભિનંદન વર્ષા

અંકલેશ્વર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીની ભાડભૂત રિવર કમ બેરેજ યોજનાનું રૂા. 4167 કરોડનું ટેન્ડર મંગળવારે મંજૂર થતાં ભરૂચ જિલ્લાનો વિકાસ અનલોક થયો છે. રૂા. 4245 કરોડની યોજનાના રી ટેન્ડરીંગમાં 3 કંપની પૈકી દિલીપ બીલ્ડકોન અને હિન્દુસ્તાન કન્સ્ટ્રકશનના સંયુક્ત ટેન્ડરને રાજ્ય સરકારે વિધિવત મંજૂરી આપી છે. આ યોજનાથી દરિયાનું ખારુ પાણી નર્મદામાં આવતું અટકશે અને મીઠા પાણીનું સરોવર રચાશે, જેનાથી ભરૂચ શહેર અને ઉદ્યોગોને મીઠુ પાણી મળશે. આ ઉપરાંત દેશનો સૌથી મોટો 21 કિમી લાંબો રીવરફ્રન્ટ બનશે. નવેમ્બર મહિનાથી કામ શરૂ થશે. 

કલ્પસર યોજના સચિવ તેમજ અધિકારીઓએ મંજૂરી આપી દીધી
ભાડભૂત રિવર કામ બેરેજ યોજનાને સરકારીગ્રહણ લાગતા 8 વર્ષથી કાગળ પર જ રહી ગઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં ખાતમુહુર્ત કર્યા બાદ ઓગસ્ટ 2019માં ટેન્ડર બહાર પડાયું હતું. ગત 12 ફેબ્રુઆરી 2020માં એકમાત્ર  એલએન્ડટી કંપનીનું ટેન્ડર  આવતા અંતે રાજ્ય સરકાર દ્વારા યોજનાનું રી ટેન્ડરીગ કરવાનું નક્કી કરાયું હતું.  ગત એપ્રિલ મહિનામાં  રી ટેન્ડરિંગ કરાતા એલએન્ડ ટી, પટેલ એન્જિનિયર્સ ટેન્ડર તેમજ દિલીપ બીલ્ડકોન અને હિંદુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીએ સંયુક્ત ટેન્ડર ભર્યું હતું. ગત બુધવારે સચિવ કક્ષાની બેઠકમાં પ્રેઝન્ટેશન કરાયા બાદ 4167.70 કરોડના દિલીપ બીલ્ડકોન અને હિંદુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીના સંયુક્ત ટેન્ડરને ઔપચારિક મંજૂરી મળી હતી, જેને આજે સરકારના કલ્પસર યોજના સચિવ તેમજ અધિકારીઓએ મંજૂરી આપી દીધી છે. 

યોજના અમલમાં મૂકવામાં વિલંબ થતાં પ્રોજેક્ટ કોસ્ટ રૂા. 167 કરોડ વધી ગઇ 
પ્રથમ માછીમારોમાટે વિશેષ કેનાલ બનાવવાની જાહેરાત સાથે અંદર બંને તરફ ગોલ્ડન બ્રિજ સુધી  પાકા પાળા બનાવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને લઇ બહાર પાડેલા ટેન્ડર રદ કરી ફરી પાળાને લઇ સર્વે કરાયો હતો.  સર્વે બાદ ટેન્ડર બહાર પાડ્યા બાદ એક જ ટેન્ડર આવતા ફરી રીટેન્ડર કરાયું હતું. પ્રોજકેટ કોસ્ટ 4000 કરોડ હતી જે વધી 4167 કરોડ પર પહોંચી હતી.

રોજગારીનો પ્રશ્ન નહીં ઉકલે ત્યાં સુધી માછીમાર સમાજનો વિરોધ ચાલુ જ રહેશે
ભરૂચ અને ભાડભૂત માછીમાર સમાજના આગેવાન કમલેશ માછીએ જણાવ્યું કે, માછીમાર સમાજની રોજગારીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી અમે કોઇ યોજનાને સકાર નહીં થવા દઇએ. દિલીપ બીલ્ડકોન વાળા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા આવ્યા હતાં. અમે તેમને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા દીધું નથી . અમારા પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેશે.  

રિવર કમ બેરેજ પ્રોજેક્ટથી ફાયદો શું ?
1. ભાડભૂત-હાંસોટ વચ્ચે બનનાર બેરેજમાં બ્રિજનું અંતર 1.6 કિલોમીટરનું હશે. 
2. મીઠા પાણીના સંગ્રહ કરવા બેરેજના પાળા આ બ્રીજ સાથે જોડાયેલા હશે.
3. મત્સ્યઉદ્યોગને મીઠા પાણીના કારણે ફાયદો થશે, દરિયાનું ખારુ પાણી નર્મદા નદીમાં આવતું અટકશે. ભરૂચની ઓળખ બની ચુકેલી હિલ્સા માછલીની સંખ્યામાં વધારો થશે.
4. ભરૂચ જિલ્લાની 1 લાખ હેક્ટર ઉપરાંત ખેતીની જમીનમાંથી ખારાશ માત્રા દુર થશે, જિલ્લાવાસીઓ તેમજ ઉદ્યોગોને પણ પાણી લાભ થશે. 
5. 6 લેન રોડ બનશે જેથી દહેજ સુધી સુરત, મુબઈના સંપર્કમાં હાંસોટ થઇ આવી જશે, દહેજ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝને હજીરાની પેટ્રોકેમિકલ  ઇન્ડસ્ટ્રીઝ સાથે  સંપર્ક થશે 
6. ભરૂચ ,અંકલેશ્વર, હાંસોટ, વાગરા ઝઘડિયાને લાભ થશે, હોટલ ઉદ્યોગને વેગ મળશે  રિવર કમ બેરેજ યોજના અનુલક્ષી 2 ઓફીસ જિલ્લા ખુલશે.  ભાડભૂત રિવર કમ બેરેજ યોજનાને અનુલક્ષીને કલ્પસર યોજના વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર ખાતે 2 કચેરી પણ આગામી દિવસો ઉભી કરશે જેને લઇ યોજનાની કામગીરી ઝડપથી અને સરળતાથી કરી શકાય તે દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ભરૂચમાં વિકાસની નવી કેડી કંડારશે
દિલીપ બીલ્ડકોન  અને હિન્દુસ્તાન કન્સ્ટ્રકશનના રૂા. 4167.70 કરોડના સંયુક્ત ટેન્ડરને મજૂરી આપી છે. ચોમાસા બાદ તુરંત જ અમલમાં મુકાશે. યોજના સાથે દેશનો સૌથી મોટો રિવર ફ્રન્ટ 21 કિમિ લાંબો બનશે જેની નોંધ દેશ અને વિશ્વ કક્ષાએ લેવાશે તેમાં વોટર સ્પોર્ટ્સ થી માંડી અનેક પ્રવુતિ અમલમાં મુકાશે.  >  બાબુભાઈ નવલાવાલા, પૂર્વ કેન્દ્રીય સચિવ અને મુખ્યમંત્રીના સલાહકાર

આવો હશે બેરેજ? 
1663મીટર બેરેજની લંબાઇ
90 દરવાજા લાગશે
30મીટર પહોળાઈનો 6 માર્ગીય રસ્તો બેરેજ પર બનશે