કોરોનાનો વાઇરસ હવા દ્વારા ફેલાઈ શકે છે, માસ્ક પહેરી રાખો : સીએસઆઇઆર વડાની ચેતવણી

કોરોનાનો વાઇરસ હવા દ્વારા ફેલાઈ શકે છે, માસ્ક પહેરી રાખો : સીએસઆઇઆર વડાની ચેતવણી

નવી દિલ્હી :

કોરોના વાઇરસનો હવા દ્વારા પ્રસાર થાય છે તેવું વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વીકાર્યા બાદ ભારતની અગ્રણી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના અધ્યક્ષ શેખર સી માન્ડેએ જણાવ્યું હતું કે કોરોનાનો હવા દ્વારા પ્રસાર સંભવિત છે. તેમણે બંધિયાર જગ્યાઓમાં માસ્ક પહેરી રાખવાનું જનતાને સૂચન કર્યું છે. માન્ડેએ જણાવ્યું હતું કે, સામે આવી રહેલા પુરાવા દર્શાવી રહ્યા છે કે કોરોના વાઇરસ હવા દ્વારા પ્રસરતો હોવાની અલગ સંભાવના છે. લોકોએ મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવું જોઇએ. ઓફિસોમાં હવાની અવર જવરની પૂરતી વ્યવસ્થા કરવી જોઇએ અને બંધિયાર સ્થળોમાં માસ્ક ફરજિયાત પહેરી રાખવા જોઇએ. કોરોનાના વાઇરસથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય માસ્ક છે અને દરેક વ્યક્તિએ તેનું ફરજિયાત પાલન કરવું જોઇએ.

WHOએ કહ્યું હતું કે, બંધ સ્થળોમાં હવા દ્વારા કોરોના પ્રસરે છે

અગાઉ ૩૨ દેશના ૨૩૯ વૈજ્ઞાનિકોએ વિશ્વ આરોગ્ય સંસ્થાને પત્ર લખી જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ હવા દ્વારા ફેલાઇ શકે છે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરવામાં આવે. જેના પગલે ૯મી જુલાઇના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, બંધિયાર સ્થળોમાં કોરોના વાઇરસ હવા દ્વારા ફેલાતો હોવાની સંભાવનાને નકારી શકાય નહીં.