રાજ્યભરમાં મેઘ મહેર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અ’વાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં મેઘ મહેર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અ’વાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે.

અમદાવાદમાં આજે સામાન્યથી ભારે વરસાદની આગાહી:

મળતી માહિતી મુજબ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે અમદાવાદમાં આજે અને આવતીકાલે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વિભાગે દાદર નાગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ પણ વરસાદ:

સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. સુરતની વાત કરીએ તો શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે. મજુરા, અઠવાગેટ, રાંદેરમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક શહેરી વિસ્તારોમાં પણ વરસાદ થતા વાતવરણમાં થંડક પસરી છે. જેના કારણે લોકોને બફારાથી રાહત મળી છે. ઉપરાંત, રાજકોટની વાત કરીએ તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજકોટના ગોંડલ, જામ કંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણી, ધોરાજી, જેતપુરમાં સારો વરસાદ થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જામ કંડોરણામાં અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

આ સિવાય સુરેન્દ્રનગરની વાત કરીએ તો લિંબડી, ચુડા, ચાચકા, ભેંસજાળ, છતરીયાળા, ભૃગૃપર, વેજલકા, કરમડ, છલાળા અને સાયલા તાલુકાના ધાંધલપુર, ધજાળા, સુદામડા અને થોરીયાળી જેવા ગામોમાં વરસાદ થતા લોકોમાં આનંદ જોવા મળી રહો છે. આ સિવાય રાજકોટના ગોંડલમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો થતા ખાંભા અને બગસરામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માહોલ સર્જાતા જગતનો તાતનો ખુશ થયો છે.