બિનઅનામત વર્ગ સાથે સરકારની મશ્કરી, લોન કે સહાયની માત્ર વાતો જ

બિનઅનામત વર્ગ સાથે સરકારની મશ્કરી, લોન કે સહાયની માત્ર વાતો જ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની આગ બાદ  ગુજરાત સરકાર ફફડી ઊઠી હતી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીને  ધ્યાને રાખી તાબડતોબ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક  વિકાસ નિગમની રચના કરવી પડી હતી. જોકે નિગમની રચના બાદ  જે યોજનાઓ બહાર પાડી તેનો પ્રચાર-પ્રસાર કરવામાં નિગમ કે  ભાજપની સરકારે ખાસ રસ દાખવ્યો નથી, જેના કારણે વિવિધ  યોજનામાં લાભાર્થીઓની સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ખૂબ મામૂલી  એટલે કે માંડ ૫૧ અરજીઓ આવી છે, તેમાં ય વળી નિગમે તો  કોચિંગ સહાય હોય કે ટયૂશન સહાય યોજના હોય, એક પણ  યોજનાની અરજીને મંજૂર કરી નથી. તમામ યોજનાઓની તમામ  અરજીઓ પડતર બોલી રહી છે, સરકારનું આ નિગમ માત્ર શોભાના  ગાંઠિયા સમાન બન્યું હોવાનો એક મત પ્રવર્તી રહ્યો છે. બીજી  તરફ નિગમ લેટેસ્ટ આંકડા તો ૧૩ હજાર બતાવે છે, જેનો મતલબ એ  પણ થાય કે, આટલી અરજીઓ માત્ર છ-સાત મહિનાના ગાળામાં મળી  હોય.

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો  પહેલી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં  બહાર આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં બિન અનામત જ્ઞાતિઓમાં  નબળા વર્ગ માટેની રોજગારલક્ષી સહાય યોજના હોય કે પછી  કોચિંગ, ટયૂશન, ભોજન બિલ, વિદેશ અભ્યાસ લોન અને શૈક્ષણિક  અભ્યાસ લોન હોય, આ તમામ યોજનાની માંડ ૫૧ અરજીઓ જ  નિગમને મળી છે. એક પણ કિસ્સામાં લાભાર્થીને સહાય મળી ન  હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૨૦૧૭-૧૮માં તો એક પણ અરજી મળી  નહોતી. મહત્ત્વનું છે કે, કોચિંગમાં ૨૦ હજાર, ટયૂશનમાં ૧૫ હજાર,  ભોજનમાં ૧૨ હજાર, વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને શૈક્ષણિક  અભ્યાસ લોન ૧૦ લાખ સુધી મળવાપાત્ર હોય છે.

એક ચર્ચા એવી પણ છે કે, માત્ર ૨૦૧૭ની ચૂંટણી જીતવા  માટે આ નિગમની રચનાનો ખેલ રચાયો હતો, બાકી બિનઅનામત  વર્ગને લાભ આપવામાં સરકાર કે નિગમને કોઈ રસ નથી. છેલ્લે  ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે બિનઅનામત માટે ૧૦  ટકા અનામતની જાહેરાત કરી હતી.

વર્ષ ૨૦૧૮-૧૯માં અરજી અને પડતર  

યોજના                 અરજી     પડતર  

રોજગારલક્ષી સહાય    ૧              ૧

કોચિંગ સહાય           ૧૧             ૧૧

ટયૂશન સહાય          ૧૪             ૧૪

ભોજન સહાય           ૦૪             ૦૪

વિદેશ અભ્યાસ લોન    ૧૪             ૧૪

શૈક્ષણિક અભ્યાસ લોન  ૦૭             ૦૭

કુલ                    ૫૧             ૫૧

પાટીદાર સહિત ૫૮ જેટલી જ્ઞાતિઓને લાભ આપવા નિર્ણય થયેલો  

ગુજરાત સરકારે સપ્ટેમ્બર ૨૦૧૭માં બિનઅનામત વર્ગ  શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના અંગે વિધિવત્ ઠરાવ  કર્યો હતો, જેમાં પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, લોહાણા,  સોની, ખમાર, મહેશ્વરી વગેરે જેવી અંદાજે ૫૮ જેટલી જ્ઞા।તિઓને  લાભ આપવા નિર્ણય કર્યો હતો.

નિગમના ચેરમેન શું કહે છે?  

નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરાએ જણાવ્યું કે,  જે પડતર અરજીનો રકોર્ડ બતાવે છે તે કટ ઓફ ડેટના આધારે હોઈ  શકે છે. બાકી અત્યાર સુધીમાં નિગમે ગત વર્ષની કુલ ૧૩ હજાર  અરજીઓ મંજૂર કરી છે, જે પૈકી ૯ હજાર જેટલી અરજીમાં પેમેન્ટ  ચૂકવવાના હુકમ થઈ ગયા છે. ૭૦૦થી વધુ અરજીઓ એવી પણ હતી  જેમાં બેંકના આઈએફએસ કોડ સહિતમાં ભૂલના કારણે પેમેન્ટ થઈ  શક્યા નહોતા. વિદેશ અભ્યાસ માટેની લોનમાં ૨૫૦ જેટલી  અરજીઓમાં પેમેન્ટ થઈ ચૂક્યા છે.