H-૧B, H-૨B, J-૧ અને L-૧ વિઝાધારકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ

H-૧B, H-૨B, J-૧ અને L-૧ વિઝાધારકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય એવા એચ-વનબી વિઝા સહિત એચ-ટુબી, જે અને એલ નોન ઇમિગ્રન્ટ વિઝા અને તેમના આશ્રિતોના અમેરિકા પ્રવેશ પર ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી સસ્પેન્ડ કરી દેવાની ઘોષણા કરી છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણી પહેલાં બહાર પડાયેલું જાહેરનામું ૨૪ જૂનથી અમલમાં આવશે. નવા નિયમો હાલ અમેરિકામાંથી બહાર છે તેવા વિઝાધારકો, માન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝા ન ધરાવતા લોકો અને અમેરિકામાં પ્રવેશ માટે વિઝા ઉપરાંતના સત્તાવાર પ્રવાસ દસ્તાવેજો નહીં ધરાવતા લોકોને જ લાગુ થશે. ૧ ઓક્ટોબરથી શરૂ થતા ૨૦૨૧ના નાણાકીય વર્ષ માટે જારી કરાયેલા એચ-વનબી વિઝા મેળવનારા મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અને સંખ્યાબંધ કંપનીઓેને આ નિર્ણયની વિપરીત અસર થશે. અમેરિકા જવા ઇચ્છતા ફોરેન વર્ક વિઝાધારકોને ઓછામાં ઓછું ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી તો રાહ જોવી જ પડશે. તે ઉપરાંત એચ-વનબી વિઝા રિન્યૂ કરાવવા ઇચ્છતા મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર પણ ટ્રમ્પ સરકારના આ નિર્ણયની વિપરીત અસર પડે તેવી સંભાવના છે. નવા નિયમોની અસર ફક્ત અમેરિકા બહાર રહેલા વિઝાધારકો પર જ પડશે. જે વિઝાધારકો અમેરિકામાં જ છે તેમના પર નવી ઘોષણાની અસર પડશે નહીં. અત્યારે જે વિઝાધારકો હાલ અમેરિકાની બહાર છે તેઓ અમેરિકા પરત ફરી શકશે નહીં. જાહેરનામામાં અમેરિકામાં કાયમી વસવાટ માટે જારી કરાતા નવા ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ લાદતા ટ્રમ્પ સરકારના અગાઉના આદેશને પણ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી દેવાયો છે.

ટ્રમ્પ સરકારે જણાવ્યું હતું કે, દેશમાં બેરોજગારીનું પ્રમાણ અસામાન્ય રીતે વધ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, નોન ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ દ્વારા વધારાના કામદારોનો અમેરિકામાં પ્રવેશ અમેરિકન નાગરિકોની રોજગારીની તકો સામે મોટો પડકાર ઊભો કરે છે.

અમેરિકામાં ફેબ્રુઆરી-એપ્રિલમાં ૩.૭ કરોડ લોકોએ નોકરી ગુમાવી : ટ્રમ્પ

ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકન ઉદ્યોગજગતમાં ફેબ્રુઆરી-એપ્રિલ ૨૦૨૦માં ૧ કરોડ ૭૦ લાખ નોકરીઓ ઘટી હતી. કંપનીઓ આ નોકરીઓ એચ-ટુબી વિઝા દ્વારા વિદેશી નાગરિકોને આપવાની માગ કરી રહી છે. આ જ સમયગાળામાં મહત્ત્વના સેક્ટરોમાં બે કરોડ કરતાં વધુ અમેરિકન કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. હાલ આ સેક્ટરોની કંપનીઓ આ નોકરીઓ એચ-વનબી અને એલ વિઝાધારકો દ્વારા ભરવાની વિનંતી કરી રહી છે. તે ઉપરાંત મે મહિનાના બેરોજગારીના આંકડા બતાવે છે કે, જે વિઝાધારકો સાથે સ્પર્ધાનો સામનો કરી રહેલા ૧૬-૧૯ વર્ષના ૩૦ ટકા અમેરિકનો અને ૨૦-૨૪ વર્ષના ૨૩ ટકા અમેરિકનો બેરોજગાર બન્યા હતા.

ટ્રમ્પને નિર્ણય પાછો ખેંચવા અમેરિકન સાંસદોની અપીલ

અમેરિકન સાંસદોએ પ્રમુખ ટ્રમ્પને એચ-વનબી સહિતના નોન ઇમિગ્રન્ટ વિઝા પરનું સસ્પેન્શન રદ કરવા અપીલ કરી છે. ભારતીય મૂળના સાંસદ રાજા ક્રિશ્નમૂર્તિએ જણાવ્યું હતું કે, મહત્ત્વના વર્ક વિઝા સસ્પેન્ડ કરવાના ટ્રમ્પના નિર્ણયથી મોટી હતાશા વ્યાપી છે. આ નિર્ણયને કારણે અમેરિકામાં મહત્ત્વના સેક્ટરોમાં કુશળ કર્મચારીઓની ભયજનક અછત સર્જાશે. સેનેટર ડર્બિન, સાંસદો રો ખન્ના અને બિલ પાર્સેલે જણાવ્યું હતું કે આ યોગ્ય વલણ નથી. આપણે એચ-વનબી વિઝા પ્રોગ્રામનો અંત નહીં પરંતુ તેમાં સુધારા કરવાના છે.

ટ્રમ્પના નિર્ણય પર વ્યાપક પ્રત્યાઘાત

  • વિદેશી કર્મચારીઓએ અમેરિકાની સફળતામાં મોટું યોગદાન આપી અમેરિકાને ગ્લોબલ લીડર બનાવ્યો છે. આજની ઘોષણાથી હું ઘણો વ્યથિત થયો છું. અમે ઇમિગ્રન્ટ્સ સાથે ઊભા રહીશું : સુંદર પિચાઈ, સીઇઓ-ગૂગલ
  • ટ્રાવેલ બાન ટ્રમ્પ અને મિલરનું નવું તરકટ છે. અસંખ્ય નિષ્ફળતાઓ જનાધાર વધારવા ટ્રમ્પના આ પ્રયાસને સફળ થવા નહીં દે. : વનિતા ગુપ્તા, માનવ અધિકાર કાર્યકર્તા
  • પ્રતિબંધ કંપનીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો, યુનિવર્સિટીઓ, હોસ્પિટલ, કોમ્યુનિટીને ભયાનક નુકસાન કરીને અર્થતંત્રની રિકવરીને ધીમી પાડશે : જેનિફર મિનિયર, અમેરિકન લોયર્સ એસોસિયેશન

ટ્રમ્પ સરકારની ઘોષણા પર વ્હાઇટ હાઉસની દલીલો

  • અમે મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ તરફ આગળ વધી રહ્યાં છીએ
  • અમેરિકન નોકરીઓની સુરક્ષા અને અત્યંત કુશળ કામદારોને પ્રાથમિકતા આપીશું
  • જે એચ-વનબી વિઝાધારકોને ઊંચા પગાર ઓફર કરાયા છે તેમને પ્રાથમિકતા અપાશે
  • નોન ઇમિગ્રેશન વિઝા સિસ્ટમમાં રહેલાં છીંડાં દૂર કરાશે
  • એચ-વનબી વિઝાની પ્રક્રિયામાં લોટરીની સિસ્ટમ દૂર કરાશે
  • આ નિર્ણયથી અમેરિકનો માટે ૫.૨૫ લાખ નોકરીઓ મુક્ત થશે

કોણ અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે?

૧. એચ-વનબી વિઝાધારકો

૨. એચ-ટુબી વિઝાધારકો

૩. એલ વિઝાધારકો

૪. જે વિઝાની ચોક્કસ કેટેગરી

૫. ઇન્ટર્ન, ટ્રેઇની, ટીચર, કેમ્પ કાઉન્સેલર, સમર વર્કર્સ

ટ્રમ્પની ઘોષણાની કોને અસર નહીં થાય

૧. અમેરિકાના કાયદેસરના કાયમી રહેવાસી

૨. અમેરિકન નાગરિકના વિદેશી જીવનસાથી અને બાળકોને આ નિર્ણયની અસર નહીં થાય

૩. ફૂડ સપ્લાય ચેઇન માટે હંગામી સેવાઓ આપતા અમેરિકા બહાર રહેલા વિદેશી નાગરિકો

૪. માન્ય વિઝા, એડવાન્સ પેરોલ અથવા અન્ય યુએસ ટ્રાવેલ ડોક્યુમેન્ટ ધરાવતા વિદેશી નાગરિકો

૫. પ્રાઇમરી વિઝા હોલ્ડર અથવા એચ-૪ વિઝાધારકો

૬. અમેરિકામાં હાલ રહેલા વિદેશી વિદ્યાર્થીઓ અને પોતાના સ્ટેટસમાં બદલાવની રાહ જોઇ રહેલા વિદેશીઓ