આ શહેરની ઘડિયાળમાં નથી વાગતા 12, અહીંના લોકો 11 નંબરના છે દિવાના

આ શહેરની ઘડિયાળમાં નથી વાગતા 12, અહીંના લોકો 11 નંબરના છે દિવાના

નવી દિલ્હી, 1 જૂન 2019, શનિવાર

સવારથી સાંજ સુધીના દરેક કામ કરતી વખતે આપણે હજારો વખત ઘડિયાળમાં સમય જોતા હોય છે. દિવસ દરમિયાનના મહત્વના કાર્યો પણ ઘડિયાળના સમય અનુસાર થતા હોય છે.સામાન્ય રીતે દરેક ઘડિયાળમાં 1થી 12 સુધીના અંક જોવા મળે છે. પરંતુ દુનિયાનું એકમાત્ર શહેર એવું છે જ્યાં ઘડિયાળમાં 12નો આંકડો જ નથી, એટલે કે અહીં 12 વાગતા જ નથી. આ વાત જાણી નવાઈ લાગશે પરંતુ સ્વિટ્જરલેંડના સોલોથર્ન શહેરના લોકો 11 નંબર પાછળ એટલા પાગલ છે કે તેમણે ઘડિયાળમાંથી 12નો આંકડો જ દૂર કરી દીધો છે.

આ શહેરની એક બે નહીં પરંતુ દરેક ઘડિયાળ એવી છે જેમાં માત્ર 11 સુધી જ અંક છે. માત્ર ઘરમાં જ નહીં ચર્ચ, જાહેર રસ્તા પરની ઘડિયાળમાં પણ 12 નથી વાગતા. આમ કરવાનું કારણ પણ રસપ્રદ છે. આ શહેરની મોટાભાગની વસ્તુઓ સાથે 11 નંબર સંબંધ ધરાવે છે. અહીં જોવા લાયક સ્થળ, સંગ્રહાલય અને ટાવરમાં પણ 11 નંબર જ જોવા મળે છે. અહીંનું ચર્ચ બનતા 11 વર્ષનો સમય લાગ્યો હતો, તેની અંદર 11 દરવાજા અને 11 બારીઓ છે. શહેરનો જન્મદિવસ પણ 11 તારીખે આવે છે. લોકો એકબીજાને ગિફ્ટ પણ 11 સાથે જોડાયેલી આપે છે. 

11 અંકના મહત્વનું કારણ

માનવામાં આવે છે કે અહીં સોલોર્થનના લોકો મહેનતી હતા. પરંતુ મહેનત કરવા છતા તેઓ જીવનથી નાખુશ હતા. તે સમયે શહેરમાં પર્વતો તરફથી એક એલ્ફ આવ્યો. તેણે લોકોનો ઉત્સાહ વધારવાની શરૂઆત કરી અને પરીણામે લોકોના જીવનમાં ખુશીઓ આવવા લાગી. પૌરાણિક માન્યતા અનુસાર તે એલ્ફ પાસે અલૌકિક શક્તિઓ હતી. જર્મન ભાષામાં એલ્ફનો અર્થ 11 થાય છે. ત્યારથી સોલોર્થનના લોકો દરેક કામ 11 અંક સાથે જોડી કરવા લાગ્યા અને ઘડિયાળમાંથી પણ 12નો અંક દૂર થઈ ગયો.