મંથન / ગુજરાત અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કહ્યું- અમે ફરી લૉકડાઉન નહીં લાદીએ

મંથન / ગુજરાત અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કહ્યું- અમે ફરી લૉકડાઉન નહીં લાદીએ

  • ચેન્નઇ સહિત તમિલનાડુના 4 જિલ્લામાં 19થી 30 જૂન સુધી લૉકડાઉન
  • દેશમાં કોરોનાના કુલ દર્દી 3.32 લાખ થયા
  • પીએમ મોદી આજે 3 વાગ્યે 21 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે

નવી દિલ્હી. દેશમાં સોમવારે નવા 11,502 કોરોના સંક્રમિત મળ્યા. કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3,32,424 થઇ ગઇ છે. સંક્રમણની ગતિ વધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર બે દિવસ દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. મોદી મંગળવારે બપોરે 3 વાગ્યે 21 રાજ્યના મુખ્યમંત્રીઓ અને વહીવટકારો સાથે વાત કરશે.

ચેન્નઇ તથા તેની પડોશના 3 જિલ્લામાં 19થી 30 જૂન સુધી લૉકડાઉનની જાહેરાત
બુધવારની બેઠકમાં બાકીના 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ જોડાશે. દરમિયાન, સંક્રમણ રોકવા દેશમાં ફરી એક વાર લૉકડાઉનની ચર્ચાએ વેગ પકડ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઇ. પલાનિસામીએ ચેન્નઇ તથા તેની પડોશના 3 જિલ્લામાં 19થી 30 જૂન સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાનના બે રવિવારે તો સંપૂર્ણ શટડાઉન રહેશે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અટકળો ફગાવતાં કહ્યું કે તેમના રાજ્યમાં ફરી લૉકડાઉન લાગુ કરવાની કોઇ વિચારણા નથી. બીજી તરફ મુંબઇમાં સોમવારથી લોકલ ટ્રેનો શરૂ કરાઇ. જોકે, હાલ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ તેમાં મુસાફરીની મંજૂરી છે. 

આઇન્સ્ટાઇનના બહાને રાહુલનું મોદી પર નિશાન- ઘમંડ અજ્ઞાનથી વધુ ખતરનાક
રાહુલ ગાંધીએ લૉકડાઉન છતાં કોરોના સંક્રમણ વધવા અંગે ચિંતા વ્યક્ત કરતા વિજ્ઞાની આઇનસ્ટાઇનને ટાંકીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે, ‘અજ્ઞાનથી વધુ ખતરનાક ઘમંડ છે’ -આઇનસ્ટાઇન. લૉકડાઉનથી આ સાબિત થાય છે.’

દિલ્હીમાં હવે રોજ 18 હજાર ટેસ્ટ થશે, અમિત શાહે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી
ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સારવારની તૈયારીની સમીક્ષા કરવા સોમવારે સાંજે દિલ્હીની એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લીધી. બાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે 20 જૂનથી દિલ્હીમાં રોજ 18 હજાર ટેસ્ટ કરાશે.